બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ આગ ગ્રાઉન્ડ પ્લસ એક માળના બિલ્ડિંગમાં લાગી હતી
આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે આગ બુઝાવવામાં અડચણ આવી હતી.
રવિવારે રાત્રે ક્રૉફર્ડ માર્કેટના એલ. ટી. રોડ પર દ્વારકાદાસ બિલ્ડિંગમાં આવેલા બાટાના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. રાતે ૧૦.૨૬ વાગ્યે લાગેલી આગને ૧૦.૪૪ વાગ્યા સુધીમાં લેવલ ટૂ જાહેર કરવામાં આવી હતી. ૮ ફાયર-એન્જિન ઘટનાસ્થળે હાજર રહ્યાં હતાં. ઓછા સમયમાં ઝડપથી પ્રસરેલી આગ અને ધુમાડાને કારણે આગ બુઝાવવાનું કામ પડકારજનક બન્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ આગ ગ્રાઉન્ડ પ્લસ એક માળના બિલ્ડિંગમાં લાગી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બાટાના શોરૂમની અંદર શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાયું હતું જેને કારણે આખા બિલ્ડિંગમાં આગ પ્રસરી હતી તેમ જ બાજુની દુકાનોમાંથી પણ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આગમાં શોરૂમની અંદર રહેલી વસ્તુઓ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયાં હતાં. મોડી રાતે એક વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.


