Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીએ ફરી એક વાર ૨૫૦૦૦નું, સેન્સેક્સે ૮૧૫૦૦નું લેવલ ગુમાવ્યું

નિફ્ટીએ ફરી એક વાર ૨૫૦૦૦નું, સેન્સેક્સે ૮૧૫૦૦નું લેવલ ગુમાવ્યું

Published : 26 July, 2025 08:26 AM | IST | Mumbai
Anil Patel

ઑલરાઉન્ડ ખરાબીમાં સેન્સેક્સ ૭૨૧ પૉઇન્ટ ડૂલ, રોકાણકારોના ૬.૪૨ લાખ કરોડ રૂપિયા સાફઃ EDના દરોડામાં અનિલ ગ્રુપના શૅરમાં વધુ એક મંદીની સર્કિટ લાગી

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઑલરાઉન્ડ ખરાબીમાં સેન્સેક્સ ૭૨૧ પૉઇન્ટ ડૂલ, રોકાણકારોના ૬.૪૨ લાખ કરોડ રૂપિયા સાફઃ EDના દરોડામાં અનિલ ગ્રુપના શૅરમાં વધુ એક મંદીની સર્કિટ લાગી : એક્સ-બોનસમાં શાઇન ફૅશન્સ તેજીની સર્કિટમાં, કેલ્ટન ટેક એક્સ-સ્પ્લિટ થતાં ૧૭ ટકા ઊછળ્યો : ઇશ્યુ પૂરો થતાં ઇન્ડિક્યુબમાં પ્રીમિયમ ગગડ્યું, GNG ઇલેક્ટ્રિકમાં ૧૦૦ના રેટ : રિલાયન્સ ખરાબીમાં ૧૪૦૦ની અંદર, ગ્રુપના તમામ શૅર ડાઉન : બજાજ ફાઇનૅન્શિયલની ખરાબી રોકાણકારોને ૨૧૧૮૨ કરોડ રૂપિયામાં પડી


જ્યાં સુધી ટ્રમ્પના ઉધામા ચાલુ રહેશે ત્યાં સુધી બજારને કોઈ નવું ટકાઉ ટ્રિગર મળવાનું નથી અને ટ્રમ્પ જ્યાં સુધી અમેરિકાના પ્રમુખપદે છે ત્યાં સુધી તેમના ઉધામા અટકવાના નથી. ટ્રમ્પના વિજય માટે અહીં હોમહવન કરનારી જમાતે હવે ટ્રમ્પના ઉત્પાતના શમન માટે મોટા પાયે કશુંક કરવાની જરૂર છે એમ તમને નથી લાગતું? ઍનીવે, બજાર એનો મૂંઝારો વધતાં શુક્રવારે વધુ મૂરઝાયું છે. સેન્સેક્સ ૭૨૧ પૉઇન્ટ ગગડીને ૮૧૪૬૩ તથા નિફ્ટી ૨૨૫ પૉઇન્ટ બગડીને ૨૪૮૩૭ બંધ થયો છે. બજારની ખરાબી વ્યાપક હોવાથી માર્કેટકૅપ ગઈ કાલે ૬.૪૨ લાખ કરોડ ખરડાઈને ૪૫૧.૬૮ લાખ કરોડની અંદર આવી ગયું છે. આરંભથી અંત સુધી રેડ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક ઉપરમાં ખૂલતાંની સાથે ૮૨૦૬૯ થયો હતો જે ધોવાતો રહીને નીચામાં ૮૧૩૯૭ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીની ૦.૯૦ ટકાની નબળાઈ સામે ગઈ કાલે બ્રૉડર માર્કેટ સવા ટકો, મિડકૅપ દોઢ ટકો અને સ્મૉલકૅપ બે ટકા નજીક સાફ થયું છે. હેલ્થકૅર ઇન્ડેક્સ નહીંવત્ તથા નિફ્ટી ફાર્મા અડધો ટકો પ્લસ હતો. બાકી બધું લાલ થયું છે. નિફ્ટી મીડિયા અઢી ટકા, નિફ્ટી ડિફેન્સ બે ટકા, પાવર અને યુટિલિટીઝ ૨.૪ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક બે ટકાથી વધુ, મેટલ ૧.૬ ટકા, આઇટી ૧.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૮ ટકા, એનર્જી ઇન્ડેક્સ પોણાબે ટકાથી વધુ, ઑટો બેન્ચમાર્ક ૧.૩ ટકા, PSU બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા ધોવાયા છે. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે ૫૯૧ શૅર વધ્યા હતા સામે ૪ ગણા, ૨૩૫૧ શૅર બગડ્યા છે. FII એકધારી વેચવાલ છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૯૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૩૧ પૉઇન્ટ ડાઉન થયો છે.



