BSE ખાતે સેન્સેક્સમાં F&Oની એક્સપાયરીને લઈને છેલ્લી ૨૦ મિનિટના કૉલ ઑક્શન સેશનમાં સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ વધીને ૭૦૦ પૉઇન્ટ રિવર્સ થયો
પ્રતીકાત્મક તસવીર
BSE ખાતે સેન્સેક્સમાં F&Oની એક્સપાયરીને લઈને છેલ્લી ૨૦ મિનિટના કૉલ ઑક્શન સેશનમાં સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ વધીને ૭૦૦ પૉઇન્ટ રિવર્સ થયો ઃ નોવાર્ટિસ ઇન્ડિયા સતત ૪ દિવસની તેજીમાં ૧૬૫૦થી ઊછળી ૨૫૮૮ના બેસ્ટ લેવલે ગઈ ઃ વેલસ્પન કૉર્પ બુલરન જાળવી રાખતાં લાઇફટાઇમ હાઈ બનાવી ૧૬૮ રૂપિયા મજબૂત ઃ બોગસ લોન અકાઉન્ટનો મામલો જાહેર થતાં SRG હાઉસિંગ ૨૦ ટકા લથડીને સવાત્રણ વર્ષની નીચી સપાટીએ બંધ થઈ
ક્રૂડ ૧૦૩ ડૉલર થઈ ગયું છે. ઈરાન આક્રમક મૂડમાં છે. અેના લશ્કરી વડાએ અમેરિકન જહાજી કાફલાને તહસનહસ કરી નાખવાની ખુલ્લી ધમકી આપી છે. ક્રૂડ ૧૦૦ ડૉલર વટાવી જતાં લગભગ બેઅસર રહેલાં એશિયન બજારો આ નવા ઘટનાક્રમ પછી ગઈ કાલે સર્વત્ર ઘટાડે બંધ થયાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકા, ઇન્ડોનેશિયા ૧.૪ ટકા, સિંગાપોર પોણો ટકો, તાઇવાન તથા ચાઇના અડધો ટકો, અન્યત્ર સાધારણ ઘટાડે નોંધાયો છે. યુરોપ આગલા દિવસની નોંધપાત્ર નબળાઈ પછી રનિંગમાં ગઈ કાલે સાંકડી વધઘટે મિશ્ર હતું. FCNR થાપણની ઉધારીના જોરમાં મજબૂત બનવા માંડેલો રૂપિયો નરમાઈની હૅટ-ટ્રિકમાં ૯૫.૪૭ થઈ ૩૨ પૈસાના ઘટાડે ડૉલર સામે ૯૫.૪૪ જોવા મળ્યો છે.
ઘરઆંગણે શૅરબજાર સળંગ ત્રણ દિવસની ખરાબી પછી ગઈ કાલે સાધારણ સુધર્યું છે. સેન્સેક્સ આગલા બંધથી બાવીસ પૉઇન્ટ ઢીલો ૭૪,૭૪૨ ખૂલી છેવટે ૧૩૮ પૉઇન્ટ સુધરીને ૭૪,૯૦૨ તો નિફ્ટી ૪૬ પૉઇન્ટ વધી ૨૩,૪૭૮ નજીક બંધ થયો છે. શૅરઆંક દિવસ દરમ્યાન નીચામાં ૭૪,૫૯૮ અને ઉપરમાં ૭૪,૯૧૦ થયો હતો. સેબી પ્રેરિત કસીનો સેશન શરૂ થયું અે પૂર્વે સેન્સેક્સ ૭૪,૬૨૯ તથા નિફ્ટી ૨૩,૩૮૯ હતો. ગણતરીની મિનિટનું કસીનો સેશન શરૂ થતાં જ નિફ્ટી રૉકેટ ગતિએ ઉપરમાં ૨૩,૭૬૨ તો સેન્સેક્સ ૭૫,૭૮૨ થઈ ગયો હતો અને એટલા જ વેગથી નીચે આવ્યો હતો.
