વી.વી.એસ. લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ ભારતે ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ જીતીને જીતના ટ્રેક પર વાપસી કરી. છતાં તેઓ ભારતીય ટીમના ફુલ-ટાઇમ હેડ કોચ કેમ નથી બનતા, તેનું કારણ પણ સામે આવ્યું છે.
વી.વી.એસ. લક્ષ્મણ
સતત બે સિરીઝમાં હાર બાદ શ્રેયસ ઐયર ઍન્ડ કંપનીને વી.વી.એસ. લક્ષ્મણના કોચિંગ હેઠળ જીતના ટ્રૅક પર વાપસી કરવામાં સફળતા મળી હતી. ક્રિકેટજગતમાં ઘણી વખત ભારતીય ફૅન્સ દ્વારા વી.વી.એસ. લક્ષ્મણને ભારતીય ટીમનો હેડ કોચ બનાવવાની અપીલ કરવામાં આવે છે. જોકે લક્ષ્મણ પર્સનલ કારણોથી આ જૉબથી દૂર રહે છે.
વી.વી.એસ. લક્ષ્મણ ૨૦૧૨માં ભારતીય ક્રિકેટર તરીકે રિટાયર થયો હતો. તે ડિસેમ્બર ૨૦૨૧થી બૅન્ગલોર સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ એટલે કે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનો પ્રમુખ છે. ત્યાં તે ભારતના ક્રિકેટરોની સપ્લાય-ચેઇનને મજબૂત કરવા શાનદાર યોગદાન આપી રહ્યો છે.
૫૧ વર્ષનો લક્ષ્મણ પોતાની પત્ની અને દીકરા-દીકરીથી વધારે દૂર રહેવા ઇચ્છતો નથી અને સૌથી વધુ સમય તેમની સાથે પસાર કરવા ઇચ્છે છે. ભારતીય હેડ કોચની જૉબમાં જવાબદારી સંભાળનાર વ્યક્તિએ વર્ષમાં લગભગ ૯ મહિના ટીમ સાથે ટ્રાવેલ કરવું પડતું હોવાથી લક્ષ્મણ ફુલ ટાઇમ માટે આ જૉબ કરતો નથી.
ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ તરીકે ૨૦૨૧માં હૈદરાબાદમાં રહેતા વી.વી.એસ. લક્ષ્મણને નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીનો પ્રમુખ બનાવવા માટે ભારે મુશ્કેલી પડી હતી. તેણે બૅન્ગલોરની સ્કૂલમાં લક્ષ્મણનાં સંતાનોનું ઍડ્મિશન કરાવવામાં અને તેને બૅન્ગલોરમાં શિફ્ટ થવામાં મદદ કરી હતી.
સ્ટૅન્ડ-ઇન કોચ તરીકે લક્ષ્મણે ભારતને આયરલૅન્ડ સામે ૨૦૨૨માં T20 સિરીઝ, ૨૦૨૪ અને હવે ૨૦૨૬માં ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ જીતવામાં મદદ કરી. ૨૦૨૩માં ટીમને એશિયન ગેમ્સમાં મેડલ પણ જિતાડ્યો. જોકે ૨૦૨૨માં તે એશિયા કપ જિતાડી શક્યો નહોતો.
ભારતની ઝિમ્બાબ્વે સિરીઝમાં તેણે ડ્રેસિંગ રૂમમાં ઍટિટ્યુડ અવૉર્ડ શરૂ કર્યો છે. પહેલી બે મૅચમાં તિલક વર્મા અને ઈશાન કિશનને શાનદાર ઊર્જા, પ્રેશરમાં શાંત રહેવાની ક્ષમતા અને સાથી ખેલાડીઓનો ઉત્સાહ વધારવાને કારણે આ અવૉર્ડ મળ્યો હતો.
