કૅરિબિયન પ્રીમિયર લીગમાં પહેલી વખત કોઈ ખેલાડીને આવું સન્માન મળ્યું
ફૅમિલી સાથે હાજર રહેલા ડ્વેઇન બ્રાવોને સર ચૅમ્પિયનવાળી ૪૭ નંબરની જર્સી ભેટમાં આપી ટીમના CEO વેન્કી મૈસૂરે.
ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે તેના હેડ કોચ ડ્વેઇન બ્રાવોની ૪૭ નંબરની જર્સી નિવૃત્ત કરી છે. ૪૨ વર્ષનો ડ્વેઇન બ્રાવો કૅરિબિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આ પ્રકારનું સન્માન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ડ્વેઇન બ્રાવો કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)ના ઇતિહાસમાં સૌથી સફળ ખેલાડીઓમાંનો એક છે. તેણે ખેલાડી તરીકે પાંચ CPL ટાઇટલ જીત્યા છે અને ટ્રિનબાગો નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ તરીકે છઠ્ઠી વખત ચૅમ્પિયનશિપ પણ જીત્યો છે. ડ્વેઇન બ્રાવોએ ૧૦૭ મૅચ રમી અને ૧૨૯ વિકેટ લીધી જેના કારણે તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર બન્યો છે.

ADVERTISEMENT
ડ્વેઇન બ્રાવોને મેદાન પર ખેલાડીઓ દ્વારા ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
ડ્વેઇન બ્રાવોએ ૨૦૨૪માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને એક શાનદાર કરીઅરનો અંત લાવ્યો હતો. તેણે T20 ક્રિકેટમાં સૌથી પ્રભાવશાળી ઑલરાઉન્ડરમાંના એક તરીકે પોતાને સ્થાપિત કર્યો હતો. ત્યાર પછી તેણે તેની પ્રિય ટીમ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે મુખ્ય કોચની ભૂમિકા સંભાળી ડગઆઉટથી ફ્રૅન્ચાઇઝી સાથેનો પોતાનો સંબંધ જાળવી રાખ્યો.
