Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં સાઉથ આફ્રિકા જીતના આરે

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં સાઉથ આફ્રિકા જીતના આરે

Published : 14 June, 2025 07:41 AM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ‌ૅસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ૨૦૭ રન કરીને ૨૮૨ રનનો ટાર્ગેટ આપ્યો, ત્રીજા દિવસના અંતે સાઉથ આફ્રિકાએ મૅચની અંતિમ ઇનિંગ્સમાં બે વિકેટે ૨૧૩ રન કર્યા.

એઈડન માર્કરમ અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ

એઈડન માર્કરમ અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ


આજે આફ્રિકનોને જીત માટે ૬૯ રન અને કાંગારૂઓને ૮ વિકેટની જરૂર, ત્રીજા દિવસે બૅટર્સનો દબદબો રહ્યો અને માત્ર ચાર વિકેટ પડી.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩-’૨૫ની ફાઇનલ મૅચના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાએ પોતાની જીત ઑલમોસ્ટ પાકી કરી લીધી હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૧૨ રન કરનાર ઑસ્ટ્રેલિયાએ મિચલ સ્ટાર્કની ઐતિહાસિક ફિફ્ટીના આધારે બીજી ઇનિંગ્સમાં ૬૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૨૦૭ રન કર્યા હતા. ૨૮૨ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ કૅપ્ટન ટેમ્બા બવુમા અને એઇડન માર્કરમની શાનદાર પાર્ટનરશિપની મદદથી ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૫૬ ઓવરમાં બે વિકેટે ૨૧૩ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા માત્ર ૧૩૮ રને ઑલઆઉટ થયું હતું. પહેલા દિવસમાં ૧૪-૧૪ વિકેટ પડ્યા બાદ ત્રીજા દિવસે બૅટર્સ પિચ પર ટકી રહેવામાં સફળ રહ્યા હતા, જેના કારણે બન્ને ટીમની માત્ર બે-બે વિકેટ પડી હતી. 
ગઈ કાલે ત્રીજા દિવસની રમતની શરૂઆત ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સના ૪૧મી ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રનના સ્કોરથી કરી હતી. પાંચ ફોર ફટકારીને ૧૩૬ બૉલમાં ૫૮ રનની અણનમ ઇનિંગ્સ રમનાર પૂંછડિયા બૅટર મિચલ સ્ટાર્કે ઑસ્ટ્રેલિયાને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તેણે નૅથન લાયન (૧૩ બૉલમાં બે રન) સાથે નવમી વિકેટ માટે ૨૮ બૉલમાં ૧૪ રનની ભાગીદારી કર્યા બાદ સાથી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (૫૩ બૉલમાં ૧૭ રન) સાથે દશમી વિકેટ માટે ૧૩૫ બૉલમાં ૫૯ રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી.
ઑસ્ટ્રેલિયાની દશમી વિકેટની પાર્ટનરશિપ સ્પિનર એઇડન માર્કરમે (પાંચ રનમાં એક વિકેટ)  પોતાની સ્પેલની બીજી જ ઓવરમાં તોડી હતી. તેના સિવાય બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર માર્કો યાન્સેન (૫૮ રનમાં એક વિકેટ) અને વિઆન મલ્ડર (૧૮ રનમાં એક વિકેટ)ને પણ એક-એક સફળતા મળી હતી. સાઉથ આફ્રિકા માટે ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (૫૯ રનમાં ૪ વિકેટ) અને લુંગી એન્ગિડી (૩૮ રનમાં ત્રણ વિકેટ)ને સૌથી વધુ વિકેટ મળી હતી.

