દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મૅચ પહેલાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અગાઉ ‘વંદે માતરમ્’ વગાડાયું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલી વાર બન્યું છે અને ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શિકાનું પાલન કરાયું.
ભારતીય ક્રિકેટમાં પહેલી વાર રાષ્ટ્રગીત પહેલાં વંદે માતરમ્ વગાડાયુ
રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મૅચ પહેલાં રાષ્ટ્રગીત જન ગણ મન અગાઉ ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ વગાડવામાં આવ્યું હતું. ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં આવી ઘટના પહેલી વખત બની છે.
આ પગલું ગૃહમંત્રાલય દ્વારા થોડા સમય પહેલાં જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને લેવામાં આવ્યું છે. એમાં સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’નાં પ્રથમ છ પદો વગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.
ઇંગ્લૅન્ડથી બેઇજ્જત થઈને નીકળેલા સલમાન આગાએ ટ્રિપલ સેન્ચુરી ફટકારી
ADVERTISEMENT
પાકિસ્તાનના T20 ક્રિકેટ ટીમના કૅપ્ટન સલમાન અલી આગાએ હાલમાં ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂરમાં અધવચ્ચેથી બેઇજ્જત થઈને ઘરે આવવું પડ્યું હતું. પહેલી ટેસ્ટ-મૅચમાં સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન બન્યા પછી બીજી ટેસ્ટ-મૅચમાંથી તેને ડ્રૉપ કરવામાં આવ્યો હતો.ત્રીજી ટેસ્ટ-મૅચ પહેલાં સલમાન અલી આગા સહિત સાત ખેલાડીઓને સ્ક્વૉડમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાનાં લગભગ બે અઠવાડિયાં પછી પ્રેસિડન્ટ્સ ટ્રોફી ગ્રેડ-૧ની પહેલી મૅચમાં સલમાન આગાએ પોતાનો બેસ્ટ ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટ સ્કોર ફટકાર્યો છે. સલમાન અલી આગાએ ૩૩૬ બૉલમાં ૪૨ ફોર અને એક સિક્સની મદદથી ૩૦૦ રન કર્યા હતા. અગાઉ આ ફૉર્મેટમાં તેનો બેસ્ટ સ્કોર ૧૬૯ રનનો હતો.
એશિયન ગેમ્સમાં ફ્લડલાઇટ્સની સુવિધા ન હોવાથી મેન્સ ક્રિકેટ મૅચોના સમયમાં ફેરફાર
એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટ ઇવેન્ટની કેટલીક મૅચોના શરૂઆતના સમયમાં ૩૦ મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર જરૂરી હતો કારણ કે જપાનમાં વહેલું અંધારું થઈ જાય છે. મેદાન પર ફ્લડલાઇટ્સની સુવિધા ન હોવાથી મૅચો વહેલી શરૂ કરવી યોગ્ય માનવામાં આવ્યું હતું. ખાસ કરીને એટલા માટે કે પુરુષોની મૅચો લાંબો સમય ચાલે એવી શક્યતા છે.
આ ફેરફારો ૨૮ સપ્ટેમ્બરે યોજાનારી બીજી ક્વૉર્ટર ફાઇનલ (જેમાં ભારત રમશે), ૧ ઑક્ટોબરે યોજાનારી બીજી સેમી-ફાઇનલ (જેમાં ભારત રમે એવી સંભાવના છે) અને ૩ ઑક્ટોબરે યોજાનારી ગોલ્ડ મેડલ મૅચને લાગુ પડે છે. સમયના આ ફેરફારને ઑફિશ્યલ વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યો છે.
સુધારેલા કાર્યક્રમ મુજબ સ્થાનિક સમય સવારે નવ વાગ્યા પછી શરૂ થતી બપોરની બે વાગ્યાની મૅચોના સમયમાં ફેરફાર થયો છે. અગાઉ બપોરે બે વાગ્યે નિર્ધારિત પુરુષોની મૅચો હવે બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. જપાન ભારત કરતાં ૩ કલાક અને ૩૦ મિનિટ આગળ હોવાથી આ મૅચ ભારતીય સમય મુજબ સવારે ૧૦ વાગ્યે શરૂ થશે.
કાંગારૂ ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન લગ્નના બંધનમાં બંધાયો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસનો ૨૫.૨૦ કરોડ રૂપિયાનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી કૅમરન ગ્રીન લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ૨૭ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીને ૪ સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં જેના ફોટો તેણે ગઈ કાલે શૅર કર્યા.
પોષણ, સ્વાસ્થ્ય અને ફિટનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલી ૨૭ વર્ષની એમિલી રેડવુડ સાથે કૅમરન ગ્રીને વેસ્ટર્ન સ્ટાઇલમાં લગ્ન કર્યાં હતાં. ફેબ્રુઆરી ૨૦૨૩માં કૅમરન ગ્રીને તેને પ્રપોઝ કરીને સગાઈની જાહેરાત કરી હતી.
ACC મેન્સ પ્રીમિયર કપ જીતીને નેપાલે વન-ડે એશિયા કપ 2027માં એન્ટ્રી મારી
મલેશિયામાં રમાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મેન્સ પ્રીમિયર કપની ફાઇનલમાં નેપાલે UAEને ૪૪ રનથી હરાવ્યું. નેપાલે ૯ વિકેટના ભોગે ૩૧૩ રન બનાવ્યા હતા જ્યારે UAEની ટીમ ૨૬૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
આ જીત સાથે નેપાલે ૨૦૨૭ના વન-ડે એશિયા કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. એશિયા કપમાં નેપાલની આ બીજી હાજરી હશે. અગાઉ તેઓ ૨૦૨૩માં શ્રીલંકામાં આયોજિત વન-ડે એશિયા કપમાં રમ્યા હતા.
૨૦૨૭ના જૂન-જુલાઈમાં બંગલાદેશમાં છ ટીમો વચ્ચે વન-ડે એશિયા કપ રમવાનો છે. એશિયાની ટૉપ ફાઇવ ફુલ મેમ્બર નેશન ટીમ ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશે પહેલાંથી જ ટુર્નામેન્ટમાં ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું. મેન્સ પ્રીમિયર કપ રમીને નેપાલ સહિત ૧૦ ટીમોને ૨૦૨૭ના વન-ડે એશિયા કપમાં છઠ્ઠી ટીમ બનવાની તક હતી.