મેઇન બોર્ડ ખાતે સતત ખોટ કરતી ઇન્ડિક્યુબનો એકના શૅરદીઠ ૨૩૭ના ભાવનો ૭૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૧૩ ગણા પ્રતિસાદમાં તથા GNG ઇલેક્ટ્રોનિક્સનો બેના શૅરદીઠ ૨૩૭ના ભાવનો ૪૬૦ કરોડનો IPO કુલ ૧૫૦ ગણા રિસ્પૉન્સમાં ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં હાલ GNGનું પ્રીમિયમ ૧૦૦ રૂપિયા છે, પરંતુ ઇન્ડિક્યુબનાં પ્રીમિયમ તૂટીને પાંચ રૂપિયે આવી ગયાં છે. EDના દરોડા તથા રિલાયન્સ ઇન્ફ્રામાં વધુ ૫-૫ ટકાની મંદીની સર્કિટ લાગી છે. પૂનાવાલા ફિનકૉર્પનો નફો ૭૮ ટકા ગગડી ૬૩ કરોડ રૂપિયા થયો છે. શૅર સવાચાર ટકા બગડી ૪૧૩ બંધ હતો. બૅન્ક નિફ્ટી એક ટકા નજીક કે ૫૩૭ પૉઇન્ટ ઘટ્યો છે, પરંતુ એના બારેબાર શૅર માઇનસ હતા. વાત આટલે જ નથી અટકી, બૅન્કિંગના ૪૧માંથી ૪૦ શૅર ગઈ કાલે ડાઉન થયા છે. એકમાત્ર CSB બૅન્ક અડધો ટકો પ્લસ હતી. ૨૧ જેટલા બૅન્કશૅર બે ટકાથી માંડીને પાંચ ટકા સુધી ડૂલ થયા છે.


મુલુંડની શાઇન ફૅશન્સ એક શૅરદીઠ સાત બોનસ શૅરમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૦.૨૫ બંધ થઈ છે. RIR પાવર ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પોણાબે ટકા વધી ૨૯૩ તો કેલ્ટન ટેક સૉલ્યુશન્સ પાંચના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૧૬.૯ ટકા ઊછળી ૩૨ ઉપર બંધ આવી છે. BSE લિમિટેડ ગઈ કાલે પોણાચાર ટકા ગગડી ૨૪૫૪ હતી. MCX અઢી ટકા કે ૨૦૨ રૂપિયા ખરડાઈ ૮૦૩૮ હતી.

નફામાંથી ખોટમાં આવતાં ચેન્નઈ પેટ્રોમાં ધબડકો


ઇન્ટલેક્ટ ડિઝાઇનનો નેટ નફો ૨૭ ટકા વધી ૯૪ કરોડને વટાવી ગયો છે. આવક પોણાસોળ ટકા વધી ૭૦૧ કરોડ પ્લસ રહી છે. માર્જિન અડધા ટકા જેવું સુધર્યું છે છતાં શૅર સાડાચાર ગણા કામકાજે ૯.૪ ટકા કે ૧૦૭ રૂપિયા ગગડી ૧૦૩૫ના બંધમાં આઇટી ઇન્ડેક્સ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. કોફોર્જ તથા સિગ્નિટી ટેક આગલા દિવસની ખુવારી બાદ ગઈ કાલે પોણા ટકા જેવા સુધર્યા હતા. ઓરેકલ, તાન્લા, લેટન્ટ વ્યુ, સોનાટા સૉફ્ટવેર, ઇન્ફોબીન્સ, ઝગલ ચારથી સાડાપાંચ ટકા ખરડાઈ હતી.

