૧૭ વર્ષની ખાઝીમાએ અમેરિકામાં કૅરમ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને પોતાની નિપુણતા સાબિત કરી
૧૭ વર્ષની દીકરી એમ. બી. ખાઝીમાએ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
હાલમાં અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં છઠ્ઠા કૅરમ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેન્નઈના એક રિક્ષા-ડ્રાઇવર મહબૂબ બાશાની ૧૭ વર્ષની દીકરી એમ. બી. ખાઝીમાએ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. જગતના શ્રેષ્ઠ પ્લેયર્સ વચ્ચે તેણે મહિલા સિંગલ્સ, મહિલા ડબલ્સ અને મહિલા ટીમ ઇવેન્ટ્સ જીતીને પોતાની નિપુણતા સાબિત કરી છે.
૧૭ વર્ષની ઉંમરે તે સૌથી નાની ઉંમરની ભારતીય વિશ્વ કૅરમ ચૅમ્પિયન બની છે. મોટા ભાઈ અને એક સમયના કૅરમના જુનિયર નૅશનલ ચૅમ્પિયન અબ્દુલ રહમાનથી પ્રેરિત થઈને તેણે છ વર્ષની ઉંમરથી આ રમત રમવાની શરૂઆત કરી હતી. તેની સફળતાની આ જર્નીમાં તેના પપ્પા તેના કોચ, માર્ગદર્શક અને સૌથી મોટા સમર્થક રહ્યા હતા. તેના રિક્ષા-ડ્રાઇવર પપ્પા મહબૂબ બાશાએ અનેક નોકરીઓ કરી અને નાણાકીય મદદ માગીને દીકરીની ટ્રેઇનિંગ માટે જરૂરી બધું જ મળી રહે એની ખાતરી કરી હતી. કૅરમ કોચિંગ સેન્ટરમાં દરરોજ ૧૨ કલાક ટ્રેઇનિંગ લેનાર ખાઝીમાએ અથાક, દૃઢ નિશ્ચય અને કુશળતાથી નાની ઉંમરે આ મોટી સિદ્ધિ મેળવી છે.

