પોલીસને માહિતી મળી હતી કે આરોપી મહિલા દેહવ્યવસાય માટે છોકરીઓ સપ્લાય કરતી હતી
પ્રતીકાત્મક તસવીર
થાણે કોર્ટે ૧૬ વર્ષની ટીનેજરને દેહવ્યવસાયમાં ધકેલવા બદલ ૫૧ વર્ષની કાજલ બાબુ ચંદનને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના ઍડિશનલ જજ ડી. એસ. દેશમુખે કાજલ બાબુ ચંદનને ઇમ્મોરલ ટ્રાફિકિંગ સહિત પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ દોષી ઠેરવીને સજા ફટકારી હતી.
આ કેસમાં ફરિયાદપક્ષે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘પોલીસને માહિતી મળી હતી કે આરોપી મહિલા દેહવ્યવસાય માટે છોકરીઓ સપ્લાય કરતી હતી. એથી છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપી મહિલાએ એ માટે પૈસા સ્વીકારતાં તેને રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. એ વખતે તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે ૧૬ વર્ષની ટીનેજરને તે એમ કહીને પોતાની સાથે લાવી હતી કે તે તેને નવાં કપડાં અપાવશે.’
ADVERTISEMENT
કોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘આરોપી દ્વારા તેને આપવામાં આવેલી લાલચ અને ત્યાર બાદ તેનું કરવામાં આવેલું શોષણ જોતાં આ કેસમાં માત્ર પીડિતાએ આપેલું સ્ટેટમેન્ટ જ પૂરતું છે. એટલું જ નહીં, આ કેસમાં પુરાવાઓ નોંધાઈ રહ્યા હતા ત્યારે પણ તે રડી રહી હતી જે હકીકતને બયાન કરતું હતું.’
બચાવપક્ષે આરોપીની ઉંમર જોતાં તેને સજા સંભળાવતી વખતે દયા દાખવવામાં આવે એવી રજૂઆત કરી હતી. કોર્ટે તેમની એ રજૂઆતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આવા ગુના માટે આ જ ઓછામાં ઓછી સજા હોઈ શકે. કોર્ટે આરોપીને ૭ વર્ષની સખત કેદની સજા ફટકારવાની સાથે ૧૯,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. દંડની રકમ પીડિતાને આપવા જણાવ્યું હતું.

