સ્ટેફાનનું સત્તાવાર રીતે આ પહેલું જ ટેનિસ-ટાઇટલ હતું એટલે રોમ શહેરમાં જૉકોવિચના રોમેરોમમાં ખુશી છલકાતી હતી
સ્ટેફાન
રવિવારે સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ રોમમાં ઇટાલિયન ઓપનનું છઠ્ઠું ટાઇટલ જીત્યો એ જ દિવસે સર્બિયામાં તેનો સાત વર્ષનો પુત્ર સ્ટેફાન એક સ્થાનિક ટુર્નામેન્ટ જીત્યો હતો. સ્ટેફાનનું સત્તાવાર રીતે આ પહેલું જ ટેનિસ-ટાઇટલ હતું એટલે રોમ શહેરમાં જૉકોવિચના રોમેરોમમાં ખુશી છલકાતી હતી. તેણે પત્રકારોને કહ્યુંલ કે ‘હું અહીં ઇટાલિયન ઓપનનું પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યો, પરંતુ મને એની સાથે મારા પુત્રની ટુર્નામેન્ટ વિશે પણ જાણવાની ઉત્કંઠા હતી. મને સમાચાર મળ્યા છે કે તે પોતાની પહેલી ટુર્નામેન્ટની ટ્રોફી જીત્યો છે. આજે મારા માટે આ ડબલ સનશાઇન છે. છેલ્લા થોડા દિવસ દરમ્યાન અમે ફોન પર ઘણી વાતો કરી. દરેક મૅચ પહેલાં શું કરવું એ મેં તેને સમજાવ્યું હતું. તે બહુ સારું ટેનિસ રમે છે અને એ રમવાનું તેને ખૂબ ગમે છે. કોઈ પણ ખેલાડી માટે પહેલી ટુર્નામેન્ટ-ટ્રોફી યાદગાર બની જાય છે. સ્ટેફાનને પણ આ ક્ષણ હંમેશાં યાદ રહેશે.’
જૉકોવિચે રવિવારે ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સીપાસને ૬-૦, ૭-૫થી હરાવ્યો હતો. જૉકોવિચની આ કરીઅરનો ૧૦૦૧મો સિંગલ્સ-વિજય હતો. તેણે નંબર-વનની રૅન્ક પર ૩૭૦ અઠવાડિયાં પૂરાં કર્યાં છે, જ્યારે રાફેલ નડાલ પાંચમી રૅન્ક પર ધકેલાઈ ગયો છે.
ADVERTISEMENT
4
આટલાં વર્ષ પહેલાં જૉકોવિચે એક ટુર્નામેન્ટમાં પુત્ર સ્ટેફાનને નડાલ બતાવ્યો હતો. સ્ટેફાને નડાલને જોવા ઉત્સુકતા બતાવી ત્યારે જૉકોવિચે તરત તેને કહ્યું, ‘જો, પેલો નડાલ છે.’

