આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે ગઈ કાલે ત્રીજી ડિસેમ્બરે દાદરમાં થયું અનોખું આયોજન
નગર ડાયરી
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી (તસવીરો : હિના પટેલ)
વિશ્વમાં ત્રીજી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એટલે કે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મંગળવારે દાદરમાં પાર્કિન્સનથી પીડાતા દરદીઓ માટે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પાર્કિન્સન્સ ડિસીઝ ઍન્ડ મૂવમેન્ટ ડિસઑર્ડર સોસાયટી (PDMDS) દ્વારા કરવામાં આવ્યું હતું. અનેક મુશ્કેલીનો સામનો કરીને પાર્કિન્સનની બીમારી સાથે જીવતા દરદીઓની હિંમતને બિરદાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પાર્કિન્સનના દરદીઓ માટે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન ફક્ત તેમને ગેમ્સ રમાડવા પૂરતું સીમિત નહોતું. આનો ખરો ઉદ્દેશ પાર્કિન્સનના દરદીઓનું મનોબળ મજબૂત કરવાનો તેમ જ તેમને એ વાતનો અહેસાસ અપાવવાનો હતો કે પાર્કિન્સન્સ ડિસીઝને કારણે તેમણે જીવનને માણવાનું ન છોડવું જોઈએ. આ ઇવેન્ટના માધ્યમથી પાર્કિન્સનના દરદીઓને એકબીજાને મળવાનો અને સાથે મળીને ખુશીઓમાં સહભાગી થવાનો અવસર મળ્યો હતો.
સામાન્ય રીતે પાર્કિન્સન્સ ડિસીઝને કારણે આવતી વિવિધ શારીરિક સમસ્યાઓને લીધે વ્યક્તિનું હરવા-ફરવાનું અને સામાજિક જીવન સીમિત થઈ જાય છે. આવી ઇવેન્ટ યોજીને તેમને એ અહેસાસ અપાવવામાં આવે છે કે તેઓ આ સમસ્યા સામે લડવામાં એકલા નથી; પાર્કિન્સન્સ ડિસીઝને કારણે તમારી ગતિ ધીમી થઈ શકે છે, પણ એ તમને આગળ વધતાં રોકી ન શકે.
સ્પોર્ટ્સ કાર્નિવલમાં મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો જ હતા, જેઓ પાર્કિન્સન્સ ડિસીઝનો શિકાર હતા. કોઈ વ્હીલચૅર પર હતું તો કોઈ વૉકરની મદદથી ચાલતું હતું, કોઈને બોલવામાં સમસ્યા હતી તો કોઈને હાથ-પગમાં ધ્રૂજારી થતી હતી છતાં તેમનો જુસ્સો જોવાલાયક હતો. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી પાર્કિન્સનના દરદીઓ તેમના કૅર-ગિવર્સ સાથે આવ્યા હતા.
સ્પોર્ટ્સ કાર્નિવલમાં વરિષ્ઠ નાગરિકોને રમીને આનંદ થાય અને થોડી ઘણી ફિઝિકલ ઍક્ટિવિટી પણ થાય એવી વિવિધ ફન-ગેમ્સ તેમને રમાડવામાં આવી હતી. એની સાથે થોડી સ્ટ્રેચિંગ અને બ્રીધિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી. છેલ્લે માર્ચ પાસ કાઢવામાં આવી હતી જેમાં યુનિટી દેખાડતા પાર્કિન્સનના દરદીઓ, તેમના કૅર-ગિવર્સ તેમ જ PDMDSના વૉલન્ટિયર્સ જોડાયા હતા.