
'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી
'જીવનમાં ખાટાં, મીઠાં અને તૂરાં સિવાયનાં અન્ય રસનાં સંસ્મરણો પણ હોય છે - દિનકર જોષી
લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે, એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે કેમકે એમાં સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે. ' નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ ' મને સાંભરે રે ' કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી.એમણે એ સાંજે દરેક વક્તાએ પોતાનાં સંસ્કારની વાતો કરી એની પણ નોંધ લીધી. મીનાક્ષીબેને મનભર, રસભર સુક્ષ્મતાથી સ્મરણો લખ્યા છે કહી એમણે ઉમેર્યું,
'હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે.સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.'
વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા. ' ક્યારેક જૂઠું બોલવું પડે 'કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ ૮૮ વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ,ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે.
લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યું.વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ વિચારબીજ આપ્યું કે ત્રણ વરિષ્ઠ કલાકાર કે લેખિકા પોતાના બાળપણનાં સારાં માઠાં પ્રસંગોની વાત કરે. કેઈએસ ગુજરાતી ભાષાભવનના નેજા હેઠળ, ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે માતાની સ્મૃતિને ભાવકો સુધી વિસ્તારવાનો ઉપક્રમ તો ખરો જ પણ સાથે સાથે મીનાક્ષીબહેનના બે પુસ્તકો ' અંજની, તને યાદ છે? ' અને 'ઘેરે ઘેર લીલાલહેર ' પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
'મને સાંભરે રે ' એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જાણીતા કવિ સંગીતકાર નિનુ મજૂમદારના દીકરી છે અને એક ઉત્કૃષ્ટ કલાકાર છે એવો સંજય પંડ્યાએ પરિચય આપી નિનુ મજૂમદારના સ્વરાંકનવાળા ' ગોપીનાથ ' ફિલ્મના ગીત વિશે અને નિનુભાઈની ખેલદિલી વિશે વાત કરી. મીનળબહેને બાળપણનાં સ્મરણોને યાદ કર્યાં. તેમણે કહ્યું, ' મારાં એક ફોઈ હતાં. દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે. મારા પપ્પા અમને લઈને જાય. હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું.. પ્રલય થયો.પ્રલય થયો.ચાર વર્ષની છોકરીને દરિયો શું એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.'
મીનળબહેન કહે છે, ' મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા.કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. એક વાત સત્ય છે કે જાતે તોડીને , છુપાઈને ખાવાની જે મજા આવે એ મજા ખરીદીને ખાવામાં ન આવે.પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું.
એ ચાલી છુક છુક આગગાડી,
કદી સીધીને કદી આડી....
અને એ ગીત ગાયા પછી આપણે હિરોઈન થઈ ગયાં.' આવી અનેક યાદોને તાજી કરતાં છેલ્લે કહ્યું , 'એક છોકરો ખૂબ ચાંપલો હતો. એકવાર મને ગુસ્સો આવતાં એને ધડાધડ ચોડી દીધી.' નિનુભાઈના સ્વરાંકન'આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી, બલીબલી જાયે જશુમતી મૈયા' નો રાજકપુરે' સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો એનો ઉલ્લેખ પણ એમણે કર્યો.
ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કહ્યું 'શૈશવની પગલીઓમાં જંબુસર ગામની થોડી ધૂળ છે તો મુંબઈનાં પરાં વિસ્તારની થોડી છાપ છે.' તેઓ કહે છે, ' 1955માં મારા પપ્પા વોશિંગ્ટન ગયા હતા. ત્યાંથી મારાં માટે ઢીંગલી લાવ્યાં હતા. મને આપતાં કહ્યું હતું મારી આ ઢીંગલી માટે આ ઢીંગલી છે. તારી સાથે જ રહેશે.તું જે કરીશ એ બધું જ એ કરશે. ને ઢીંગલી મારી અજાયબ દુનિયામાં વણાઈ ગઈ. આજે પણ શૉકેસમાં છે. રેડિયોમાં ગીતો સાંભળતાં પ્રશ્ન થતો જે માને પૂછ્યો કે મા આટલા નાના રેડિયોમાં આટલા બધાં લોકો કેવી રીતે સમાતા હશે ? '