માર્કેટબ્રેડ્થ બગડેલી રહી છે. NSEમાં વધેલા ૧૪૬૬ શૅર સામે ૨૦૭૭ શૅર ઘટ્યા છે. માર્કેટકૅપ ૧.૧૯ લાખ કરોડ ઘટી હાલ ૪૮૩.૦૧ લાખ કરોડ થયું છે.
સેન્સેક્સ નિફ્ટીના અડધા ડઝન શૅરમાં ગઈ કાલે મલ્ટિયર બૉટમ બની છે. આ ઉપરાંત ફાઇઝર, બ્રિટાનિયા, HEG લિમિટેડ, PI ઇન્ડસ્ટ્રીઝ, બિકાજી ફૂડ્સ, ICICI લોમ્બાર્ડ, હેવેલ્સ ઇન્ડિયા, ACC, IRCTC, IRFC, વૉલ્ટાસ, સ્પાઇસ જેટ, કામા હોલ્ડિંગ્સ, ICICI-પ્રુ લાઇફ, ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેશ, પ્રૉક્ટર-ગૅમ્બલ હાઇજીન, ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ જેવી જાણીતી, Top-500 બેન્ચમાર્કની જાતોમાં પણ નવાં તળિયાં દેખાયાં છે. શક્તિ પમ્પ્સ ૩૨ ગણા કામકાજે ઉપર ૫૨૫ થઈ સાડાસાત ટકા ઊંચકાઈ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. સ્વાન કૉર્પ સવાસાત ટકા, એકયુતાસ કેમિકલ્સ પોણાસાત ટકા, મહારાષ્ટ્ર સીમલેસ સવાછ ટકા મજબૂત હતી. વેલસ્પન કૉર્પ ૨૭૮૬ની ઑલટાઇમ હાઈ બનાવી સાડાછ ટકા કે ૧૬૮ની તેજીમાં ૨૭૭૫ બંધ આવી છે. ૨૦૨૬ની ૨ ફેબ્રુઆરીએ ભાવ ૭૧૦ નીચે વર્ષના તળિયે હતો.
કીરી ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકા ગગડી ૫૨૩ના બંધમાં ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ લૂઝર હતી. SRG હાઉસિંગ ફાઇનૅન્સમાં ૩૦૦-૪૦૦ કરોડના ભંડોળને આવરી લેતા બોગસ લોન અકાઉન્ટ હોવાના નૅશનલ હાઉસિંગ બૅન્કના નિષ્કર્ષના પગલે SRGનો શૅર ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૯૦ના તળિયે ગયો છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ૪ દિવસની નરમાઈ બાદ ઉપરમાં ૬૭૯ થઈ ૧૬ ગણા કામકાજે સાડાચાર ટકા વધી ૬૪૭ નજીક ગઈ છે. નોવાર્ટિસ ઇન્ડિયા ૩ દિવસમાં ૫૧ ટકા વધી ગયા પછી ગઈ કાલે ૨૫૮૮ની નવી ટૉપ બનાવી ૧૦.૮ ટકા કે ૨૩૭ની તેજીમાં ૨૫૨૪ બંધ આવી છે. ૨૧ જાન્યુઆરીના રોજ શૅર ૭૫૦ના વર્ષના તળિયે હતો.
