કેટલાક લોકોની હાલત ક્રિટિકલ હોવાથી મૃત્યુનો આંકડો વધી શકે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
નંદુરબારમાં પિક-અપ વૅન પલટી ખાઈ જતાં યાત્રાળુઓ એની નીચે દબાઈ ગયા હતા.
નંદુરબાર જિલ્લાના ચાંદશૈલી ઘાટમાં શુક્રવારે મધરાત બાદ થયેલા અકસ્માતમાં પિક-અપ વૅન પલટી ખાઈ જવાથી ૮ યાત્રાળુઓનાં મોત થયાં હતાં અને ૧૫ જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમાંના કેટલાક લોકોની હાલત ક્રિટિકલ હોવાથી મૃત્યુનો આંકડો વધી શકે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
પિક-અપ વૅનના યાત્રાળુઓ અસ્તંબા યાત્રામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ધાડગાંવ-તળોદા ટેકરી પાસે આ અકસ્માત થયો હતો. વૅનમાં યાત્રાળુઓ હતા જેમાં મોટા ભાગે યુવાનો હતા અને તેઓ નંદુરબાર જિલ્લાના ભુરાટી અને શહાદા તાલુકાના વૈજાલીના રહેવાસી હતા. ઘાટ વિસ્તારમાં જોખમી વળાંક પર ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કન્ટ્રોલ ગુમાવતાં વૅન પલટી ખાઈ ગઈ હતી. વૅન ઉપરથી ખુલ્લી હોવાથી બધા પહેલાં નીચે પટકાયા હતા અને તેમના પર વૅન આડી પડી ગઈ હતી એટલે જાનહાનિ વધુ થઈ હતી.

