યજમાન ચીને ૪-૧થી જીત મેળવીને ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કર્યું
મુમતાઝ ખાને ચીનના ડિફેન્સને તોડીને ભારત માટે એકમાત્ર ગોલ કર્યો હતો
ચીનમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયા કપ 2025માં ભારતીય ટીમને પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો છે. અજેય યજમાન ટીમ ચીને ગઈ કાલે સુપર-ફોર રાઉન્ડની મૅચ દરમ્યાન ભારત સામે ૪-૧થી જીત મેળવી હતી. આજે એક દિવસના વિરામ બાદ આવતી કાલે સુપર-ફોર રાઉન્ડની અંતિમ મૅચ રમાશે. ફાઇનલ માટેના ટૉપ-ટૂ સ્થાનમાં ચીન (૬ પા૨ઇન્ટ) અને ભારત (ત્રણ પૉન્ટ) મજબૂત સ્થિતિમાં છે. સાઉથ કોરિયા અને જપાન એક હાર અને ડ્રૉ સાથે માત્ર એક પૉઇન્ટ મેળવીને અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે છે.
ચીન સામે ભારત તરફથી મુમતાઝ ખાને એકમાત્ર ગૉલ કર્યો હતો. બુધવારે સાઉથ કોરિયા સામે ૪-૨થી જીત મેળવી ભારતે સુપર-ફોર રાઉન્ડની ધમાકેદાર શરૂઆત કરી હતી. ૧૩ સપ્ટેમ્બરે ભારતની અંતિમ સુપર-ફોર મૅચ જપાન સામે છે. ૧૪ સપ્ટેમ્બરે સુપર-ફોરની ટૉપ-ટૂ ટીમ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.