ચેન્નઈ પેટ્રોલિયમ પરિણામ બાદ ઉપરમાં ૭૬૦ અને નીચામાં ૬૭૫ બતાવી પોણાદસ ટકા નજીકના કડાકામાં ૬૮૭ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. કંપનીએ માર્ચ ક્વૉર્ટરના ૪૬૯ કરોડના નફા સામે જૂન ક્વૉર્ટરમાં ૮૦ કરોડની ચોખ્ખી ખોટ કરી છે એની પાછળ MRPL ૭ ટકા ગગડી ૧૪૧ નીચે ગઈ  છે. APL અપોલો ટ્યુબ્સે આવકમાં ૧૫ ટકાના વધારા સામે ૭ ટકાના વધારામાં ૨૦૩ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ માર્ચ ક્વૉર્ટરના મુકાબલે આવક-નફો ઘટ્યાં છે. એમાં શૅર આઠ ગણા કામકાજે પોણાનવ ટકા કે ૧૪૭ રૂપિયા લથડી ૧૫૪૧ બંધ રહ્યો છે. પૈસાલો ડિજિટલ આઠ ટકા તથા અવાન્ટેલ પોણાઆઠ ટકા ધોવાઈ હતી.

સર્દા ક્રૉપકેમ ૪૨૪ ટકા ઊછળી ૧૪૩ કરોડ નજીક આવતાં શૅર ૨૭ ગણા વૉલ્યુમે ૧૦૯૦ની નવી ટૉપ બતાવી ૧૯.૮ ટકા કે ૧૮૦ની તેજીમાં ૧૦૮૮ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતો. ૭ એપ્રિલે ભાવ ૪૪૦ના તળિયે ગયો હતો. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આગલા દિવસના ૩૦ ટકા જેવા અભૂતપૂર્વ કડાકા બાદ ગઈ કાલે ૩૧ ગણા કામકાજે ઉપરમાં ૧૪૯ વટાવી સાડાનવ ટકાના બાઉન્સ બૅકમાં ૧૪૫ થઈ છે. સોલરા ઍક્ટિવ ફાર્મા ૫.૭ ટકા, ફિનિક્સ મિલ્સ પાંચ ટકા તથા હોમ ફર્સ્ટ ૪.૧ ટકા મજબૂત હતી. રોકડામાં ખાતર કંપની ફૉસ્ફેટ કંપની જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૨ બંધ રહી છે. કેલ્ટન ટેક સૉલ્યુશન્સ એક્સ-સ્પ્લિટ થતાં ૧૭ ટકા જેવા તગડા જમ્પમાં ૩૨.૨૫ જોવા મળી છે. વિમતા લૅબ્સ ૫૯૯ની નવી ટૉપ હાંસલ કરી ૨૮ ગણા કામકાજે સાડા ૧૫ ટકા ઊછળી ૫૮૫ થઈ છે. તત્ત્વચિંતન પરિણામ પાછળ ૧૨૨૦ની વર્ષની ટોચે જઈ ૧૩ ટકા કે ૧૩૦ની તેજીમાં ૧૧૪૭ દેખાઈ છે. રિયલ્ટી કંપની બી-રાઇટ રિયલ એસ્ટેટ ૧૩ ગણા કામકાજે ૨૦ ટકા લથડી ૨૫૨ થઈ ૧૭.૮ ટકાના ધબડકામાં ૨૫૯ નજીક બંધ હતી.

ઍસેટ્સ ક્વૉલિટી કથળતાં બજાજ ફાઇનૅન્સમાં બે વર્ષની મોટી ખરાબી

બજારની ઑલરાઉન્ડ ખરાબીમાં ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી એકમાત્ર સનફાર્મા અડધો ટકો સુધરીને ૧૭૦૧ બંધ થયો છે. એનાં પરિણામ ૩૧મીએ છે. નિફ્ટી ખાતે ૫૦માંથી ૭ શૅર પ્લસ હતા. સિપ્લાએ જૂન ક્વૉર્ટરમાં ૪ ટકાના વધારામાં ૬૯૫૭ કરોડની આવક પર સવાદસના વૃદ્ધિ દરથી ૧૨૯૭ કરોડ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૧૪૬૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૫૫૪ નજીક જઈ ત્રણ ટકા વધી ૧૫૩૨નો બંધ આપી ટૉપ ગેઇનર બન્યો છે. SBI લાઇફ બે ટકાથી વધુ, અપોલો હૉસ્પિટલ દોઢ ટકા નજીક, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો, HDFC લાઇફ ૦.૭ ટકા પ્લસ હતા. ભારતી ઍરટેલ સેન્સેક્સમાં એક રૂપિયો સુધર્યો હતો, પણ નિફ્ટી ખાતે પોણાબે રૂપિયા વધીને બંધ થયો છે.

