Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > > > ગ્લોબલ ખાડાઓ ભારતીય અર્થતંત્રની ગાડીને ધીમી કરશે, રોકી નહીં શકે!

ગ્લોબલ ખાડાઓ ભારતીય અર્થતંત્રની ગાડીને ધીમી કરશે, રોકી નહીં શકે!

03 October, 2022 03:09 PM IST | Mumbai
Jayesh Chitalia

આ રિકવરીમાં ભારતીય અર્થતંત્ર પ્રત્યેનો વિશ્વાસ કે આશાવાદ ક્યાંક કામ કરી રહ્યો હોવાનું અનુમાન છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


શૅરબજાર ગ્લોબલ ખાડાઓના આંચકાઓનો સામનો કરતું જાય છે, જેમાં કરેક્શન તો આવે જ છે, પરંતુ રિકવરી પણ આવી જાય છે. આ રિકવરીમાં ભારતીય અર્થતંત્ર પ્રત્યેનો વિશ્વાસ કે આશાવાદ ક્યાંક કામ કરી રહ્યો હોવાનું અનુમાન છે. માર્કેટ હજી તૂટવાનો ભય માથે લટકતો રહે છે, ખાડાઓને કારણે ગતિ ધીમી પડે, પરંતુ ગાડી ચાલતી રહે એ મહત્ત્વનું છે. ભારતીય ઇકૉનૉમીનું કંઈક આવું જ છે. સમજને વાલે કો ઇશારા કાફી...

રૂપિયાની ડૉલર સામે કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખી તેમ જ ઓવરઑલ ગ્લોબલ સંજોગોને લીધે છેલ્લા અમુક જ દિવસમાં એફઆઇઆઇએ એક અબજ ડૉલરના શૅર્સ વેચ્યા છે. ડૉલર રૂપિયા સામે સતત મજબૂત બનતો જતાં ભારતીય રિઝર્વ બૅન્કની ચિંતા પણ વધી રહી છે. બીજી બાજુ ભારતીય અર્થતંત્રની સુધરતી સ્થિતિને લક્ષ્યમાં રાખી જુલાઈ મધ્યથી એફઆઇઆઇ તરફથી ભારતીય ઇ​ક્વિટીમાં ૧૩ સપ્ટેમ્બર સુધી નેટ ખરીદી થતી રહી હતી, એ પહેલાં તેઓ નેટ સેલર્સ રહ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં યુએસ સહિત ગ્લોબલ સંજોગો બગડતાં એફઆઇઆઇ પુનઃ સેલર્સ બન્યા છે. જોકે ભારતીય માર્કેટ બહુ ઘટશે એવી શકયતા જૂજ જણાય છે, કેમ કે મોટા ઘટાડા બાદ ખરીદી પણ આવી જાય છે. આ ખરીદી પણ એફઆઇઆઇ ઉપરાંત સ્થાનિક રોકાણકારો જ વધુ કરે એવું ગણિત બેસે છે, કારણ કે હાલમાં ભારતીય ઇકૉનૉમીની ગતિનો સવાલ છે ત્યાં સુધી એને માર્ગમાં ખાડા (ચોકકસ ગ્લોબલ અવરોધ-પડકાર) નડી રહ્યા છે, જેને લીધે એના ગ્રોથની ગતિ ધીમી પડે છે, જયારે કે આ ખાડા પુરાઈ જાય અથવા ઓછા કે દૂર થાય તો એની સ્પિડ વધશે. ભારતીય અર્થતંત્રની ગતિવિધિ તેમ જ આંકડા આ વાતને સમર્થન આપે છે. કડાકાથી આરંભ


ગયા સોમવારે કડાકા સાથે શરૂ થયેલું બજાર ધીમે-ધીમે રિકવર થતું રહ્યું હતું. ગયા સોમવાર સુધીમાં વૉલેટિલિટી ઇન્ડેક્સ ૬ ટકા જેટલો ઊછળી ગયો હતો. આપણે ગયા સપ્તાહમાં આ જ ચર્ચા કરી હતી, ગ્લોબલ સંજોગો આપણી માર્કેટને બહુ વધવા દેશે નહીં અને લોકલ સંજોગો એને બહુ ઘટવા નહીં દે. સોમવારનો ઘટાડો યુએસ-ગ્લોબલ પરિબળો આધારિત હતો, જયારે કે રિઝર્વ બૅન્ક પણ અડધો ટકો વ્યાજ વધારે એવા સંજોગો માથે ઊભા હતા. સોમવારનો અંત નેગેટિવ ટ્રેન્ડ સાથે થયો, જેમાં સેન્સેક્સ ૯૫૩ પૉઇન્ટ અને નિફ્ટી ૩૧૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. મંગળવારે શરૂઆત પૉઝિટિવ થઈ, માર્કેટ રિકવર થવા લાગ્યું અને તરત જ પ્રૉફિટ બુકિંગ શરૂ થઈ ગયું. 

