મુંબઈ ઇન્ડિયન્સે મલેશિયા ઍરલાઇન્સ સાથે મળીને પોતાની થીમ ધરાવતું ખાસ વિમાન રજૂ કર્યું છે. ઑગસ્ટના અંતમાં આ વિમાન મુંબઈ આવશે અને IPL 2027થી ટીમની સફરનો ભાગ બનશે.
MIના લોગોવાળું સ્પેશ્યલ વિમાન ઑગસ્ટના અંતમાં મુંબઈમાં લૅન્ડ થશે
મુંબઈ ઇન્ડિયન્સ (MI) થીમ ધરાવતું એક સ્પેશ્યલ વિમાન મલેશિયા ઍરલાઇન્સે તૈયાર કર્યું છે. મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં આ વિમાનના કેટલાક ફોટો શૅર કર્યા હતા.
સ્ટેડિયમથી આકાશ સુધી મુંબઈ ઇન્ડિયન્સની #OneFamily ભાવનાને લઈ જવા માટે આ વિમાન એપ્રિલ મહિનાથી તૈયાર થઈ રહ્યું છે. ઑગસ્ટના અંતમાં આ વિમાન મુંબઈમાં લૅન્ડ થશે અને IPL 2027થી મુંબઈ ઇન્ડિયન્સની જર્નીનું ભાગ બની જશે.
ક્રિકેટમાંથી બ્રેક વચ્ચે ઈશાન કિશન RBI ઑફિસમાં કામ પર પાછો ફર્યો
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર ઈશાન કિશન સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી વિરામ દરમ્યાન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની પટના ઑફિસમાં અસિસ્ટન્ટ મૅનેજર તરીકે ફરી ફરજ બજાવી રહ્યો છે. ૨૦૧૭માં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પદ મેળવ્યા પછીથી વિકેટકીપર-બૅટર ઈશાન કિશન આ સેન્ટ્રલ બૅન્ક સાથે સંકળાયેલો છે.
અહેવાલ અનુસાર આ નોકરીથી ઈશાન કિશનને મહિને ૮૦,૯૫૦ રૂપિયાનો પગાર મળે છે. ઑફિસમાં તેની એન્ટ્રી બાદ સાથી અધિકારીઓ સાથેના તેના ફોટો વાઇરલ થયા હતા. ઈશાન શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ-સિરીઝ માટે ભારતની ટીમનો ભાગ નથી. ઈશાન કિશનના ગળામાં અસિસ્ટન્ટ મૅનેજરનું આઇ-કાર્ડ જોવા મળ્યું હતું.
તાઇપેઇ ઓપન જીત્યાના થોડા દિવસો પછી જ તન્વી શર્મા કોરિયા માસ્ટર્સની ક્વૉર્ટર ફાઇનલમાં
ભારતની ૧૭ વર્ષની શટલર તન્વી શર્મા કોરિયા માસ્ટર્સ સુપર 300 ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તન્વી શર્મા હાલમાં તાઇપેઇ ઓપનની યંગેસ્ટ ચૅમ્પિયન બની હતી. તન્વીએ ચીનની હરીફ સામે ૩૬ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૫થી પહેલા રાઉન્ડની મૅચ જીતી હતી. ગઈ કાલે તેણે ભારતની શ્રીયાંશી વાલિશેટ્ટી સામે ૨૧-૧૬, ૧૭-૨૧, ૨૧-૧૩થી જીત નોંધાવીને બીજા રાઉન્ડની મૅચ જીતી હતી. આજે તન્વી શર્મા ક્વૉર્ટર ફાઇનલમાં ભારતની રક્ષિતા રામરાજ સામે ટકરાશે. ભારતની અક્ષિતા ચાલિહા પણ ચીનની હરીફ સામે વિમેન્સ સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં રમશે. આ સિવાય ભારતની મેન્સ ડબલ્સની જોડી પૃથ્વી રૉય અને ક્રિષ્ના પ્રસાદ જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
એશિયન લૅજન્ડ્સ લીગ 2026 અધવચ્ચેથી રદ, શ્રીલંકન લાયન્સને ચૅમ્પિયન જાહેર કરી દેવાઈ
આફ્રિકન દેશ ઝામ્બિયામાં એશિયન લેજન્ડ્સ લીગની બીજી સીઝન ૩૦ જુલાઈથી ૧૦ ઑગસ્ટ સુધી ૬ ટીમો વચ્ચે રમાવાની હતી. ઝામ્બિયાની ગવર્નિંગ બોડી અને ICC તરફથી મંજૂરી ન મળવા છતાં ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હોવાથી નવો વિવાદ થયો હતો.
