દીપાલીની મમ્મી ભાગ્યશ્રી પાચાંગણેએ તેમની દીકરીની આત્મહત્યાના કેસની ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે.
દીપાલી નિંબાળકર
ફલટણમાં જીવ ટૂંકાવનાર ડૉ. સંપદા મુંડેએ સહી કરેલો દીપાલી નિંબાળકરનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરિવારને છેક પાંચ દિવસે મળેલો, હવે દીપાલીનાં મમ્મીએ એ ખોટો હોવાની શંકા જતાવી
ફલટણની ડૉ. સંપદા મુંડેની આત્મહત્યાના ચર્ચાસ્પદ બનેલા કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે એમ-એમ એમાં રોજેરોજ નવા આક્ષેપો થઈ રહ્યા છે, નવા ફણગા ફૂટી રહ્યા છે. આ કેસમાં હવે એક પરિણીતા દીપાલી અજિંક્ય નિંબાળકરે ૨૦૨૫ની ૧૯ ઑગસ્ટે કરેલી આત્મહત્યા ચર્ચાસ્પદ બની છે. તેની મમ્મી ભાગ્યશ્રી પાચાંગણેએ આ બાબતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મારી દીકરી દીપાલીનાં લગ્ન સૈન્યમાં કામ કરતા અજિંક્ય નિંબાળકર સાથે ૨૦૨૧માં થયાં હતાં. લગ્ન બાદ દીપાલીને સાસરિયાં શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. આખરે ૧૯ ઑગસ્ટે તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસે અમને જણાવ્યું હતું. દીકરીના મૃત્યુ પછી પાંચ દિવસ સુધી પોલીસે અમને પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આપ્યો નહોતો. જે અહેવાલ અમને આપવામાં આવ્યો એના પર હાલના કેસમાં આત્મહત્યા કરનાર ડૉ. સંપદા મુંડેએ સહી કરી હતી. મારી દીકરીના પ્રકરણમાં રાજકીય દબાણ અને પોલીસે સાઠગાંઠ કરીને સત્ય છુપાવ્યું હતું. મારી દીકરીએ આત્મહત્યા નહોતી કરી, પણ એ ખૂન હતું. એનો રિપોર્ટ બદલવા ડૉક્ટર પર ખોટો અહેવાલ તૈયાર કરવાનું દબાણ હતું અને તેણે (ડૉ. સંપદાએ) તેના આત્મહત્યાના કારણમાં પણ એ જણાવ્યું છે.’
દીપાલીની મમ્મી ભાગ્યશ્રી પાચાંગણેએ તેમની દીકરીની આત્મહત્યાના કેસની ઝીણવટભરી તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે.


