Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકાને માત આપવા માટે ટીમ ઇન્ડિયા ઘડી રહી છે માસ્ટરપ્લાન, કૅપ્ટન શુભમન ગિલે કરી ખાસ તૈયારી

શ્રીલંકાને માત આપવા માટે ટીમ ઇન્ડિયા ઘડી રહી છે માસ્ટરપ્લાન, કૅપ્ટન શુભમન ગિલે કરી ખાસ તૈયારી

Published : 14 August, 2026 10:43 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતી કાલથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બૅટરોએ સ્પિનની સાથે રિવર્સ સ્વિંગનો પણ સામનો કરવાનો છે

ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન વૉર્મઅપ કરતી ટીમ ઇન્ડિયા.

ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન વૉર્મઅપ કરતી ટીમ ઇન્ડિયા.


લગભગ ૯ વર્ષ પછી શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ રમવા ગયેલી ભારતીય ટીમને આવતી કાલથી શરૂ થઈ રહેલી ગૉલ ટેસ્ટમાં માત્ર સ્પિન જ નહીં પરંતુ રિવર્સ સ્વિંગ સામે ટકી રહેવું પણ એક મોટો પડકાર હશે. બે ટેસ્ટ-મૅચની આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં પાંચમા સ્થાને રહેલા ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
કૅપ્ટન શુભમન ગિલ અને ટીમ-મૅનેજમેન્ટે શ્રેણીની તૈયારીઓમાં કોઈ કસર છોડી નથી. ભારતે શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામેની ત્રણ દિવસીય પ્રૅક્ટિસ મેચમાં અંતિમ સમયે રોમાંચક જીત મેળવી હતી. ત્યાર બાદ એક ક્લબ સાથેના પ્રૅક્ટિસ સેશનમાં મોટા ભાગના ખેલાડીઓ સામેલ થયા હતા.

શુભમન ગિલે કરી ખાસ તૈયારી



પ્રૅક્ટિસ સેશનનું સૌથી રસપ્રદ પાસું કૅપ્ટન ગિલની બૅટિંગ રહ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રથમ ટેસ્ટ જ્યાં રમાવાની છે એ ગૉલના મેદાનમાં બૉલ જૂનો થયા પછી રિવર્સ સ્વિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને ટીમ-મૅનેજમેન્ટે વિશેષ પ્રૅક્ટિસ કરાવી હતી. આ માટે એ જ પિચને ફરીથી તૈયાર કરવામાં આવી હતી જેના પર ભારતે પ્રૅક્ટિસ મૅચ રમી હતી. પિચને જાણીજોઈને ચોથા દિવસની જેમ ખરબચડી અને તિરાડોવાળી રાખવામાં આવી હતી, જેથી બૅટર મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે.
ગિલે ત્રણ થ્રો-ડાઉન સ્પેશ્યલિસ્ટ બોલરો સામે લગભગ ૨૦ મિનિટ પ્રૅક્ટિસ કરી હતી. તેમને ખાસ કરીને થોડાક જૂના કુકાબુરા બૉલનો ઉપયોગ કરવા કહ્યું હતું, જેથી બૉલ રિવર્સ સ્વિંગ થવાની શક્યતા વધી જાય. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરના પેસ બોલર આકિબ નબીને પણ જૂના બૉલથી બોલિંગ કરવાના કહેવામાં આવ્યું હતું. ભારત પોતાની સાથે શ્રીલંકામાં વિવિધ પ્રકારના કુકાબુરા બૉલ લઈને ગયું છે.


સ્પિન સાથે અસમાન ઉછાળનો ભય

શ્રીલંકાની પરિસ્થિતિઓમાં બૉલ ઓસ્ટ્રેલિયાની સરખામણીએ ઝડપથી ઘસાઈ જાય છે. આવી સ્થિતિમાં ભારતને શરૂઆતના તબક્કામાં જ રિવર્સ સ્વિંગનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે ટીમ માત્ર સ્પિન સામે તૈયારી નથી કરી રહી. ગૉલની પિચ ટેસ્ટ-મૅચમાં આગળ જતાં ઝડપથી બદલાવા માટે જાણીતી છે. ચોથા દિવસ સુધી તિરાડો વધવાની સાથે બૉલ ક્યારેક ઝડપથી ટર્ન થઈ શકે છે તો ક્યારેક નીચો રહી શકે છે. અસમાન ઉછાળ અને ઝડપી ટર્ન બૅટર્સ માટે એક મોટો પડકાર બની શકે છે. 
ભારત પાસે રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને સારાંશ જૈનના રૂપમાં ચાર સ્પિન વિકલ્પો છે. ટીમને આશા છે કે સ્પિન મોટું હથિયાર બનશે, પરંતુ સામે શ્રીલંકા પાસે પણ સારા દરજ્જાના સ્પિનરો હોવાથી ભારતે બૅટરોની ટૅક્નિકને પણ મજબૂત 
રાખવી પડશે.


ગિલ-જાયસવાલની થશે પરીક્ષા

પ્રૅક્ટિસ મૅચમાં ભારતે ટીમ-કૉમ્બિનેશન બાબતે અમુક સ્પષ્ટતાઓ મેળવી લીધી છે, પરંતુ પ્રૅક્ટિસ મૅચ અને ટેસ્ટ-મૅચની પરિસ્થિતિઓમાં મોટો તફાવત હશે. શ્રીલંકા સામે અસલી પરીક્ષા ત્યારે થશે જ્યારે ગૉલની પિચ પર બૉલ જૂનો થશે, ઝડપથી ટર્ન થશે અને તિરાડો બૅટરો માટે મુશ્કેલી ઊભી કરશે. આથી બૅટરોએ સ્પિન સામે ધૈર્ય, યોગ્ય ફુટવર્ક અને સ્વીપ શૉટનું યોગ્ય સિલેક્શન કરવું પડશે. કૅપ્ટન ગિલે એના માટે વિશેષ તૈયારીઓ કરી છે.  
ભારત છેલ્લે ૨૦૧૭માં શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ રમ્યું હતું, એટલે ટીમના હાલના મોટા ભાગના ખેલાડીઓ માટે શ્રીલંકાની કન્ડિશન નવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 10:43 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK