બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા નીરજ ચોપડા દિલ્હી ઍરપોર્ટ પર વ્હીલચૅર પર જોવા મળ્યા હતા. તાલીમ દરમ્યાન પગની ઘૂંટીના લિગામેન્ટમાં ઇન્જરી થતાં તે એશિયન ગેમ્સ અને ડાયમન્ડ લીગ ફાઇનલમાં નહીં રમે.
દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળ્યો વ્હીલચૅરમાં નીરજ ચોપડા
બે વખતનો ઑલિમ્પિક્સ મેડલ વિજેતા જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા હાલમાં દિલ્હી ઍરપોર્ટ પર વ્હીલચૅરનો ઉપયોગ કરતા જોવા મળ્યો હતો. ઍરપોર્ટની બહાર પોતાની તરફ કૅમેરો જોઈને નીરજ ચોપડા એક સમયે મોઢું છુપાડતો પણ જોવા મળ્યો હતો. તેના જમણા પગની ઘૂંટીના ભાગમાં પ્લાસ્ટર પણ જોવા મળ્યું હતું.
અહેવાલ અનુસાર તે સ્વિટ્ઝરલૅન્ડથી દિલ્હી આવ્યો છે. તે તાલીમ માટે મોટા ભાગનો સમય સ્વિટ્ઝરલૅન્ડમાં વિતાવતો હોય છે. વિડિયોમાં પછીથી તેના કેટલાક સાથી સભ્યો પણ તેની સાથે ટૅક્સીની રાહ જોતા જોવા મળ્યા હતા.
શનિવારે નીરજ ચોપડાએ જાહેરાત કરી હતી કે તાલીમ દરમ્યાન પગની ઘૂંટીના લિગામેન્ટમાં થયેલી ઇન્જરીને કારણે તે એશિયન ગેમ્સ અને ડાયમન્ડ લીગ ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. તેણે આ નિર્ણય તેના ડૉક્ટર અને ટીમ સાથે સલાહ લીધા પછી લીધો છે.
ઇન્જરીઓ સાથે નીરજ ચોપડા વર્ષોથી ઝઝૂમી રહ્યો છે
ADVERTISEMENT
અગાઉ નીરજ ચોપડાને ૨૦૧૭માં પગના સાથળના સ્નાયુ ખેંચાઈ જવાથી છ મહિના રમતથી દૂર રહેવું પડ્યું હતું. ૨૦૧૯માં જમણા હાથની કોણીની ઇન્જરીને કારણે તે વર્લ્ડ અૅથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં રમી શક્યો નહોતો. ૨૦૨૩માં ફરી પગના સાથળના સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યા થઈ. ૨૦૨૪ની ડાયમન્ડ લીગ ફાઇનલ્સમાં ડાબા હાથમાં ફ્રૅક્ચર હોવા છતાં રમીને તે બીજા સ્થાને રહ્યો. ૨૦૨૫માં લોઅર બૅક ઇન્જરીને કારણે તે ૧૦ મહિના રમતથી દૂર રહ્યો હતો.
