આઝાદ મેદાનની નજીક આવેલી ફૅશન સ્ટ્રીટની નવી ડિઝાઇન બાબતે વેપારીઓ અને BMC વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે ત્યારે ૩૭ વર્ષ પહેલાં ૧૧૨ ફેરિયાઓને અહીં સ્થળાંતરિત કરીને શરૂ થયેલી આ આઇકૉનિક ફૅશન-માર્કેટ વિશે જાણીએ
તસવીર: શાદાબ ખાન
ફૅશન સ્ટ્રીટ શૉપિંગલવર્સ માટે અને એમાં પણ ખાસ યંગસ્ટર્સમાં ખૂબ ફેમસ છે. એ ફક્ત એક માર્કેટ રહી નથી, પણ યુથ કલ્ચરનો એક હિસ્સો બની ગઈ છે. ખાસ કરીને મુંબઈના કૉલેજ સ્ટુડન્ટ્સ અને ફૅશન-ટ્રેન્ડને ફૉલો કરતા લોકો માટે. અહીં મોટા ભાગે યંગસ્ટર્સને આકર્ષે એવા લેટેસ્ટ ફૅશનનાં ટીશર્ટ, શર્ટ, જીન્સ, પૅન્ટ, કો-ઑર્ડ સેટ, ગાઉન, જૅકેટ, સ્નીકર્સ, સૅન્ડલ, હૅન્ડબૅગ જે જોઈએ એ બધું જ સસ્તામાં મળી રહે છે. ફૅશન સ્ટ્રીટનું લોકેશન પણ એવું છે કે સેન્ટ્રલ લાઇનના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને વેસ્ટર્ન લાઇનના ચર્ચગેટ બન્ને સ્ટેશનથી એ નજીક છે. ઉપરથી કે. સી. કૉલેજ, એચ. આર. કૉલેજ, જય હિન્દ કૉલેજ, સિડનહૅમ કૉલેજ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજથી નજીક પડે એટલે ખિસ્સાને પરવડે એવા ભાવમાં ટ્રેન્ડી કપડાંની શૉપિંગ કરવા માટે યુવાનો ફૅશન સ્ટ્રીટ તરફ વળે છે. ફૅશન સ્ટ્રીટમાં બધી જ દુકાનો લાઇનસર અને રોડ-ફેસિંગ છે એટલે ગ્રાહકો રસ્તા પર ચાલતાં-ચાલતાં આરામથી જોઈ શકે કે કઈ દુકાનમાં શું મળે છે અને જે આઇટમ જોઈતી હોય ડાયરેક્ટ એ દુકાનમાં જઈ શકાય. સામાન્ય રીતે બીજી માર્કેટ્સમાં ફુટપાથ બહુ સાંકડી હોય, બે-ત્રણ લેયરમાં શૉપ્સ હોય એટલે ગિરદી બહુ નડે. એની સરખામણીમાં ફૅશન સ્ટ્રીટ થોડી ઑર્ગેનાઇઝ્ડ છે.
ફૅશન સ્ટ્રીટનું અસ્તિત્વ
ADVERTISEMENT
ફૅશન સ્ટ્રીટ કઈ રીતે બની એ વિશે માહિતી આપતાં ફૅશન માર્કેટ લાઇસન્સ ઓનર્સ વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ જણાવે છે, ‘વાત જાણે એમ છે કે ૧૯૮૮માં મુંબઈ હાઈ કોર્ટે એક ચુકાદા હેઠળ ૧૧૨ ફેરિયાઓને આઝાદ મેદાન પાસે એમ. જી. રોડ પર શિફ્ટ કરવાનો ઑર્ડર આપ્યો હતો. ૧૯૮૦ના દાયકામાં ચર્ચગેટ, કોલાબા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની આસપાસના વિસ્તારમાં ફેરિયાઓની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. એ ફેરિયાઓ ગેરકાયદે રીતે ફુટપાથ રોકીને ધંધો કરતા હતા. એને કારણે રાહદારીઓને ચાલવામાં સમસ્યા થતી હતી, ટ્રાફિકની સમસ્યા વધતી હતી. ઉપરથી ઇમર્જન્સીમાં ફાયરબ્રિગેડની ગાડીઓ, ઍમ્બ્યુલન્સ વગેરેને પસાર થવામાં સમસ્યા થતી હતી, આ બધી સમસ્યાને ધ્યાનમાં લઈને