ADVERTISEMENT
IPOના આશિકોને મૌજેમૌજ, આજે રોકાણ માટે કુલ ૧૭ ભરણાં મળશે
આજનો શુક્રવાર IPOના આશિકોને જબરી મૌજ કરાવવાનો છે. રોકાણ માટે એકાદ-બે નહીં, પૂરાં ૧૭ ભરણાંનો વિકલ્પ તેમને ઉપલબ્ધ થવાનો છે. કિસકો પ્યાર કરું, કિસ કિસકો પ્યાર કરું? ઍની વે, એ આશિકોનો પ્રૉબ્લેમ છે, તેઓ તેમની રીતે સૉલ્વ કરી લેશે. ચાલુ ભરણાં ઉપરાંત આજે, શુક્રવારે ૩ નવા ઇશ્યુ ખૂલશે. મેઇન બોર્ડમાં દીવની મણિકા પ્લાસ્ટેક બેના શૅરદીઠ ૪૩ની અપરબૅન્ડમાં ૩૩ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૨૫ કરોડનો ઇશ્યુ કરશે. ૧૯૯૬માં સ્થપાયેલી આ કંપની રીજિડ પૉલિમર પૅકેજિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૬ ટકા વધારામાં ૪૩૭ કરોડની આવક ઉપર ૧૬ ટકા વધારામાં ૨૨૪૦ લાખ નફો કર્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં જ ૧૬૩ કરોડ નજીકની આવક ઉપર ૧૩૦૭ લાખ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. દેવું ૯૨ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી આશરે ૫૫ કરોડ પ્લાન્ટ અને મશીનરી ખરીદવામાં તથા ૧૫ કરોડ દેવું ચૂકવવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટી ૧૭ થયા બાદ હાલ ૧૩ છે.
SME સેગમેન્ટમાં કલકત્તાની ઇન્જક્ટો પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબેન્ડમાં ૫૬ કરોડનો BSE SME IPO આજે લાવશે. QIB પોર્શન ત્રીસેક ટકા તથા રીટેલ પ્રોશન ૩૫ ટકા છે. આ કંપની વિવિધ પ્રકારની પ્લાસ્ટિક પૅકેજિંગ પ્રોડક્ટ્સ બનાવે છે તથા પ્લાસ્ટિક દાણા અને પીવીસી રેસિન્સમાં ટ્રેડિંગ કરે છે. ગત વર્ષે ૪૪ ટકા વધારામાં ૩૭૬ કરોડની આવક ઉપર ૯૭ ટકા વૃદ્ધિદરથી ૧૬૦૧ લાખ નફો બતાવ્યો છે. દેવું તગડા દરે વધતું રહી ૧૬૫ કરોડ વાટવી ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. બીજી કંપની બિહારના પટના ખાતેની સેન્ચ્યુરી બિઝનેસ મીડિયા ૧૦ના શૅરદીઠ ૭૪ની અપરબેન્ડમાં ૧૭ કરોડનો BSE SME ઇશ્યુ શુક્રવારે કરશે. ૧૯૯૯માં સ્થપાયેલી આ કંપની અૅરપોર્ટ ટર્મિનલ્સ, રેલવે-સ્ટેશન, મેટ્રો રેલવે ખાતે અૅડ્વર્ટાઇઝિંગ સ્પૅસ પૂરી પાડવાનો ધંધો કરે છે. ગત વર્ષે ૨૭ ટકા વધારામાં ૪૬૭૬ લાખની આવક ઉપર ૧૮ ટકા વધારામાં ૫૫૬ લાખ નફો કર્યો છે. દેવું વધી ૮ કરોડ થયું છે. પ્રીમિયમ અેમાં હજી શરૂ થયું નથી.
સેન્સેક્સ-નિફ્ટીના અડધો ડઝન શૅરમાં નવા નીચા ભાવ દેખાયા
HDFC બૅન્ક બુરાઈ જાળવી રાખતાં ૬૮૬ની ઑક્ટોબર ૨૦૨૦ પછીની નવી બૉટમ બનાવી એક ટકો વધી ૬૯૪ થઈ, વિપ્રો ૧૬૬ના ૬ વર્ષના તળિયે પહોંચી ૧૬૬ હતો. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૯૯૪ની દોઢ વર્ષની નીચી સપાટી નોંધાવી ૦.૪ ટકા ઘટી ૯૯૯ રહી છે. SBI લાઇફ ઇન્શ્યૉરન્સ ૧૬૭૪ની ૧૭ માસની નવી બૉટમ બનાવી એક ટકો સુધરી ૧૭૦૧ હતી. HDFC લાઇફ ૫૦૮ના સાડાત્રણ વર્ષના તળિયે જઈને બે ટકા બાઉન્સબૅક થઈ ૫૨૫ હતી. નિફ્ટી ખાતે હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૨૬નો ડિસેમ્બર ૨૦૧૯ પછીનો નીચો ભાવ દેખાડી નજીવો ઘટી ૧૯૪૨ બંધ આવી છે.
સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૧૫ શૅરમાં પાવર ગ્રિડ સવાબે ટકા, અૅક્સિસ બૅન્ક ૧.૭ ટકા, અલ્ટ્રાટેક ૧.૪ ટકા, NTPC તથા ટેક મહિન્દ્ર ૧.૧ ટકા અને ભારતી અૅરટેલ એક ટકો વધીને મોખરે હતા. નિફ્ટીમાં HDFC લાઇફ ૨.૪ ટકા, પાવર ગ્રિડ ૨.૨ ટકા, ONGC ૧.૪ ટકા, ભારતી અૅરટેલ ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર ૧.૨ ટકા વધી મોખરે હતી. HCL ટેક્નૉલૉજીઝ સેન્સેક્સમાં ૨.૪ ટકા ગગડી ૧૧૯૬ તથા નિફ્ટીમાં ૧.૯ ટકા ઘટી ૧૨૦૮ના બંધમાં ટૉપ લૂઝર બની છે. આ સિવાય સેન્સેક્સ ખાતે ઘટાડામાં તાતા સ્ટીલ ૧.૪ ટકા, ટ્રેન્ટ ૧.૧ ટકા, ITC ૦.૮ ટકા, અદાણી પોર્ટ્સ, મારુતિ સુઝુકી-ભારત ઇલેક્ટ્રિકલ્સ પોણો ટકાના ઘટાડે મુખ્ય હતી. નિફ્ટીમાં તાતા સ્ટીલ એક ટકો, હિન્દાલ્કો સવા ટકો, અદાણી એન્ટરપ્રાઇઝીસ ૦.૯ ટકા, મહિન્દ્ર ૦.૯ ટકા, તાતા મોટર્સ પેસેન્જર ૦.૮ ટકા, અપોલો હૉસ્પિટલ પોણો ટકો ઘટી છે. HDFC મલ્ટિયર તળિયે ગયા પછી એક ટકાના સુધારામાં ૬૯૪ બંધ આપી બજારને સર્વાધિક ૮૭ પૉઇન્ટ ફળી છે. અૅક્સિસ બૅન્કે ૪૯ પૉઇન્ટ અને ભારતી ઍરટેલે ૪૭ પૉઇન્ટ પ્રદાન કર્યા હતા. ICICI બૅન્ક ૦.૪ ટકા ઘટી ૧૩૮૪ના બંધમાં બજારને સૌથી વધુ ૩૭ પૉઇન્ટ નડી છે.
ક્રૂડ ૧૦૩ ડૉલરે જવા છતાં યુઝર ઇન્ડસ્ટ્રીઝ લગભગ બેઅસર
મુંબઈના મલાડ-વેસ્ટની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલનું લિસ્ટિંગ આજે થવાનું છે. ૧૦ના શૅરદીઠ ૧૨૭ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ વધીને ૮૦ ચાલે છે. NSEના મેગા ઇશ્યુની તારીખ જાહેર થઈ ગઇ છે. કંપની એક રૂપિયાનો એક એવા કુલ ૧૪૮૯ લાખ કરોડ શૅરનો ઇશ્યુ ૧૬મીએ લાવશે. પ્રાઇસ બેન્ડ આજે ડિકલેર્ડ થતાં ઇશ્યુની સાઇઝ ચોક્કસ ખબર પડશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નીચામાં ૨૧૮ થયા પછી હાલમાં ૨૨૭ મુકાય છે. ઇશ્યુની લાભાર્થી IFCI ગઈ કાલે ૪.૪ ટકા તૂટી ૮૫, ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ ૪ ટકા બગડી ૧૯૭, બૅન્ક ઑફ બરોડા ૧.૩ ટકા વધી ૨૩૮, સ્ટેટ બૅન્ક સામાન્ય સુધારે ૧૦૦૪ તથા જનરલ ઇન્શ્યૉરન્સ ૧.૭ ટકા ઘટીને ૩૪૪ બંધ થઈ છે.
