ઇમિગ્રેશન મિનિસ્ટરની ચેતવણી
નોવાક જૉકોવિચ
૨૦૨૨માં ટેનિસની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા જાન્યુઆરીમાં મેલબર્નમાં રમાશે અને એમાં એવા જ ખેલાડીઓને રમવા મળશે જેમણે કોવિડ-વિરોધી વૅક્સિનના બન્ને ડોઝ લીધા હશે. ફુલ્લી વૅક્સિનેશન વિનાના કોઈ પણ વિદેશી ખેલાડીને ઑસ્ટ્રેલિયા આવવાના વિઝા નહીં મળે એવો નિયમ ઑસ્ટ્રેલિયાના ટેનિસ ફેડરેશને મંગળવારે જાહેર કર્યો એને પગલે સર્બિયાના વર્લ્ડ નંબર વન ખેલાડી નોવાક જૉકોવિચે મીડિયામાં આપેલાં નિવેદનોથી વિવાદ વધી ગયો છે.
‘નિયમ જૉકોવિચને પણ લાગુ પડે’
ADVERTISEMENT
વૅક્સિન લેવી કે નહીં એ દરેક વ્યક્તિનો અંગત નિર્ણય કહેવાય અને પોતે રસી લીધી છે કે નહીં એ જાહેર પણ નહીં કરે એવું જૉકોવિચે કહ્યું એના પ્રત્યાઘાતમાં ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉકે ગઈ કાલે કહ્યું હતું કે ‘જૉકોવિચે વૅક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ તેને ઑસ્ટ્રેલિયામાં આવવા મળશે. આ કડક નિયમ માત્ર ટેનિસ ખેલાડીઓ માટે નથી. દુનિયાભરના દેશોમાં આ નિયમ છે. મારો કહેવાનો અર્થ એ છે કે ઑસ્ટ્રેલિયામાં આવનાર દરેક વિઝિટર માટે ડબલ વૅક્સિનેશનનો નિયમ લાગુ કરાયો છે. એટલે મારે જૉકોવિચને અલગથી કહેવાની જરૂર નથી કે તેણે બન્ને વૅક્સિન લઈને જ આવવું પડશે.’
ઑસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે ત્યાં સુધી કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિ વર્લ્ડ નંબર વન ખેલાડી હોય કે કોઈ દેશનો સામાન્ય નાગરિક હોય, અમે કાયદો ઑસ્ટ્રેલિયાના નાગરિકોની સુરક્ષા માટે બનાવ્યો છે.’

