એ ટીમના ઈશાન કિશન સહિત છ પ્લેયર્સ ભારતીય સિનિયર ટીમ માટે પણ રમી ચૂક્યા છે, પરંતુ અવગણનાના કારણે તેને વધુ તક નહોતી મળી
હૈદરાબાદના ડ્રેસિંગ રૂમમાં ઝીશાન અન્સારીને અવૉર્ડ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
રવિવારે બપોરે દિલ્હી કૅપિટલ્સ સામે હારનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે આશ્વાસનરૂપ એકમાત્ર પચીસ વર્ષના સ્પિનર ઝીશાન અન્સારી (૪૨ રનમાં ત્રણ વિકેટ)ને સફળતા મળી હતી. તે ૨૦૧૬ની અન્ડર-19 વર્લ્ડ કપ રનર-અપ ભારતીય ટીમનો ૧૬ વર્ષનો સૌથી યંગેસ્ટ પ્લેયર હતો. તેની ટીમના સાથી પ્લેયર રિષભ પંત, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, સરફરાઝ ખાન, આવેશ ખાન અને ખલીલ અહમદ ભારતની સિનિયર ટીમ માટે રમી ચૂક્યા છે, પણ ઝીશાન ઓછી તક મળવાને કારણે મોટી ટુર્નામેન્ટ સુધી પહોંચી શક્યો નહોતો.
ઉત્તર પ્રદેશના લખનઉના દરજી પરિવારના આ દીકરાએ લેગ-સ્પિનર તરીકે ઉત્તર પ્રદેશ માટે ફક્ત પાંચ રણજી ટ્રોફી મૅચ અને એક સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મૅચ રમી છે. યુપી T20 લીગમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો અને એથી જ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને IPL માટે પસંદ કર્યો. વર્ષોથી અવગણનાનો ભોગ બનેલા ઝીશાને પોતાની પહેલી જ IPL મૅચમાં ફાફ ડુ પ્લેસી, જેક ફ્રેસર-મૅકગર્ક અને કે. એલ. રાહુલ જેવા સ્ટાર પ્લેયર્સને આઉટ કરીને પોતાની ઊંડી છાપ છોડી છે.

