Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધુરંધર કોહલીએ T20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૪ હજાર રન ફટકાર્યા

ધુરંધર કોહલીએ T20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૪ હજાર રન ફટકાર્યા

Published : 15 May, 2026 03:36 PM | Modified : 15 May, 2026 03:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિસ ગેઇલના ૪૨૩ ઇનિંગ્સના આ માઇલસ્ટોનને માત્ર ૪૦૯ ઇનિંગ્સમાં પાર કર્યો વિરાટે...

વિરાટ કોહલી

વિરાટ કોહલી


બુધવારે રાયપુરમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૬ વિકેટે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ૧૬ પૉઇન્ટ સાથે ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું હતું. કલકત્તાના ૧૯૨-૪ના સ્કોરની સામે ૧૯.૧ ઓવરમાં બૅન્ગલોરે વિરાટ કોહલીની સેન્ચુરીની મદદથી ૧૯૪-૪નો સ્કોર કરીને જીત નોંધાવી હતી. કલકત્તા સામેનો બૅન્ગલોરની ૧૯૩ રનની આ હાઇએસ્ટ સફળ રન-ચેઝ હતી.

૬૦ બૉલમાં અણનમ ૧૦૫ રન કરીને વિરાટ કોહલી રેકૉર્ડ નવમી IPL સદી સાથે T20 ક્રિકેટમાં ૧૦ સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય બન્યો છે. ૧૦ કે એથી વધુ T20 સદી ફટકારવા મામલે તે ક્રિસ ગેઇલ (૨૨ સદી), બાબર આઝમ (૧૩ સદી) અને ડેવિડ વૉર્નર (૧૦ સદી)ના લિસ્ટમાં સામેલ થયો છે.

T20 ક્રિકેટમાં ૧૪ હજાર રન ફટકારનાર વિરાટ કોહલી વિશ્વનો છઠ્ઠો અને ભારતનો પહેલો બૅટર બન્યો છે. જોકે ૧૪ હજાર રન તેણે સુપર ફાસ્ટ અંદાજમાં ફટકાર્યા છે. તેણે ૪૦૯ ઇનિંગ્સમાં ૧૪,૦૨૭ રન કરીને પોતાના ભૂતપૂર્વ સાથી ક્રિસ ગેઇલ (૪૨૩ ઇનિંગ્સ)નો રેકૉર્ડ તોડ્યો છે.

IPLમાં બૅક-ટુ-બૅક ડક બાદ પહેલી વખત કોઈ બૅટરની સદી 
વિરાટ કોહલી IPLમાં પહેલો બૅટર બન્યો છે જેણે બૅક-ટુ-બૅક ડક એટલે કે સતત બે વખત ઝીરો પર આઉટ થયા બાદ સદી ફટકારી હોય. કલકત્તા સામેની સદી પહેલાં વિરાટ કોહલી લખનઉ અને મુંબઈ સામે ઝીરો પર આઉટ થયો હતો. કલકત્તા સામે પહેલો રન બનાવ્યા બાદ વિરાટ કોહલીએ નાનકડી ઉજવણી પણ કરી હતી. T20 ક્રિકેટમાં અગાઉ પાંચ પ્લેયર્સ સાથે આવી ઘટના બની હતી.

રાયપુરનો હાઇએસ્ટ વ્યક્તિગત T20 સ્કોર 
વિરાટ કોહલીએ કલકત્તા સામે સદી ફટકારી એ પહેલાં છત્તીસગઢના રાયપુરમાં ૩૩ મેન્સ T20 મૅચ રમાઈ હતી. એમાંથી ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસન (૧૦૧ રન)એ ૨૦૧૪માં ચૅમ્પિન્સ લીગ 
T20 દરમ્યાન અહીં એકમાત્ર સદી ફટકારી હતી. વિરાટ કોહલી સીઝનની છેલ્લી હોમ મૅચ દરમ્યાન બૅન્ગલોર ટીમના બીજા હોમગ્રાઉન્ડ પર હાઇએસ્ટ વ્યક્તિગત T20 સ્કોર ફટકારનાર બૅટર બન્યો હતો.

દેવદત્ત પડિક્કલ સાથે બનાવ્યો આ રેકૉર્ડ
બુધવારે વિરાટ કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી કરી હતી. IPLમાં સફળ રન-ચેઝ દરમ્યાન સૌથી વધુ ૧૦ વખત ૫૦ પ્લસની ભાગીદારી કરનાર આ પહેલી જોડી બની છે. ૧૪ સફળ રન-ચેઝ દરમ્યાન બન્નેએ ચાર શતકીય પાર્ટનરશિપની મદદથી ૧૦૩૫ રન કર્યા છે. વિરાટ કોહલીએ સફળ રન-ચેઝ દરમ્યાન ત્રીજી સદી ફટકારીને ટુર્નામેન્ટમાં જૉસ બટલરની બરાબરી કરી છે.

રાયપુરમાં મનીષ પાંડે સાથે વાતચીત કરતાં કિંગ કોહલીએ કહ્યું, અબ ઇન્ડિયા કે લિએ થોડે હી ખેલના હૈ, અબ તો હર શૉટ લગેગા 
વિરાટ કોહલીની જેમ IPLમાં સતત ૧૯મી સીઝન રમી રહેલો બૅટર મનીષ પાંડે બુધવારે શાનદાર ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે કલકત્તાના ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીની ઓવરમાં ટિમ ડેવિડનો શાનદાર કૅચ પકડ્યો હતો. આ કૅચ જોઈને વિરાટ કોહલીનું મોઢું પણ ખુલ્લું રહી ગયું હતું.

અન્ડર-19 ટીમના જૂના સાથી મનીષ પાંડે સાથેની આ મૅચની વિરાટ કોહલીની એક વાતચીત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. મૅચ વચ્ચે વિરાટ કોહલીએ મનીષ પાંડેને કહ્યું કે ‘અબ ઇન્ડિયા કે લિએ થોડે હી ખેલના હૈ, અબ તો હર શૉટ લગેગા.’

કોહલી એવું કહેવા માગતો હતો કે હવે ભારત માટે T20 નથી રમતો કે દરેક બૉલ સંભાળીને રમવો પડે, આ ટુર્નામેન્ટમાં તો બેખોફ બનીને દરેક શૉટ રમીશ.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK