દિવાળીની રજાઓ માણવા નીકળી પડેલા લોકોને પ્રથમ ગ્રાસે મિક્ષકા, વિકલ્પ તરીકે ઓલ્ડ મુંબઈ-પુણે હાઇવે પર ધસારો થયો એટલે એના પર પણ ટ્રાફિક જૅમ સર્જાયો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
શનિવાર-રવિવારની રજા અને એમાં પાછી મંગળવારે-બુધવારે દિવાળીની રજાઓ આવતી હોવાથી ઘણા મુંબઈગરાઓએ સોમવારે રજા લઈને હૉલિડે પ્લાન કર્યા હતા અને શનિવારે સવારે જ લોનાવલા, મહાબળેશ્વર ફરવા નીકળી ગયા હતા. જોકે મોટી સંખ્યામાં સહેલાણીઓ નીકળી પડતાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. અમૃતાંજન બ્રિજથી ખોપોલી એક્ઝિટ વચ્ચે વાહનોની ૭-૮ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી.
એક્સપ્રેસવે પરના ટ્રાફિક જૅમની જાણ ગૂગલ મૅપ પરથી પણ થવાને કારણે અનેક લોકોએ પુણે તરફ જવા માટે જૂના મુંબઈ-પુણે હાઇવેનો વિકલ્પ પણ અપનાવ્યો હતો. એથી એના પર પણ ટ્રાફિક જૅમ થયો હતો. ત્યાર બાદ એક્સપ્રેસવે પર ટ્રાફિક-પોલીસે ઍકશન લઈને ધીમે-ધીમે ટ્રાફિક ક્લિયર કર્યો હતો જેમાં કલાકો નીકળી ગયા હતા. બપોર પછી ટ્રાફિક હળવો થયો હતો.