જંબુસર ગામની વાત કરતાં એમણે કહ્યું , ' જંબુસરમાં અમારું નાનું ઘર, ઝાડુવાળો આવે તો બારણાં બંધ કરી દેવાના નહીં તો ઠંડા પાણીએ નહાવું પડે. મારાં વાલીબા કાણ કૂટવા જાય. આવે ત્યારે એમની છાતી લાલ લાલ થઈ ગઈ હોય . મને નવાઈ લાગે ને હું પૂછું ,બા આ શું થયું છે તો કહે કાણ કૂટવા ગઈ તી'ને એટલે ! '
જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર, પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયા કહે છે ,' હું તમને કલકતા લઈ જાઉં છું.બાળપણને જીવવાનો મોકો મિત્રો જ આપે છે.બાળપણાંનાં આ સંભારણા વહેંચવાનો આ પહેલો અવસર છે. મારી મા અમારી પાંચ બહેનોની અને એક ભાઈની ખૂબ કાળજી લેતી. મા આયુર્વેદની એક ઉક્તિ કહેતી
' આંખે ત્રિફળા દાંતે લુણ,પેટ ન ભરીએ ચારે ખૂણ '
'મને સ્કૂલે જવાનો બહુ કંટાળો આવે. પપ્પા રમણીકભાઈ મેઘાણી મોં જોઈ પૂછે, કેમ બેન સ્કૂલે નથી જવું? હું ના પાડું તો કહે , કઈ વાંધો નહીં .અહીં દુકાનમાં બેસો ને પુસ્તકો વાંચો.અમારાં ઘરે શિવકુમાર ભાઈ આવે ભજન ગાય.બધાં રડે પણ મને રડવું ન આવે. પણ એક સમય એવો આવ્યો કે કોઈપણ સંગીત વાગે મને રડવું આવે.બધાં કહે આના કપાળે તો કૂવો છે!
વાર્તા સ્પર્ધા હતી. મારી મા સરસ વાર્તાઓ લખે.મેં એને લખીને મોકલવા કહ્યું.ઈનામની રકમ મળે તો કાર્ડિગન લેવાય.ઈનામ જાહેર થયું બાનું નામ ન જોયું. પૂછ્યું વાર્તાનાં ઈનામમાં તારું નામ નથી! તો બા કહે મેં મોકલી જ નથી. હું નિરાશ થઈ ગઈ, હવે પેલું કારડીગન નહીં લઈ શકાય.' છેલ્લું સંભારણું યાદ કરતાં તરુબહેને કહ્યું ,' મારી બહેનપણી 'છોટી બહેન ' ફિલ્મ જોઈ આવેલી અને એનાં ગીતો એ ગાયા કરે મને ગીતો બહુ ગમ્યાં .મેં પણ કહ્યું મારે' છોટી બહેન 'ફિલ્મ જોવી છે. અમે ગયાં .પિક્ચર પૂરું થયું ત્યાં સુધી એકપણ ગીત આવ્યું નહીં. હું ઊંચીનીચી થાઉં .મેં પૂછ્યું તો ભાઈ કહે ,ઈગ્લીશમાં હતું. પછી ઘરે આવીને ખબર પડી કે કરુણ ફિલ્મ હતી તેથી એ જોવા નોતા લઈ ગયાં પણ ચાર્લી ચેપ્લિનની 'લાઇમ લાઈટ ' જોવા લઈ ગયાં હતાં. '
અગાઉ સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. એમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.
શીઘ્ર કવિ, ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી.
કવયિત્રી તથા લેખિની પ્રમુખ પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક 'અંજની તને યાદ છે.'માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કરતાં ,હળવાશથી લઈને કરુણ રસ સુધી ભાવકોને સફર કરાવી. કવિ , નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ 'હળદરની હોળી અને ઓસામણની પિચકારી' રજૂ કર્યો.
કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ' ઘેરે ઘેર લીલા લહેર 'માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. એમણે મીનાક્ષીબહેન સાથેની ઉષ્માસભર વાતોનો પણ ઉલ્લેખ કર્યો.
મીનાક્ષીબહેનની વખણાયેલી વાર્તા 'હીંચકો' પરથી યુવા નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ 'હીંચકો' વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી.
કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું.હૉલ એ વખતે ભાવકોથી છલકાતો હતો અને વધારાની ખુરસીઓ મંચની આજુબાજુ મૂકાવવી પડી હતી. અંતિમ પડાવ તરફ જતાં દીકરી પૂર્વી દેસાઈએ હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી. પુત્રી સૌમ્યાબહેને ભાવસભર રીતે સહુનો આભાર માન્યો હતો.
એક પ્રેમાળ માતા તથા વાચકોમાં અને નારાયણ દેસાઈ, ગુલાબદાસ બ્રોકર તથા ધીરુબહેન પટેલને પણ પ્રિય એવાં લેખિકાને આના કરતાં ઉત્તમ રીતે સંભારી શકાય ખરાં?
(અહેવાલ: પૂરક માહિતી સ્મિતા શુકલ)