૨૮૨ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી સાઉથ આફ્રિકાની ટીમે ઓપનર રિયાન રિકલ્ટન (૮ બૉલમાં ૬ રન)ની પહેલી વિકેટ માત્ર નવ રનના સ્કોર પર ગુમાવી હતી. અન્ય ઓપનર એઇડન માર્કરમ (૧૫૯ બૉલમાં ૧૦૨ રન અણનમ)એ બીજી વિકેટ માટે વિઆન મલ્ડર (૫૦ બૉલમાં ૨૭ રન) સાથે ૯૩ બૉલમાં ૬૧ રનની પાર્ટનરશિપ કરીને પરિસ્થિતિ સંભાળી હતી. અગિયાર ફોર ફટકારનાર માર્કરમે કૅપ્ટન ટેમ્બા બવુમા (૧૨૧ બૉલમાં ૬૫ રન અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે ૨૩૨ બૉલમાં ૧૪૩ રનની ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયન બોલિંગ યુનિટની હવા કાઢી નાખી હતી. કાંગારૂ ટીમના છ બોલિંગ વિકલ્પમાંથી માત્ર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૫૩ બૉલમાં બે વિકેટ)ને જ ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં સફળતા મળી હતી. કૅપ્ટન બવુમાએ પગના સ્નાયુઓમાં દુખાવો થતો હોવા છતાં પાંચ ફોર ફટકારીને શાનદાર ઇનિંગ્સ રમતાં સાઉથ આફ્રિકાને ૧૯૯૮ બાદ પહેલી વાર ICC ટ્રોફી જીતવાની નજીક પહોંચાડી દીધું છે.

૫૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો કાંગારૂઓની પૂંછડિયા બૅટર્સની જોડીએ 
ICCની ફાઇનલ મૅચમાં દસમી વિકેટ માટે ૫૦ પ્લસ રનની પાર્ટનરશિપ કરનાર મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ પહેલી જોડી બની ગયા છે. તેમણે પોતાના જ દેશના ભૂતપૂર્વ પ્લેયર્સનો ૫૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. વર્ષ ૧૯૭૫માં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના ડેનિસ લિલી અને જેફ થૉમસનનો દસમી વિકેટની હાઇએસ્ટ ૪૧ રનની પાર્ટનરશિપનો રેકૉર્ડ તોડ્યો હતો. 
મિચલ સ્ટાર્ક ICC ફાઇનલમાં નવ કે એથી નીચેના ક્રમે ફિફ્ટી ફટકારનારો પહેલો બૅટર બન્યો હતો. WTC ફાઇનલના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પૂંછડિયો બૅટર એક ઇનિંગ્સનો ટૉપ રન સ્કોરર બન્યો હતો.

ICC ફાઈનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો સાઉથ આફ્રિકન બન્યો એઈડન માર્કરમ. ૨૩૨  બૉલમાં ૧૪૩ રનની ભાગીદારી કરી ટેમ્બા બવુમા અને એઇડન માર્કરમે.

સ્ટીવ સ્મિથની નાની જમણી આંગળીમાં મોટી ઇન્જરી થઈ 
ત્રીજા દિવસની રમતના બીજા સેશનમાં ઑસ્ટ્રેલિયાના સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથે ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની ઓવરમાં ફર્સ્ટ ​સ્લિપમાં સાઉથ આફ્રિકન કૅપ્ટન ટેમ્બા બવુમાનો કૅચ છોડી દીધો હતો, પણ આ દરમ્યાન તેની જમણા હાથની નાની આંગળીમાં ગંભીર ઇન્જરી થઈ હતી. દરદથી પીડાતા સ્મિથને એક્સ-રે અને વધુ સારવાર માટે ટીમના મેડિકલ સ્ટાફ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે તેની આંગળીમાં કમ્પાઉન્ડ ડિસ્લોકેશન એટલે કે ફ્રૅક્ચર થયું છે. તેના સ્થાને સૅમ કૉન્સ્ટૅસને સબ્સ્ટિટ્યૂટ પ્લેયર તરીકે મેદાનમાં ફીલ્ડિંગ માટે ઉતારવો પડ્યો હતો.

ત્રણેય ફૉર્મેટની ICC ફાઇનલની યજમાની કરનાર લૉર્ડ્‌સ પહેલું સ્ટેડિયમ બન્યું
WTC ફાઇનલ ૨૦૨૫ના યજમાન અને હોમ ઑફ ક્રિકેટ તરીકે જાણીતા લંડનના લૉર્ડ્‌સ ક્રિકેટ ગ્રાઉન્ડના નામે એક ઇતિહાસ રચાયો છે. આ સ્ટેડિયમ ક્રિકેટની ત્રણેય ફૉર્મેટની ICC ટુર્નામેન્ટની ફાઇનલની યજમાની કરનાર પહેલું સ્ટેડિયમ બન્યું છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩, ૧૯૯૯ અને ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમાઈ હતી. વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ પણ અહીં જ યોજાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2025 07:41 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK