૧૫ સિરીઝમાંથી ૮ ઑસ્ટ્રેલિયા અને ૭ ભારત જીત્યું છે, આ વર્ષે વન-ડેમાં ભારતની જીતનો રેકૉર્ડ ૧૦૦ ટકા જ્યારે ઑસ્ટ્રેલિયા આઠમાંથી માત્ર બે મૅચ જીત્યું છે
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે પોઝ આપતા ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ અને ભારતીય કૅપ્ટન શુભમન ગિલ.
આજે પર્થ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા પોતાની ૧૬મી વન-ડે સિરીઝનો પ્રારંભ કરશે. શુભમન ગિલની વન-ડે કૅપ્ટન્સીની શરૂઆત અને રોહિત-કોહલીની વાપસી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં નવો ઉત્સાહ ઉમેરશે. કાંગારૂ ટીમ મિચલ માર્શના નેતૃત્વ હેઠળ ઊતરશે ત્યારે અનુભવી ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ ફરી એક વાર રોહિત-કોહલીની જોડીને પડકાર આપવાનો પ્રયાસ કરશે. ભારતીય સમય અનુસાર સિરીઝની ત્રણેય મૅચ સવારે નવ વાગ્યાથી શરૂ થશે.
બન્ને ટીમ વચ્ચે ૧૯૮૪થી ૨૦૨૩ વચ્ચે ૧૫ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી ભારતે ૭ અને ઑસ્ટ્રેલિયાએ ૮ સિરીઝ જીતી છે. એટલે કાંગારૂઓ સામે વર્તમાન સિરીઝ જીતી ટીમ ઇન્ડિયા આ રેકૉર્ડ બરાબર કરવાનો ટાર્ગેટ રાખશે. પંદરમાંથી માત્ર ત્રણ વન-ડે દ્વિપક્ષીય સિરીઝ ભારત ઑસ્ટ્રેલિયામાં રમ્યું છે. ૨૦૧૫-’૧૬ અને ૨૦૨૦-’૨૧માં રમાયેલી સિરીઝમાં યજમાન ઑસ્ટ્રેલિયાએ બાજી મારી હતી જ્યારે ૨૦૧૯માં ભારતે વિરાટ કોહલીના નેતૃત્વમાં પહેલી વખત ઑસ્ટ્રેલિયામાં વન-ડે સિરીઝ જીતી હતી.
ADVERTISEMENT
૨૦૨૫માં ભારત ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે અને ચૅમ્પિયન્સ ટ્રોફી મળીને કુલ ૮ વન-ડે મૅચ રમ્યું છે. આ તમામ મૅચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયા ૮ મૅચ રમ્યું છે જેમાં એને માત્ર બે જીત મળી છે, પાંચ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
વન-ડેમાં હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૫૨
ઑસ્ટ્રેલિયાની જીત ૮૪
ભારતની જીત ૫૮
નો-રિઝલ્ટ ૧૦
કાંગારૂઓ સામે ઑસ્ટ્રેલિયન ધરતી પર ભારતનો વન-ડે રેકૉર્ડ
ભારત ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ૫૪ વન-ડે મૅચ રમ્યું છે જેમાંથી ભારતને માત્ર ૧૪ મૅચમાં જીત મળી છે. ૩૮ મૅચ ઑસ્ટ્રેલિયાએ જીતી છે જ્યારે બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયન ધરતી પર પોતાનો આ રેકૉર્ડ સુધારવાનો પણ પ્રયાસ કરશે.

