બીજા કોઈએ નહીં, SEBIએ આપી ચેતવણી:૧૦ રૂપિયા જેવી નાની રકમ પણ ઑનલાઇન ગોલ્ડમાં રોકવાનો વિકલ્પ આપતાં પૉપ્યુલર પ્લૅટફૉર્મ્સ અને મોબાઇલ ઍપ્લિકેશન્સમાં ન પડવાની સલાહ, છેતરપિંડી કે નુકસાન થયું તો કોઈ કાયદાકીય સહારો ન હોવાની વૉર્નિંગ પણ આપી સાથે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ ગોલ્ડની લોકપ્રિયતા વધી છે ત્યારે સ્ટૉક માર્કેટનું નિયમન કરતા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ગઈ કાલે રોકાણકારોને ચેતવણી આપતું એક નૉટિફિકેશન બહાર પાડ્યું હતું.
SEBIએ જણાવ્યું હતું કે ‘ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ જેવી પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોખમી છે. ઘણાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે આ વિકલ્પ આપી રહ્યા છે અને ઈ-ગોલ્ડને ફિઝિકલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટેનાં ઑનલાઇન ઑપ્શન દર્શાવી રહ્યાં છે. જોકે ડિજિટલ ગોલ્ડના નામે વેચાતી આવી પ્રોડ્ક્ટ્સ સિક્યૉરિટીઝ નથી ગણાતી અને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ પણ નથી ગણાતી. આ કારણે આવા અનરેગ્યુલેટેડ ડિજિટલ ગોલ્ડની પ્રોડક્ટ્સ પર સિક્યૉરિટીઝ માર્કેટની કોઈ પણ ઇન્વેસ્ટર સિક્યૉરિટી સિસ્ટમ લાગુ પડશે નહીં. આ પ્રોડક્ટ્સ SEBIના રેગ્યુલેશન એરિયાની બહાર છે એટલે છેતરપિંડી અથવા નુકસાનના કિસ્સામાં રોકાણકારને એની સામે કોઈ કાનૂની સહારો મળશે નહીં.’
ADVERTISEMENT
SEBIએ જણાવ્યું હતું કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) મ્યુચ્યુઅલ ફન્ડ અથવા અન્ય રેગ્યુલેટેડ ગોલ્ડ પ્રોડક્ટ્સ SEBI-રજિસ્ટર્ડ મિડિયેટરથી મળી શકે છે, આ પ્રોડક્ટ્સમાં રોકાણ સુરક્ષિત છે. ૨૦૧૭માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ગોલ્ડ ETF યોજના શરૂ કરી હતી જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
શું છે ડિજિટલ ગોલ્ડ?
ઘણી કંપનીઓ હવે મોબાઇલ-ફર્સ્ટ ડિજિટલ ગોલ્ડ ઑફર કરી રહી છે જેના દ્વારા લોકો તેમના સ્માર્ટફોનથી ગોલ્ડ ખરીદી શકે છે અને એમાં રોકાણ કરી શકે છે. ડિજિટલ ગોલ્ડ એ સાદી ભાષામાં સોનું ખરીદવાનું ઑનલાઇન ઑપ્શન છે જે કંપનીઓના દાવા પ્રમાણે સિક્યૉર હોય છે. ડિજિટલ ગોલ્ડની સામે એટલું જ ફિઝિકલ ગોલ્ડ ખરીદીને એનો સંગ્રહ કરેલો હોય છે અને એનો વીમો પણ કઢાવેલો હોય છે. ઑનલાઇન ગોલ્ડમાં રોકાણકારો ૧૦ રૂપિયા જેવી નાની રકમનું પણ રોકાણ કરી શકતા હોવાથી રોકાણકારોમાં એની લોકપ્રિયતા ખૂબ વધી છે. જોકે SEBIના નવા નૉટિફિકેશન પ્રમાણે આ પ્રોડક્ટ્સને SEBIના ઇન્વેસ્ટર્સ સિક્યૉરિટીને લગતા નિયમોમાં આવરી લેવામાં આવતી નથી.
ક્યાંથી મળે છે ડિજિટલ ગોલ્ડ?
અત્યારે ડિજિટલ ગોલ્ડ આપતી કંપનીઓ તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ અને હોલ્ડિંગ્સને ડિજિટલી ટ્રૅક કરવાની મંજૂરી આપે છે. તમે તમારા હોલ્ડિંગ્સને સિક્કા અથવા ઘરેણાંમાં પણ રિડીમ કરી શકો છો. અત્યારે ફોન-પે, ગૂગલ-પે અને પેટીએમ જેવી કંપનીઓ સેફગોલ્ડ, કૅરૅટલેન અને તનિષ્ક જેવી બ્રૅન્ડ્સ સાથે મળીને ડિજિટલ ગોલ્ડ ઑફર કરે છે.


