પહેલી સીઝનમાં તેણે ચેન્નઈ માટે ૩ મૅચમાં ૬૮ રન કર્યા હતા.
સોશ્યલ મીડિયા પ્રોફાઇલમાં ધોની સાથેનો આવો ફોટો મૂક્યો છે ઉર્વિલ પટેલે અને લખનઉ સામેની જીત બાદ પપ્પા સાથેનો આ ફોટો શૅર કર્યો હતો ઉર્વિલ પટેલે.
IPL 2025માં ઇન્જરી રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સામેલ કર્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સે મહેસાણાના ઉર્વિલ પટેલને ૩૦ લાખ રૂપિયામાં આ સીઝનમાં પણ જાળવી રાખ્યો હતો. પહેલી સીઝનમાં તેણે ચેન્નઈ માટે ૩ મૅચમાં ૬૮ રન કર્યા હતા. જોકે લખનઉ સામે ૬૫ રનના સ્કોર સાથે આ સીઝનમાં તેણે ૪ મૅચમાં ૧૧૦ રન નોંધાવ્યા છે. આ સીઝનની પહેલી ૩ મૅચમાં ૨૭ વર્ષનો ઉર્વિલ પટેલ ૪ રન, ૨૪ રન અને ૧૭ રને આઉટ થયો હતો. ઉર્વિલ પટેલે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે ‘જ્યારે હું બે મૅચમાં વહેલો આઉટ થયો ત્યારે મેં માહીભાઈ સાથે વાત કરી. અમે ડ્રેસિંગ રૂમમાં સાથે બેઠા હતા અને મેં તેમને પૂછ્યું કે ‘હું વહેલો આઉટ થઈ રહ્યો છું, સારી શરૂઆત અપાવવા માટે મારે શું કરવું જોઈએ?’ તેમણે ફક્ત એક જ વાત કહી કે ‘મને તારી કુશળતામાં કોઈ શંકા નથી. તારા મનમાં ગમે તે શંકા હોય તો ફક્ત સ્પષ્ટ રહે અને યોગ્ય જગ્યાએ યોગ્ય બૉલ મારવાનો પ્રયાસ કર.’ ઉર્વિલ પટેલે વધુમાં કહ્યું કે, ‘હું IPLમાં મારા પહેલા ૫૦ રનની રાહ જોઈ રહ્યો હતો. અને હું ભાવુક હતો કારણ કે મેં ફક્ત ૧૩ બૉલમાં ૫૦ રન બનાવ્યા હતા. હું ખૂબ જ ભાવુક હતો, ખાસ કરીને મારા પપ્પા માટે. મેં ફિફ્ટી તેમને સમર્પિત કરી હતી.’ ઉર્વિલ પટેલના પપ્પા મુકેશ પટેલ યુનિવર્સિટી-સ્તરના દોડવીર રહ્યાં છે અને સ્કૂલમાં પી.ટી. ટીચર તરીકે પણ કામ કર્યું છે.