બજાજ ફાઇનૅન્સે ૨૨ ટકાના વધારામાં ૪૭૬૫ કરોડનો નેટ નફો કર્યો છે, પરંતુ કંપનીની ઍસેટ્સ ક્વૉલિટી બગડી છે. NPA સહેજ વધી છે. લોન લૉસ તથા પ્રોવિઝનિંગમાં ૨૬ ટકા વૃદ્ધિ થઈ છે. સરવાળે શૅર બે વર્ષના મોટા કડાકામાં નીચામાં ૮૯૭ થઈ પોણાપાંચ ટકા તૂટી ૯૧૪ નીચે બંધ થઈ બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. બજાજ ફાઇનૅન્સની ખરાબી બજારને ૧૦૧ પૉઇન્ટ તથા રોકાણકારોને ૨૧૧૮૨ કરોડ રૂપિયામાં પડી છે. બજાજ ફિનસર્વ સવાબે ટકા ઘટી ૧૯૮૫ હતી. બજાજ હાઉસિંગ પણ સવાબે ટકા નજીક નરમ થઈ છે.

ઇન્ફોસિસ અઢી ટકા જેવો ખરડાઈ ૧૫૧૫ના બંધમાં સેન્સેક્સને સૌથી વધુ ૧૧૫ પૉઇન્ટ નડ્યો છે. અન્ય આઇટી હેવીવેઇટ્સમાં TCS અડધો ટકો, ટેક મહિન્દ્ર ૨.૪ ટકા, વિપ્રો એક ટકા, લાટિમ બે ટકા તથા HCL ટેક્નો એક ટકો કપાયો છે. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૫૦ શૅરની નબળાઈમાં વધુ ૧.૭ ટકા સાફ થયો છે. ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકો તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સવા ટકા નજીક કપાયો હતો.

સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટેલા અન્ય શૅરમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, બજાજ ઑટો અઢી ટકા, પાવરગ્રિડ અઢી ટકાથી વધુ, ટ્રેન્ટ સવાબે ટકા, તાતા મોટર્સ બે ટકા નજીક, NTPC ૧.૭ ટકા, અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ તથા મારુતિ સુઝુકી સવા ટકા આસપાસ, સ્ટેટ બૅન્ક ૧.૨ ટકા, લાર્સન એક ટકો, અદાણી એન્ટર સવાબે ટકા, નેસ્લે બે ટકા, ONGC ૧.૯ ટકા, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા, હીરો મોટોકૉર્પ ૧.૭ ટકા, કોલ ઇન્ડિયા સવા ટકો, ગ્રાસિમ એક ટકો મુખ્ય હતા. રિલાયન્સ નીચામાં ૧૩૮૪ બતાવી પોણા ટકાની નરમાઈમાં ૧૩૯૨ બંધ આપી બજારને ૬૧ પૉઇન્ટ ભારે પડી છે. જિયો ફાઇનૅન્સ દોઢ ટકાથી વધુ ડૂલ થઈ ૩૧૧ હતો. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોણાત્રણ ટકા, નેટવર્ક૧૮ સાડાત્રણ ટકા, જસ્ટ ડાયલ સવા ટકો, ડૅન નેટવર્ક બે ટકા, હેથવે કેબલ અઢી ટકા, સ્ટર્લિંગ ઍન્ડ વિલ્સન ૩.૪ ટકા, આલોક ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા ગગડી હતી.

આગામી સપ્તાહે મેઇન બોર્ડમાં સહિત કુલ ૧૫ ભરણાં આવશે

શુક્રવારે કુલ ૪ ભરણાં ખૂલ્યાં છે. મેઇન બોર્ડમાં શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલનો ૧૦ના શૅરદીઠ ૧૯૯ના ભાવનો ૩૬૦ કરોડનો IPO પ્રથમ દિવસે ૧.૨ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૩૭ છે. SME સેગમેન્ટમાં મહારાષ્ટ્રના કરાડની શ્રી રેફ્રિજરેશન્સનો એકના શૅરદીઠ ૧૨૫ના ભાવનો ૧૧૭ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૨.૧ ગણો, સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૮૩ના ભાવનો ૩૦૨૮ લાખનો NSE SME ઇશ્યુ ૧.૩ ગણો તથા અમદાવાદી પટેલ કેમ સ્પેશ્યલિટીઝનો ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવનો ૫૮૮૦ લાખ રૂપિયાનો BSE SME IPO ૨.૪ ગણો ભરાયો છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે શ્રી રેફ્રિજરેશન્સમાં ૯૦ રૂપિયા, પટેલ કેમ સ્પેમાં ૪૦ રૂપિયા તથા સેલોરેપમાં ૧૮ રૂપિયાનાં પ્રીમિયમ બોલાય છે.

બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસની ૯૫ ટકા માલિકીની બ્રિગેડ હોટેલનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૭૫૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ ૬ ચાલે છે. જાલંઘરની TSC ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૫૮૯ લાખ રૂપિયાનો SME IPO ગઈ કાલે કુલ ૭૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૧૨નું પ્રીમિયમ શરૂ થયા બાદ ટકેલું છે. સાવી ઇન્ફ્રા તથા સ્વસ્તિકા કાસ્ટલનું લિસ્ટિંગ સોમવારે થશે. અત્યારે સાવીમાં ૨૬નું પ્રીમિયમ બોલાય છે.

દરમ્યાન હાલની તારીખે આગામી સપ્તાહે મેઇન બોર્ડમાં ૬ તથા SME સેગમેન્ટમાં ૯ મળી કુલ ૧૫ મૂડીભરણાં ખૂલવાનું નક્કી છે. સોમવારે SME સેગમેન્ટમાં રાજકોટની ઉમિયા મોબાઇલ ૧૦ના શૅરદીઠ ૬૬ની અપર બૅન્ડમાં ૨૪૮૮ લાખનો, વાશીની વેરહાઉસિંગ કંપની રેપોનો લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૯૬ની અપર બૅન્ડમાં ૨૬૬૮ લાખનો ઇશ્યુ કરવાની છે. રેપોનોમાં ૧૨થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહીને હાલ ૨૧ થયું છે. કંપનીએ ગયા વર્ષે ૫૧૫૯ લાખની આવક પર ૫૧૫ લાખ નેટ નફો બતાવ્યો છે. દેવું ૬૧૩ લાખ છે. ૨૦૨૨-’૨૩માં ૩૩૩ કરોડની આવક પર માંડ ૧૮ લાખ નફો કરનારી ઉમિયા મોબાઇલે ગયા વર્ષે ૬૦૧ કરોડની આવક પર ૫૬૬ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. દેવું ૨૩૬૦ લાખ છે. કંપનીનો દાવો છે કે એની ૨૦૦થી વધુ બ્રાન્ચ છે, પણ કર્મચારીની કુલ સંખ્યા ૧૨૭ જ છે. માર્કેટમેકર રિખવ સિક્યૉરિટી છે, જેનો ખુદનો શૅર ૬૧ ટકા નીચે ચાલે છે.

મંગળવારે પંજાબના અમ્રિતસરની કીટેક્સ ફૅબ્રિક્સ શૅરદીઠ ૧૮૦ના ભાવે ૬૯૮૧ લાખનો SME IPO કરશે. એ ઉપરાંત મેઇન બોર્ડમાં જયપુરની લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ પાંચ ટકા શૅરદીઠ ૧૫૮ની અપર બૅન્ડમાં ૨૫૪ કરોડનો તથા નવી દિલ્હીની આદિત્ય ઇન્ફોટેક એકના શૅરદીઠ ૬૭૫ની મારફાડ પ્રાઇસ સાથે કુલ ૧૩૦૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. હાલ કીટેક્સમાં ૨૫ રૂપિયા, લક્ષ્મી ઇન્ડિયામાં ૧૮ રૂપિયા તથા આદિત્યમાં ૨૨૫નું પ્રીમિયમ સંભળાય છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2025 08:26 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK