મધ્ય પ્રદેશના ખંડવામાં ૧૯૮૬ના છેડતી કેસમાં ૬૪ વર્ષના અશોક કુમારની ૪૦ વર્ષ બાદ ધરપકડ થઈ છે. જામીન બાદ તે ફરાર થઈ ગયો હતો અને વર્ષો સુધી બસ-સ્ટૅન્ડ પાસે શેરડીનો રસ વેચતો હતો. પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લીધો.
છેડતી કેસમાં ૬૪ વર્ષના અશોક કુમારની ૪૦ વર્ષ બાદ ધરપકડ
કાયદાના હાથ ખરેખર બહુ લાંબા હોય છે અને ગુનો ક્યારેય ભૂંસાતો નથી આ વાત સાબિત કરતો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ખંડવામાંથી ૪૦ વર્ષ જૂના છેડતીના કેસમાં ૬૪ વર્ષના એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૧૯૮૬માં ૨૪ વર્ષની ઉંમરે અશોક કુમાર નામના યુવાન સામે એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. એ સમયે પોલીસ તેને પકડીને કોર્ટમાં રજૂ કરી ચૂકી હતી, પરંતુ જામીન મળ્યા બાદ તે હંમેશ માટે ફરાર થઈ ગયો હતો.
ચાર દાયકાનો સમય વીતી ગયા બાદ તેનો ચહેરો અને શારીરિક દેખાવ સાવ બદલાઈ ચૂક્યો હતો. હાલમાં તે બસ-સ્ટૅન્ડ પાસે શેરડીના રસનો ચીચોડો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. સચોટ બાતમીના આધારે પોલીસે આખરે તેને ઝડપી લીધો હતો.
આ કેસની સૌથી મોટી કરુણતા એ છે કે જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે આ વૃદ્ધે સ્મૃતિભ્રંશના કારણે કહ્યું કે તેને આવો કોઈ જ જૂનો કેસ યાદ નથી. યુવાનીના નશામાં કઈ યુવતીની છેડતી કરી હતી એ પણ તેના સ્મરણમાં નથી. ઉંમરના પડાવને કારણે તે ભલે પોતાનો ગુનો ભૂલી ગયો હોય પરંતુ કાયદાએ એનો જૂનો હિસાબ બરાબર ચૂકતે કર્યો છે અને હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