કરેક્શનનો દોર ચાલુ રહ્યો


બુધવારે સતત છઠ્ઠા દિવસે માર્કેટ નેગેટિવ શરૂ થયું, કારણ તો એ જ, ડૉલરની રૂપિયા સામે વધતી મજબૂતી અને યુએસ સહિત ગ્લોબલ માર્કેટમાં ઇ​ક્વિટી પર દબાણ. ફેડરલની આક્રમકતા અને રિશેસનનો ભય. વધુમાં વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન દ્રારા ગ્લોબલ વેપારનો અંદાજ વધુ ઘટાડાયો હોવાની પણ અસર હતી. ગ્લોબલ મંદી કે મંદ ગતિ ભારતને એની અસરથી મુક્ત રાખી શકે નહીં એમ છતાં લાંબા ગાળા માટે હજી પણ ભારત ઇન્વેસ્ટમેન્ટનું બેસ્ટ ડે​સ્ટિનેશન ગણાય છે એ યાદ રાખી સારા સ્ટૉક્સ નીચામાં ખરીદતાં જઈ જમા કરવાનો અભિગમ જાળવી રાખવામાં શાણપણ હોવાથી સિલે​ક્ટિવ ખરીદી આવતી રહે છે. બુધવારે સેન્સેક્સ ૫૦૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૪૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં, જે સાથે સેન્સેક્સ ૫૭ હજારની અને નિફટી ૧૭ હજારની સપાટી નીચે ચાલ્યાં ગયાં હતાં.  

રિકવરી સાથે સપ્તાહનો અંત

શુક્રવારે રિઝર્વ બૅન્કે ધારણા મુજબ ઇન્ફ્લેશનને ડામવા કે અંકુશમાં રાખવા રેપો રેટમાં પચાસ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો અને ધારણા બહાર બજારે શરૂમાં રિકવરી નોંધાવી, કારણ કે વ્યાજ વધારાનું પરિબળ ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું, જોકે યુએસ સમસ્યા તો માથે ઊભી જ છે. રિઝર્વ બૅન્ક વ્યાજ વધારાની દિશામાં હવે પછી શું વલણ રાખશે એનો કોઈ ઇશારો કરવાનું ગવર્નરે ટાળ્યું હતું. જયારે કે ગ્રોથરેટનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડી ૭ ટકા મૂક્યો હતો. અલબત્ત, વ્યાજના અડધા ટકાના વધારાથી પણ લોકોનો અને વેપાર-ઉદ્યોગનો બોજ તો વધવાનો જ છે, પરંતુ આના સિવાય હાલ કોઈ વિકલ્પ પણ નથી. મજાની વાત એ છે કે શુક્રવારે આઠમા દિવસે સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ વધીને ૫૭ હજાર ઉપર અને નિફ્ટી ૨૭૬ પૉઇન્ટ વધીને ૧૭ હજાર ઉપર બંધ રહ્યો. સાત દિવસના કરેક્શન બાદની આ રિકવરીનું કારણ છે ભારતીય અર્થંતત્રની ગતિવિધિ. ગ્લોબલ ગરબડો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સુધારો ચાલુ રાખશે એવી આશા અને ગ્રોથલક્ષી સ્ટૉક્સનું આકર્ષણ નીચા ભાવે ખરીદી ઊભી કરે છે. એમ છતાં ગ્લોબલ પરિબળો માર્કેટ સે​ન્ટિમેન્ટને ડિસ્ટર્બ કર્યા કરશે અને કરેક્શન પણ આવ્યા કરશે. એથી જ કરેક્શનને તક બનાવતાં જવામાં સાર રહેશે. ઇકૉનૉમીની ગતિ સ્લો છે તો તમારી ખરીદીની ગતિ પણ ધીમી જ રાખો, પરંતુ સારા સ્ટૉક્સ જમા કરતા રહો એમાં ડહાપણ છે.