બુધવારે એશિયન લેજન્ડ્સ લીગ 2026ને અધવચ્ચેથી રદ કરવામાં આવી હતી. ઇન્ડિયન રૉયલ્સ અને શ્રીલંકન લાયન્સની એ દિવસે લીગ-સ્ટેજ મૅચ હતી, પરંતુ પૉઇન્ટ-ટેબલમાં બન્ને ટીમ ટૉપ પર હોવાથી બન્ને વચ્ચે ફાઇનલ મૅચ રમાડીને ટુર્નામેન્ટને સમેટી લેવામાં આવી હતી.
શ્રીલંકાએ ૨૧૫/૪નો સ્કોર ડિફેન્ડ કરીને ભારતની ટીમ સામે ૪૦ રને જીત નોંધાવીને ટાઇટલ જીત્યું હતું. આ લીગની મધ્ય સુધીમાં નમન ઓઝા એક જ સ્ટાર પ્લેયર હતો જે ઇન્ડિયન રૉયલ્સ સાથે જોડાયેલો રહ્યો હતો.
ભારતના અંબાતી રાયુડુ સહિત ઘણા જાણીતા ભૂતપૂર્વ ખેલાડીઓ નબળી સુવિધાઓ, ટેક્નિકલ સમસ્યાઓ અને ગેરવહીવટની વચ્ચે ટુર્નામેન્ટ છોડીને જતા રહ્યા હતા. પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ પોતાના ભૂતપૂર્વ ખેલાડીઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ભારત સામે થયેલી ઇન્જરીને કારણે પાકિસ્તાન સામે નહીં રમે જેકબ બેથલ
પાકિસ્તાની ટીમ આગામી ૧૯ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન ઇંગ્લૅન્ડમાં ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. આ સિરીઝની પહેલી બે ટેસ્ટ-મૅચ માટે ગઈ કાલે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. રૅગ્યુલર કૅપ્ટન તરીકે વાપસી કરનાર જો રૂટની આગેવાનીમાં આ ટીમની નવી શરૂઆત બનશે.
૧૬ સભ્યોની સ્ક્વૉડમાંથી યંગ ઑલરાઉન્ડર જેકબ બેથલ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ગયા મહિને ભારત સામે ઇંગ્લૅન્ડની વન-ડે સિરીઝ દરમ્યાન જેકબ બેથલને જમણા ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી. ટીમમાં ઑલી પોપ, બ્રાયડન કાર્સ અને ડેન લૉરેન્સની વાપસી થઈ છે.
બંગલાદેશ સામે ૭ વિકેટ લઈને મિચલ સ્ટાર્ક એકસાથે કપિલ દેવ, ડેલ સ્ટેનનો રેકૉર્ડ તોડશે
ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે આગામી ૧૩થી ૨૬ ઑગસ્ટ દરમ્યાન બંગલાદેશ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. આ ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ૭ વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાનો મુખ્ય ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક સાઉથ આફ્રિકા અને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર્સના ટેસ્ટ-રેકૉર્ડ તોડશે.
મિચલ સ્ટાર્કે ૧૦૫ ટેસ્ટ-મૅચમાં ૪૩૩ વિકેટ લીધી છે. કપિલ દેવે ૧૩૧ ટેસ્ટ-મૅચમાં ૪૩૪ વિકેટ અને ડેલ સ્ટેને ૯૩ ટેસ્ટ-મૅચમાં ૪૩૯ વિકેટ લીધી છે. આ બન્ને ખેલાડીઓને પછાડીને મિચલ સ્ટાર્ક ટેસ્ટ-ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટ લેનાર ટૉપ-ટેન બોલર્સની લિસ્ટમાં એન્ટ્રી કરશે.
ICCને આપેલાં ઇન્ટરવ્યુમાં મિચલ સ્ટાર્કે કહ્યું હતું કે ‘એનો અર્થ એ છે કે મેં ઘણું ક્રિકેટ રમ્યું છે. આવા ખેલાડીઓ સાથે મારું નામ નોંધવું એ ખૂબ જ સન્માનની વાત છે. લાંબા સમય સુધી આ રમતમાં ટકી રહેવા માટે મેં મારી બોલિંગમાં ઘણા સુધારા કર્યા છે.’