હાઈ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) ફાઇલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રસ્તાઓને ફેરિયામુક્ત કરવામાં BMC નિષ્ફળ થઈ રહ્યું છે. એ સમયે મુંબઈ હાઈ કોર્ટે પાલિકાને નિર્દેશ આપ્યો હતો કે રસ્તા પર અતિક્રમણ કરનારા ફેરિયાઓને એક ડેઝિગ્નેટેડ એરિયા આપવામાં આવે જ્યાં તેઓ લીગલ અને ઑર્ગેનાઇઝ્ડ રીતે કામ કરી શકે. આ નિર્ણય એક બૅલૅન્સિંગ અપ્રોચ હતો જેથી પબ્લિક ફુટપાથને ફેરિયાઓથી ફ્રી રાખી શકાય અને ફેરિયાઓની રોજીરોટીનું પણ ધ્યાન રાખી શકાય. ફેરિયાઓને એમ. જી. રોડ પર ખસેડવાનું કારણ એ હતું કે એ હિસ્સાની ફુટપાથ કચરાથી ભરાયેલી રહેતી, સફાઈ થતી નહોતી. આ જગ્યા ડમ્પિંગ ઝોન બની ગઈ હતી. રાત્રે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયેલી. લોકો પણ એને ઉપયોગમાં લેતા નહોતા. એટલે જ્યારે હાઈ કોર્ટે ફેરિયાઓને રીલોકેટ કરવાનો ઑર્ડર દીધો ત્યારે પાલિકાએ એમ. જી. રોડનો સ્ટ્રેચ સજેસ્ટ કર્યો. એ પછી આ જગ્યાને સાફ કરીને સ્ટૉલ્સ ઊભા કરવામાં આવ્યા. સમય સાથે અહીં સ્ટૉલ્સની સંખ્યા વધતી ગઈ. આજની તારીખે અહીં ૩૯૭ સ્ટૉલ છે, જેમાં કાયદેસર અને ગેરકાયદેસર બન્નેનો સમાવેશ છે. એમ. જી. રોડ પર ફેરિયાઓએ સસ્તા દરે ફૅશનેબલ કપડાં વેચવાનું શરૂ કર્યું એટલે લોકોની અવરજવર વધી. આ જગ્યા લોકોમાં એટલી લોકપ્રિય બની કે એ ફૅશન સ્ટ્રીટ નામે ઓળખાવા લાગી.’
તસવીર : કીર્તિ સુર્વે પરાડે
વર્તમાન સ્થિતિ
સામાન્ય રીતે ફૅશન સ્ટ્રીટના વેન્ડર્સ દાદર, સાયન, વડાલા, બાંદરા, ઉલ્હાસનગરની હોલસેલ માર્કેટમાંથી સામાન લાવે છે. અહીં તેઓ એચ ઍન્ડ એમ, ઝારાના આઉટફિટથી લઈને ગુચી, લુઈ વિત્તોંની બૅગ કે પછી નાઇકી, પ્યુમાનાં શૂઝ બધી જ બ્રૅન્ડેડ વસ્તુઓને ફર્સ્ટ કૉપીના નામે વેચે છે. જોકે શરૂઆતના સમયગાળામાં તો મુંબઈની કપડાંની મિલ્સમાંથી નીકળેલો સ્લાઇટ્લી ડિફેક્ટિવ અને એક્સપોર્ટ હાઉસમાંથી રિજેક્ટ થયેલો સામાન અહીં લાવીને વેચવામાં આવતો હતો. હજી પણ અમુક વેન્ડર્સ આવો સામાન વેચે છે. ફૅશન સ્ટ્રીટને ફક્ત ટ્રેન્ડી અને સસ્તાં કપડાં માટે નહીં, એના બાર્ગેનિંગ કલ્ચર માટે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં શૉપિંગ માટે આવતા લોકો પણ ભાવતાલ કરવાના મૂડ સાથે જ આવે છે. અહીંના વેન્ડર્સ પણ બાર્ગેનિંગમાં સ્માર્ટ હોય છે. તેમને ખબર જ છે કે ગ્રાહક ભાવતાલ કરાવશે એટલે અગાઉથી જ તેઓ વસ્તુનો જે ભાવ હોય એનાથી બમણો જ કહેતા હોય છે. સામાન્ય રીતે અહીં ટી-શર્ટ-ટૉપ ૨૫૦-૩૦૦ની રેન્જમાં મળી જાય, જીન્સ-પૅન્ટ ૩૦૦થી ૬૦૦ની રેન્જમાં મળી જાય, ડ્રેસિસ ૨૫૦થી ૭૦૦ની રેન્જમાં મળી જાય, શૂઝ-સ્નીકર્સ ૪૦૦થી ૭૦૦ની રેન્જમાં મળી જાય, હૅન્ડબૅગ ૩૦૦-૫૦૦ની રેન્જમાં મળી જાય. એટલે પ્રોડક્ટ અને એની ક્વૉલિટી તેમ જ તમને કેટલો સારી રીતે ભાવતાલ કરાવતાં આવડે છે એના પર નિર્ભર છે કે તમે કેટલું સસ્તું ખરીદી શકો છો. ફૅશન સ્ટ્રીટ અઠવાડિયાના બધા જ દિવસે સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અહીંના અમુક દુકાનદારો સાથે વાત કરતાં ખબર પડી કે ફૅશન સ્ટ્રીટમાં વેન્ડર્સ વધ્યા છે, કૉમ્પિટિશન વધી છે એની સામે ગ્રાહકોનો ધસારો ઓછો છે એટલે ધંધા પર એની અસર પડી છે. લોકો હવે ઘરે બેસીને આરામથી ઑનલાઇન શૉપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. તડકા-વરસાદમાં બહાર નીકળી, ગિરદીમાં શૉપિંગ કરવી તેમને પસંદ નથી. ઉપરથી ઝડપથી બદલાતા ટ્રેન્ડ વચ્ચે ઑનલાઇન ફૅશનેબલ કપડાં જેટલી ઝડપથી આવે છે એ ઝડપથી અમે અમારો સ્ટૉક અપડેટ કરી શકતા નથી. એ સિવાય આજકાલ લોકો પાસે બાંદરામાં હિલ રોડ, લોખંડવાલા માર્કેટ, લિન્કિંગ રોડ જેવી માર્કેટમાંથી પણ ખરીદી કરવાના વિકલ્પો છે.
ભવિષ્યમાં આવી બનશે
ફૅશન સ્ટ્રીટને વધુ ઑર્ગેનાઇઝ્ડ અને ટૂરિસ્ટ-ફ્રેન્ડ્લી બનાવવા માટે BMC એને રીડેવલપ કરવાનું વિચારી રહ્યું છે. એ માટે વેન્ડર્સને કિયોસ્ક આપવામાં આવશે, ફુટપાથ પર રાહદારીઓ માટે જગ્યા મોકળી કરવામાં આવશે, થોડા-થોડા અંતરે ઓપન સ્પેસ રાખવામાં આવશે, ટૉઇલેટ અને ફૂડ કોર્ટ જેવી અન્ય સુવિધાઓ ઉભારવામાં આવશે. આને કારણે પ્રવાસીઓને પણ એક સારો શૉપિંગ એક્સ્પીરિયન્સ મળશે. જોકે ફૅશન સ્ટ્રીટના વેન્ડર્સ રીડેવલપમેન્ટ પ્લાનનો વિરોધ કરી રહ્યા છે. આ વિશે જણાવતાં સુરેન્દ્ર સિંહ કહે છે, ‘અમે પણ ઇચ્છીએ છીએ કે ફૅશન સ્ટ્રીટ રીડેવલપ થાય. અત્યારે બધા જ સ્ટૉલ એક લાઇનમાં છે, પણ BMC અમારા સ્ટૉલ સામસામે લગાવવા ઇચ્છે છે. અમારો એની સામે વિરોધ છે. હમણાં બધી જ દુકાન એક લાઇનમાં હોવાથી ગ્રાહકો દરેક દુકાન સાફ જોઈ શકે. સામસામે દુકાન હોય તો બીજી લાઇનની દુકાનો પર ગ્રાહકોનું ધ્યાન ઓછું જાય. એને કારણે અમુક દુકાનોને નુકસાન થઈ શકે છે. અમારે ત્યાં દરેક દુકાનમાં ૨-૩ કર્મચારીઓ કામ કરે છે. તેમની રોજીરોટી પર અસર પહોંચી શકે છે. ઉપરથી સામસામે સ્ટૉલ હોય તો વેન્ડર્સ વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધી જાય. એને કારણે આપસમાં તનાવ અને વિવાદ વધી શકે છે. અમારું એટલું જ કહેવું છે કે સ્ટૉલ્સને એક લાઇનમાં જ રાખવામાં આવે. BMC અને વેન્ડર્સ વચ્ચે સહમતીના અભાવે હાલમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટવાયેલો છે. જોકે ભવિષ્યમાં ફૅશન સ્ટ્રીટ નવાં રંગરૂપમાં દેખાય એની પૂરેપૂરી શક્યતા છે.’

