દીકરાને મોંઘી બાઇક અપાવવા ઉલ્હાસનગરના મેડિકલ સ્ટોરના માલિકને છેતરનારાની વડોદરાથી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
એક કિલો સોનાના ખોટા સિક્કા પધરાવી ઉલ્હાસનગરના સેક્ટર ત્રણમાં મેડિકલ સ્ટોર ધરાવતા ૨૪ વર્ષના સૂરજ શામનાની પાસેથી ૧૦ લાખ રૂપિયા પડાવી જનાર ૪૦ વર્ષના ધર્માભાઈ કચ્છીની અંબરનાથ પોલીસે બુધવારે વડોદરાથી ધરપકડ કરી હતી. પુત્રને મોંઘી બાઇક અપાવવા આ છેતરપિંડી કરી હોવાની માહિતી આરોપીએ પોલીસને આપી હતી. આ મામલે ધર્માભાઈના પુત્રની સંડોવણી પણ બહાર આવતાં પોલીસે તેને પણ આ કેસમાં આરોપી બનાવીને બાઇક જપ્ત કરી છે. આરોપી સામે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને ગુજરાતનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી બહાર આવી છે.
અંબરનાથ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શબ્બીર સૈયદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક કિલો સોનાના સિક્કા તેના ખેતરમાંથી નીકળ્યા હોવાની માહિતી આપીને ગયા મહિનાના અંતમાં આરોપીએ સૂરજ શામનાનીને સોનાનો એક સિક્કો આપીને આગળનો વ્યવહાર કરવા માટેની માહિતી આપી હતી. એ મુજબ સૂરજે સોનાના સિક્કાને સોની પાસે તપાસતાં એ બાવીસ કૅરૅટનું સોનું હોવાની માહિતી મળી હતી. એટલે સૂરજ લાલચમાં આવીને તમામ સોનું ખરીદવા તૈયાર થયો હતો. ત્યાર બાદ એક કિલો સોનાથી ભરેલી થેલી સૂરજના હાથમાં પકડાવી આરોપી ૧૦ લાખ રૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ફરિયાદ નોંધાતાં અમે વધુ તપાસ શરૂ કરી હતી. અંતે ટેક્નિકલ ટીમ પાસેથી મળેલી માહિતીના આધારે અમે આરોપીને વડોદરામાંથી શોધી કાઢ્યો હતો. તેની ધરપકડ કરીને વધુ તપાસ કરતાં તેણે તેના પુત્રને મોંઘી બાઇક અપાવવા આ છેતરપિંડી કરી હોવાની માહિતી અમને આપી હતી. એ મુજબ પુત્રને કૉલેજ જવા માટે લીધેલી બાઇક અમે જપ્ત કરી છે અને સાથે તેના પુત્રને પણ આ કેસમાં આરોપી બનાવ્યો છે. આ કેસમાં તેના પુત્રની શોધ ચાલુ છે.’