તાજેતરમાં તગડા જમ્પ સાથે ઑલટાઇમ હાઈના ચાળે ચડેલી TBZ લિમિટેડ ગઈ કાલે પણ નરમાઈમાં પાંચ ટકા તૂટી ૪૯૭ રહી છે. અન્ય જ્વેલરી શૅરમાં રેનેસાં ગ્લોબલ ૭ ટકા, AJC જ્વેલ્સ પાંચ ટકા, RBZ જ્વેલરી ૨.૨ ટકા, સ્વર્ણ સરિતા બે ટકા, મનોજ જ્વેલર્સ ૬.૭ ટકા વધી હતી રાધિકા જ્વેલ્સ, ગાર્ગી PNGS, SRM જ્વેલ્સ, દીપા જ્વેલર્સ, એદ્વેત જ્વેલ્સ, મનોજ વૈભવ બેથી ૪ ટકા ડાઉન થઈ છે. કલ્યાણ જ્વેલર્સ સવા ટકો સુધરી છે. બેન્ટ ક્રૂડ ૧૦૩ ડૉલર જેવું બોલાતાં ઘરઆંગણે ONGC ૧.૪ ટકા, ઑઇલ ઇન્ડિયા સુધરી છે. ચેન્નઈ પેટ્રો ૧૬૬૦ના શિખરે જઈ દોઢ ટકો વધી ૧૬૨૬ તો MRPL ૧.૭ ટકા નરમ રહી છે. ઇન્ડિયન ઑઇલ ૧૩૫ના લેવલે ફ્લૅટ હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૧.૪ ટકા વધી છે. હેવી વેઇટ્સ રિલાયન્સ દોઢા કામકાજે નીચામાં ૧૨૬૭ થઈ અડધો ટકો ઘટી ૧૨૭૫ હતી. વેદાન્તા ઑઇલ સામાન્ય સુધારામાં હતી. એશિયન પેઇન્ટ્સ નજીવી ઘટીને ૨૪૮૦, ઇન્ડિગો ૪૯૬૯ના લેવલે યથાવત, બર્ગર પેઇન્ટ્સ ૧.૮ ટકા ઘટી ૪૬૩, સ્પાઇસ જેટ ૮.૮૫ના વર્સ્ટ લેવલે જઈ ૫.૩ ટકા ગગડી ૮.૮૯ બંધ આવી છે.
IPOને કેવો રિસ્પૉન્સ?
ચાલુ ભરણાંની વાત કરીએ તો મેઇન બોર્ડમાં વિગાલૅન્ડ ડેવલપર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૧૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૮૬ ટકા સહિત કુલ ૬૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૨૫ છે. SME સેગમેન્ટમાં પ્રથમ દિવસે રેકસન ટ્રાન્સફૉર્મર્સનો ૧૦ના શૅરદીઠ ૨૭૩ના ભાવનો ૧૫૦ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં ૧૩ ટકા સહિત કુલ ૩૬ ટકા, ઓમ ગૅલૅક્સીનો પાંચના શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૦૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪ ટકા સહિત કુલ ૬૨ ટકા, મહારાજા ઍન્ડ સ્પીડેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૬ના ભાવનો ૮૦ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં ૨૦ ટકા સહિત કુલ ૨૮ ટકા જેવો તો પંચત્વ ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૪૫૮ લાખનો ઇશ્યુ રીટેલમાં બે ટકા સહિત કુલ એક ટકો જ ભરાયો છે. હાલમાં રેકસનમાં ૨૮નું, પંચત્વમાં ઝીરો, ઓમ ગૅલૅક્સીમાં ઝીરો અને મહારાજામાં ૩૦નું પ્રીમિયમ બોલાય છે.
