બાવીસ વર્ષ પહેલાં બ્રિસબેનમાં સચિન તેન્ડુલકરને કાંગારૂઓ સામે LBW આઉટ આપવાનો નિર્ણય એ મારી ભૂલ હતી
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનર અને સચિન તેન્ડુલકર
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેન્ડુલકર માટે આપવામાં આવેલા એક નિર્ણય વિશે મોટો ખુલાસો કર્યો છે. ૭૯ વર્ષના સ્ટીવ બકનરે બાવીસ વર્ષ પછી ક્રિકેટ-ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ નિર્ણયોમાંના એક વિશે સ્પષ્ટતા કરીને સૌને ચોંકાવી દીધા છે. ૨૦૦૮માં ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લાગુ થઈ એ પહેલાં સચિન તેન્ડુલકરને લગતા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લઈને તે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
૨૦૦૩-’૦૪ની ઑસ્ટ્રેલિયા-ટૂરમાં બ્રિસબેન ટેસ્ટ-મૅચ દરમ્યાન ચોથા ક્રમે રમવા ઊતરેલા સચિન તેન્ડુલકરે ૩ બૉલમાં ઝીરોના સ્કોર પર મેદાન છોડવાની ફરજ પડી હતી. પેસ બોલર જેસન ગિલેસ્પીનો એક બૉલ સચિન તેન્ડુલકરના પૅડ પર વાગ્યો હતો. કાંગારૂઓની જોરદાર અપીલ વચ્ચે સ્ટીવ બકનરે સચિનને LBW આઉટ આપ્યો હતો. રીપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બૉલ સ્ટમ્પ ઉપરથી જઈ રહ્યો હતો. કૉમેન્ટેટર ટોની ગ્રેગે એ સમયે એને ખૂબ જ ખરાબ નિર્ણય ગણાવ્યો હતો.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ અમ્પાયર્સ અસોસિએશન સાથેના એક ઇન્ટરવ્યુમાં સ્ટીવ બકનરે બ્રિસબેન ટેસ્ટ-મૅચના એ નિર્ણય વિશે કહ્યું હતું કે ‘આજે પણ દરરોજ લોકો એના વિશે વાત કરે છે અને મને પૂછે પણ છે કે મેં સચિનને શા માટે આઉટ આપ્યો? શું તે આઉટ હતો? હું સ્વીકારું છું કે સચિનને લેગ બિફોર વિકેટ (LBW) આઉટ આપવો એ મારી ભૂલ હતી.’
૧૯૯૨થી ૨૦૦૭ સુધી સતત પાંચ વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયરિંગ કરવાનો રેકૉર્ડ પણ તેમના નામે છે. ૨૦૦૯ સુધી સ્ટીવ બકનરે ૧૨૮ ટેસ્ટ-મૅચ અને ૧૮૧ વન-ડે મૅચમાં અમ્પાયરિંગ કર્યું હતું. તે ફુટબૉલ ખેલાડી, રેફરી અને હાઈ સ્કૂલમાં ગણિતના ટીચર પણ રહ્યા છે.
