IOA મારો પરિવાર છે અને જો મને કોઈ વાત પર ગુસ્સો આવે છે તો મને એ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
મૅરી કૉમ
ભારતીય ઑલિમ્પિક અસોસિએશન ઍથ્લીટ્સ કમિશન (IOA)નાં અધ્યક્ષ અને ભૂતપૂર્વ સ્ટાર બૉક્સર મૅરી કૉમે મોટી સ્પષ્ટતા કરી છે. તેણે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ૨૦૧૨ની લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ વિજેતા મણિપુરની આ ૪૨ વર્ષની બૉક્સરે ગયા અઠવાડિયે રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહ દરમ્યાન ઉત્તરાખંડના હલ્દવાનીમાં ખરાબ હોટેલમાં ઉતારો અપાયા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
મૅરી કૉમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મેં રાજીનામું આપ્યું નથી. હું મારો કાર્યકાળ (૨૦૨૬ના અંત સુધી) પૂર્ણ કરીશ. હું મારા સાથી સભ્યોને (પ્લેયર્સ કમિશનમાં) કહી રહી હતી કે જો આવું ફરીથી થશે તો હું રાજીનામું આપી શકું છું. મેં ક્યારેય કહ્યું નથી કે હું રાજીનામું આપી રહી છું. IOA મારો પરિવાર છે અને જો મને કોઈ વાત પર ગુસ્સો આવે છે તો મને એ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે.’
ADVERTISEMENT
મૅરી કૉમ ૨૦૨૨ની પૅનલમાં ચૂંટાઈ આવી હતી.

