આવતી કાલથી શરૂ થાય છે ભારત અને આૅસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ
પ્રૅક્ટિસ-સેશન પહેલાં ગ્રાઉન્ડ પર વૉર્મ-અપ કરતા જોવા મળ્યા જસપ્રીત બુમરાહ સહિતના પ્લેયર્સ, T20 સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે હેડ કોચ ગૌતમ ગંભીરે ચર્ચા કરી હતી., નેટ-સેશન દરમ્યાન બૅટિંગ-પ્રૅક્ટિસ કરી ઓપનર અભિષેક શર્માએ.
આૅસ્ટ્રેલિયા સામે ભારત છેલ્લી ત્રણ T20 સિરીઝ જીત્યું છે, છેલ્લી ૧૦ T20માંથી ત્રણમાં ભારતને મળી છે હાર
આવતી કાલથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ શરૂ થશે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ ભારતીય પ્લેયર્સે આ સિરીઝની તૈયારી શરૂ કરી દીધી છે. વન-ડે સિરીઝ રમીને આવેલા ભારતીય પ્લેયર્સે પણ T20 સ્ક્વૉડ સાથે પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. ઑસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝમાં ૧-૨ની હાર બાદ ભારતીય ટીમ પર T20 સિરીઝ જીતવાનું પ્રેશર હશે. બન્ને ટીમના આ ફૉર્મેટના રેકૉર્ડને જોતાં ટીમ ઇન્ડિયા સિરીઝના વિજેતા તરીકે ફેવરિટ છે.
ADVERTISEMENT
બન્ને દેશ વચ્ચે ૮ T20 સિરીઝ રમાઈ છે જેમાંથી ૪ સિરીઝ ભારત જીત્યું છે અને ત્રણ સિરીઝ ડ્રૉ રહી છે. ઑસ્ટ્રેલિયા ભારત સામે ૨૦૧૮-’૧૯માં એકમાત્ર સિરીઝ જીત્યું હતું. ભારતે જાન્યુઆરી ૨૦૧૬ની સિરીઝ સહિત ૨૦૨૦થી ૨૦૨૩ વચ્ચે રમાયેલી ત્રણેય T20માં ઑસ્ટ્રેલિયાને માત આપી છે. ભારત ઑસ્ટ્રેલિયામાં ત્રણ સિરીઝ રમ્યું છે જેમાંથી બે જીત્યું છે અને એક ડ્રૉ રહી છે. ભારત ઑસ્ટ્રેલિયામાં પોતાનું T20નું આ અપરાજિત અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જૂન ૨૦૨૪માં બન્ને ટીમ વચ્ચે છેલ્લી T20 મૅચ રમાઈ હતી. છેલ્લી ૧૦ T20 મૅચમાં ઑસ્ટ્રેલિયા ભારતને માત્ર ત્રણ મૅચમાં માત આપી શક્યું હતું.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૩૨
ભારતની જીત ૨૦
ઑસ્ટ્રેલિયાની જીત ૧૧
નો રિઝલ્ટ ૧
ઍડમ ઝૅમ્પા T20 સિરીઝની શરૂઆતની મૅચ ગુમાવશે, ભારતીય મૂળનો તનવીર સંઘા કાંગારૂ સ્ક્વૉડમાં સામેલ
ઑસ્ટ્રેલિયાનો ટોચનો સ્પિનર ઍડમ ઝૅમ્પા ભારત સામેની પાંચ મૅચની T20 સિરીઝની શરૂઆતની મૅચ ગુમાવશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારતીય મૂળના સ્પિનર તનવીર સંઘાને પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. અહેવાલ અનુસાર ૩૩ વર્ષનો ઍડમ ઝૅમ્પા બીજા બાળકનો પપ્પા બનવાનો હોવાથી હાલમાં પરિવાર સાથે છે. ૨૩ વર્ષનો તનવીર સંઘા ૨૦૨૩થી ઑસ્ટ્રેલિયા માટે ૪ વન-ડેમાં બે વિકેટ અને ૭ T20માં ૧૦ વિકેટ લઈ ચૂક્યો છે. તેની T20 કરીઅરમાં તેણે ૫૯ મૅચમાં ૭૭ વિકેટ ઝડપી છે. તનવીર હાલમાં જ ઑસ્ટ્રેલિયા-A ટીમ માટે કાનપુરમાં ઇન્ડિયા-A સામે ૩ વન-ડે મૅચની સિરીઝ રમ્યો હતો, જેમાં તેણે ૭ વિકેટ લીધી હતી.