બુધવારે એકસાથે જે ૯ IPO ખુલ્યાં હતાં અેમાં બીજા દિવસના અંતે મેઇન બોર્ડ ખાતે રેન્ટોમોજોનો એકના શૅરદીઠ ૪૦૪ના ભાવનો ૧૨૫૬ કરોડનો IPO કુલ સાડાચાર ગણો, આર્સિલ કે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો ૭૩૩ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ૮૫ ટકા, મનીપાલ પેમેન્ટનો બેના શૅરદીઠ ૩૩૯ના ભાવનો ૮૦૫ કરોડનું ભરણું કુલ ૩૦ ટકા, સ્ટીમહાઉસ ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૮૧ના ભાવનો ૪૧૪ કરોડનો ઇશ્યુ કુલ સવાબે ગણો, LCC પ્રોજેક્ટ્સનો પાંચના શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૪૨૭ કરોડનો ઇશ્યુ કુલ પોણાચાર ગણો તેમ જ કરમતારા એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૫૪ના ભાવનો ૮૭૪ કરોડનો IPO કુલ સાડાત્રણ ગણો ભરાઈ ચૂક્યો છે. અત્યારે ગ્રેમાર્કેટ ખાતે સ્ટીમહાઉસમાં ૨૧નું, કરમતારામાં ૬૭નું, LCCમાં ૪૮નું, મનીપાલમાં ૮નું, આર્સિલમાં ૧૪નું અને રેન્ટોમોજોમાં ૧૪૧ પ્રીમિયમ ચાલે છે. SME સેગમેન્ટમાં બીજા દિવસના અંતે એમટેક એસ્ટર્સનો શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૮ કરોડનો ઇશ્યુ કુલ ૨.૮ ગણો, વિનોદ ટેક્સ વર્લ્ડનો શૅરદીઠ ૯૪ના ભાવનો ૪૩ કરોડનો ઇશ્યુ કુલ ૫૭ ટકા તથા ઇનફ્રેક્સ રિન્યુએબલનો ૧૦૪ના ભાવનો ૪૧ કરોડનો ઇશ્યુ કુલ ૨૧ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં એમટેકમાં ૧૧નું, વિનોદમાં ૨૦નું અને ઇનફ્રેક્સમાં ઝીરો પ્રીમિયમ છે. આ તમામ ૯ ઇશ્યુ આજે શુક્રવારે બંધ થશે.
ગઈ કાલે મેઇન બોર્ડમાં ૩ IPO પૂરાં થયાં છે. કાનોહર ઇલેક્ટ્રિકલ્સનો બેના શૅરદીઠ ૬૩૨ના ભાવનો ૧૦૫૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૧ ગણા સહિત કુલ ૯૧ ગણો, પ્રસોલ કેમિકલ્સનો બેના શૅરદીઠ ૬૭૬ના ભાવનો ૫૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ ૩.૫ ગણો તેમ જ ગ્લાસવૉલ સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૮૨ના ભાવનો ૪૨૮ કરોડનો IPO રીટેલમાં ૩૩ ગણા સહિત કુલ ૮૨ ગણો છલકાઈ પૂરો થયો છે. હાલ કાનોહરમાં ૨૨૫, પ્રસોલમાં ઝીરો તો ગ્લાસવૉલમાં ૫૨ પ્રીમિયમ બોલાય છે.
