૧૯ વન-ડે સિરીઝમાંથી બંગલાદેશ ૧૨ અને ઝિમ્બાબ્વે ૭માં વિજેતા રહ્યું છે
બંગલાદેશી કૅપ્ટન મેહદી હસન મિરાજ, ઝિમ્બાબ્વેનો કૅપ્ટન રિચર્ડ નગારવા
બંગલાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં પોતાની સૌથી મોટી ટેસ્ટ-જીત નોંધાવનાર ઝિમ્બાબ્વે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. હરારેમાં આયોજિત આ સિરીઝની તમામ મૅચ ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૪૫ વાગ્યાથી શરૂ થશે.
સિંકદર રઝાની ગેરહાજરીમાં ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન્સી કરનાર ફાસ્ટ બોલર રિચર્ડ નગારવા વન-ડે સિરીઝમાં પણ પહેલી વખત આ ભૂમિકા ભજવશે. છેલ્લે ઑગસ્ટ ૨૦૨૫માં વન-ડે રમનાર ઝિમ્બાબ્વેની ટીમનો અગાઉ કૅપ્ટન શૉન વિલિયમ્સ હતો જેણે ડ્રગની લતને કારણે રીહૅબ માટે જવું પડ્યું અને ક્રિકેટ છોડવું પડ્યું.
ADVERTISEMENT
ઝિમ્બાબ્વે અને બંગલાદેશ વચ્ચે ૧૯૯૭થી ૨૦૨૨ વચ્ચે ૮૧ વન-ડે મૅચ રમાઈ હતી. બંગલાદેશ ૫૧ મૅચમાં અને ઝિમ્બાબ્વે ૩૦ મૅચમાં વિજેતા બન્યું હતું. બન્ને વચ્ચે રમાયેલી ૧૯ વન-ડે સિરીઝમાંથી ઝિમ્બાબ્વે ૭ અને બંગલાદેશ ૧૨ સિરીઝ જીત્યું છે.
હરારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝિમ્બાબ્વેએ ૨૦૨૫ સુધી ૧૬૭ વન-ડે મૅચ રમી છે. એમાંથી ૫૪ મૅચમાં જીત અને ૧૦૮ મૅચમાં હાર મળી છે. એક મૅચ ટાઈ અને ૪ મૅચ નો-રિઝલ્ટ રહી છે. મહેમાન ટીમ બંગલાદેશ અહીં ૨૩ વન-ડે મૅચ રમ્યું છે એમાંથી ૧૦ મૅચમાં જીત અને ૧૩ મૅચમાં હાર મળી હતી.
