મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મો પ્રદર્શિત કરવા માટે જો સરકારને યાચના કરવી પડે તો એ કમનસીબી છે એમ જણાવીને MNSવાળા ફિલ્મનિર્માતાની ચેતવણી
અમેય ખોપકર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ફિલ્મનિર્માતા અમેય ખોપકરની મરાઠી ફિલ્મ ‘યે રે યે રે પૈસા–૩’ને પ્રદર્શિત કરવા માટે મલ્ટિપ્લેક્સે ના પાડીને એની જગ્યાએ ‘સૈયારા’ને પ્રદર્શિત કરતાં અમેય ખોપકર ભડક્યા છે. મરાઠી ફિલ્મોને થિયેટર નથી મળી રહ્યાં એનું તેમને દુ:ખ છે એવું તેમણે જણાવ્યું હતું. આ માટે હવે મલ્ટિપ્લેક્સ સામે આંદોલન કરવામાં આવશે. આ મુદ્દે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા સંજય રાઉતે પણ તેમને સપોર્ટ જાહેર કર્યો છે. અમેય ખોપકરે આ બાબતે કહ્યું હતું કે ‘મને એક વાતની ખબર છે કે આ મારા પરનો ગુસ્સો છે. આ ગુસ્સો આ મલ્ટિપ્લેક્સવાળાઓએ હવે કાઢ્યો છે. હું એક વાત કહું છું કે હું હમણાં શાંત બેઠો છું, હું આંદોલન નથી કરી રહ્યો. મારે જ મારી ફિલ્મ માટે આંદોલન કરવું પડે એ મને જચતું નથી, મારા મનને જચતું નથી. જોકે હવે પછી બીજી મરાઠી ફિલ્મોને ત્રાસ થશે ત્યારે હું મલ્ટિપ્લેક્સવાળાના કાચ ફોડી નાખીશ. મને માફ કરજો પણ જો મરાઠી નિર્માતાઓને મરાઠી ફિલ્મ મહારાષ્ટ્રમાં પ્રદર્શિત કરવા સરકારના દરબારમાં જઈને યાચના કરવી પડે તો એના જેવી બીજી કમનસીબી બીજી કોઈ ન હોઈ શકે.’
હું એક વાત કહું છું કે હું હમણાં શાંત બેઠો છું, હું આંદોલન નથી કરી રહ્યો. મારે જ મારી ફિલ્મ માટે આંદોલન કરવું પડે એ મને જચતું નથી, મારા મનને જચતું નથી - અમેય ખોપકર