કરેક્શન ખરીદીની તક : નીલેશ શાહ

દરમ્યાન કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેકટર નીલેશ શાહે કહ્યું છે કે ભારતીય માર્કેટ ગોલ્ડ વૅલ્યુએશન મુજબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, અર્થતંત્ર દસમા ક્રમેથી પાંચમા ક્રમે આવી ગયું છે, આગામી આઠ વર્ષમાં એ ત્રીજા ક્રમ પર આવી જવાની આશા છે. હાલ ભલે ગ્લોબલ સંજોગોને આધિન માર્કેટ તૂટી રહ્યું છે, પરંતુ આ કરેક્શનને ખરીદીની તક બનાવવામાં શાણપણ છે. પણ યાદ રહે, લાંબા ગાળા માટે ખરીદવાની તૈયારી સાથે આમ થવું જોઈએ. વર્તમાન સમયમાં ગ્લોબલ અને ભારતીય માર્કેટ શૉર્ટ ટર્મ માટે વૉલેટાઇલ રહેશે. જોકે એ નીચે જશે એમ ઉપર પણ જશે. ભારતીય ઇકૉનૉમી ગ્લોબલ સ્તરે રણમાં સાગર સમાન ભૂમિકા ભજવશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. 

આર્થિક સમાચાર સંકેતની સાત ઝલક

૧. રિઝર્વ બૅન્કના વ્યાજવધારાથી લોન મોંઘી થશે. લોકોનો ઈએમઆઇનો બોજ વધશે.
૨. ઑગસ્ટમાં કોર સેક્ટરનો ગ્રોથરેટ ઘટીને નીચે આવ્યો છે.
૩. રિસેશનના ભયથી યુએસ માર્કેટમાં સ્ટૉક્સના ભાવ તૂટી રહ્યા છે, જયારે બીજી બાજુ સારી બાબત એ છે કે ક્રૂડના ભાવ નવ મહિનાના તળિયે આવી ગયા છે. 
૪. ડૉલર સામે તૂટતા જતા રૂપિયાની બાબતે રિઝર્વ બૅન્ક આવશ્યક પગલાં ભરવા પ્રતિબદ્ધ છે, ભારતને કરન્સી ક્રાઇસિસમાંથી પસાર થવું પડે એવી નોબત આવશે નહીં એની સરકારે ખાતરી જાહેર કરી છે. રિઝર્વ બૅન્ક પાસે પર્યાપ્ત ફૉરેક્ષ રિઝર્વ છે. 
૫. અદાણી ગ્રુપ આગામી દસ વર્ષમાં એનર્જી સેક્ટરમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરવાનું છે, જે ઇકૉનૉમી માટે બહુ મોટું બૂસ્ટર બનશે એવી આશા છે. આ સાથે અંબાણી ગ્રુપનાં પણ જંગી રોકાણ પ્લાન આકાર પામી જ રહ્યાં છે. સરકાર પોતે મૂડી ખર્ચ કરવા ઉપરાંત ખાનગી ક્ષેત્રને પણ આ માટે સતત અનુરોધ કરી રહી છે.
૬. ગયા બુધવારે સરકારે ત્રણ મોટાં રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પાછળ ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય લીધો હતો.   
૭. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સરકારે કેટલીક બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૨ માટે  ૧૦થી ૩૦ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો છે. સતત નવ ક્વૉર્ટર બાદ આ વધારો કરાયો છે. જોકે આને કારણે બહુ મર્યાદિત વર્ગને લિમિટેડ લાભ થશે.  

ચિંતા અને ચિંતન કરવાજેવી બાબતો

ફુગાવાનો ઊંચો દર અને રિસેશનની શક્યતા, ડૉલરની મજબૂતી અને રૂપિયાની મજબૂરી, કૅપિટલનો બહાર જઈ રહેલો પ્રવાહ, મંદ પડેલી ગ્લોબલ ગ્રોથની ગતિ, નિકાસને થતી વિપરીત અસર, બૅલૅન્સ ઑફ પેમેન્ટની ક્રાઇસિસ વગેરે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 03:09 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK