ટુર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાને જીત સાથે અને ભારતે કારમી હાર સાથે કરી છે
ઇન્ડિયા-Aની કૅપ્ટન રાધા યાદવ અને પાકિસ્તાન-Aની કૅપ્ટન હફસા ખાલિદ
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં ચાલી રહેલી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં આજે સૌથી રોમાંચક ટક્કર જોવા મળશે. ગ્રુપAની ટીમ ભારત અને પાકિસ્તાન આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ટેર્ડથાઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટકરાશે. ૨૦૨૩ની પહેલી સીઝનમાં બન્ને વચ્ચેની ગ્રુપ-સ્ટેજની ટક્કર વરસાદને કારણે રદ થઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇન્ડિયા-Aને ટુર્નામેન્ટની શરૂઆતમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હોવાથી આજે પહેલી જીત મેળવીને લાજ બચાવવા મેદાનમાં ઊતરશે. નેપાલ સામે જીત મેળવીને આવેલી પાકિસ્તાનની ટીમ પોતાનો વિજયરથ આગળ ધપાવવાનો ટાર્ગેટ રાખશે.
મૅચનો સમય: બપોરે ૧૨.૩૦ વાગ્યાથી
ADVERTISEMENT
ગ્રુપ Bમાં થાઇલૅન્ડ અને બંગલાદેશની વિજયી શરૂઆત
ટુર્નામેન્ટની વર્તમાન સીઝનના યજમાન થાઇલૅન્ડે ગઈ કાલે મલેશિયા સામેની ૯૯ રનની જીત સાથે અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. થાઇલૅન્ડે ૭ વિકેટ ગુમાવીને ૧૬૯ રન કર્યા હતા, તો જવાબમાં મલેશિયાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૭૦ રન કરી શકી હતી.
ગઈ કાલે બપોરની મૅચમાં બંગલાદેશે ૪ રને શ્રીલંકા સામે રોમાંચક જીત મેળવી હતી. ૧૯.૫ ઓવરમાં બંગલાદેશ ૧૧૫ રને ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૧૧ રન કરી શકી હતી.


