નેધરલૅન્ડ્સ સામે મળી હાર, આજે ઑસ્ટ્રેલિયા સામે ટક્કર
વિમેન્સ હૉકી વર્લ્ડ કપ 2026માં ભારતનો પ્રથમ પરાજય
શુક્રવારે નેધરલૅન્ડ્સના ઍમસ્ટલ્વીન શહેરના વેજનર હૉકી સ્ટેડિયમ ખાતે વિમેન્સ હૉકી વર્લ્ડ કપ 2026ની બીજા રાઉન્ડની પહેલી મૅચમાં ભારતને હાર મળી હતી. ભારતીય હૉકી ટીમનો આ વર્લ્ડ કપમાં આ પહેલો પરાજય હતો. વર્લ્ડ નંબર નાઇન ટીમ ભારતને યજમાન અને વિશ્વની નંબર વન રૅન્કિંગ ટીમ નેધરલૅન્ડ્સ સામે ૦-૨થી કારમી હાર મળી હતી. આ જીત સાથે નેધરલૅન્ડ્સે સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય સમય અનુસારે આજે રાતે ૧૦.૩૦ વાગ્યે ભારતની બીજા રાઉન્ડની અંતિમ મૅચ ઑસ્ટ્રેલિયા સામે છે. વર્લ્ડ નંબર એઇટ ટીમ ઑસ્ટ્રેલિયા પણ પોતાની પહેલી મૅચ ચીન સામે હારી છે. ભારત આશા રાખશે કે નેધરલૅન્ડ્સ કાં તો ચીન સામે જીતે અથવા બન્નેની મૅચ ડ્રૉ રહે. આ કિસ્સામાં ઑસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમી-ફાઇનલમાં સરળતાથી પ્રવેશ કરી શકશે.
