
તા. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ સાંજે મુ. ભવન્સના ઉપક્રમે ગીતા મંદિરના હૉલમાં આદરણીય વર્ષાબહેન અડાલજાના ચાહકો અને સાહિત્યરસિકોની મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. અવસર જ એવો હતો કે વર્ષાબહેન પોતે પોતાની નવલકથાઓની સર્જનયાત્રામાં વિચારથી વિમોચન સુધીની વાત કરવાનાં હતાં. ભાઈશ્રી નિરંજન મહેતાએ સહુને આવકારી કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા બાંધી અને વધુ સમય ન લેતાં ડૉ. પ્રીતિબહેન જરીવાલાને મંચ પર એકોકિત ભજવવા આમંત્રણ આપ્યું.
મૂળે કલાકાર, વ્યવસાયે ડૉક્ટર અને લેખિની સંસ્થા-મુંબઈનાં અધ્યક્ષ ડૉ. પ્રીતિબહેન જરીવાલાએ વર્ષાબહેનની નવલકથા 'રેતપંખી'ની નાયિકા સુનંદાની એકોકિત ભજવી, થોડી મિનિટો માટે સુનંદાને મંચ પર હૂબહૂ જીવંત કરી બતાવી. સર્જકની પ્રત્યક્ષ જ એમનાં એક પાત્રને ભજવી બતાવવું એ એક પડકાર ઉપરાંત અણમોલ ઘડી કહેવાય.
પ્રીતિબહેન સાંગોપાંગ પાર ઊતર્યાં. પ્રીતિબહેને કહ્યું, છ દાયકાની સુદીર્ઘ, સફળ સર્જનયાત્રામાં આદરણીય વર્ષાબહેને નાટકો, પ્રવાસ સંપાદન, નવલિકાસંગ્રહો, નવલકથાઓનાં પુસ્તકો અને આત્મકથાનું એક પુસ્તક પણ આપ્યું છે. હજી પણ તેમની કલમ અવિરત ચાલ્યા કરે છે. અત્યારે તેમનાં ત્રણ પુસ્તકો - બાણ શય્યા અને બે વાર્તાસંગ્રહ પ્રેસમાં છે. તેઓ લેખિકા તો છે જ પણ એક સફળ અભિનેત્રી પણ રહ્યાં છે. તેઓની સફળતા આછળ તેમની સર્જન પ્રત્યેની સમર્પિત ભાવના રહી છે. કથાબીજનાં પાત્રની વ્યથા કથા, સંવેદના સમજવા તેઓ જાતે એની સાથે રહ્યાં છે. અઢળક સંશોધન કર્યું છે. એક ૠજુ હ્રદય જ એ સંવેદનાને આત્મસાત કરી કોરા કાગળને વાચા આપી શકે છે. ઘરથી દૂર રહીને વાર્તાસર્જન દ્વારા સમાજિક પ્રશ્નોનો ઉકેલ લાવી સમાજની સેવા કરી છે. આમ, સમાજ અને ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા કરી છે. એમણે સામાજિક તેમ જ રહસ્યકથાઓ પણ લખી છે, જેના પરથી ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકો પણ ભજવાયા છે. લેખિકા તરીકે તેમણે અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું કામ કર્યું છે.
નવલકથાના વિચારથી વિમોચન સુધીનો વાર્તાલાપ શરૂ કરતાં વર્ષાબહેને કહ્યું, મને બહુવાર એક સવાલ પુછાયો છે કે તમને વિચાર કે કથાબીજ ક્યાંથી મળે છે? તેઓ કહે છે, કથાબીજ કે વિચાર તો આપણી આજુબાજુમાંથી મળી જતાં હોય છે, એને પામવું પડે. 'રેતપંખી' નવલકથાનું ઉદાહરણ આપી કહ્યું કે તેમણે નાનપણમાં એક પ્રૌઢ પુરુષ અને તેની પાછળ ચાલી આવતી યુવાન સ્ત્રીને તેમનાં ઘર પાસેથી પસાર થતાં જોયેલાં. બસ આ દૃશ્ય તેમનાં મનમાં અંકિત થઈ ગયું ને જ્યારે વર્ષો પછી નવલકથા લખવાની આવી ત્યારે તેમણે આ બે પાત્રોની આસપાસ કથાને વિસ્તારી. આવું કોઈ બીજ અંદર અંદર ધરબાયેલું પડ્યું હોય અને ક્યારે અંકુરિત થાય તે કહેવાય નહીં. કથાબીજને ખાતર-પાણી કેવું આપવું તે સર્જક ઉપર છે. સાધારણ વસ્તુને વિશેષરૂપે રજૂ કરવી એ કાબેલ સર્જકનું કામ છે. તેઓ કહે છે સાહિત્યએ મારા જીવનનું ઘડતર કર્યું અને નવલકથાઓએ મને અઢળક આપ્યું, એ ઈશ્વરના આશીર્વાદ છે. વર્ષાબહેને સતત એક કલાકથી વધુ સમય સુધી ઊભાં રહીને વગર થાક્યે વક્તવ્ય આપ્યું. ભાવકો એમની અનુભવવર્ષામાં તરબતર થઈને આનંદની લાગણી સાથે છૂટાં પડ્યાં.
(અહેવાલ સાભાર લેખિકા શ્રીમતી જ્યોતિ હિરાણી અને મીનાક્ષી વખારિયા)