ચોથા ધોરણમાં પહેલું નાટક અને દસમા ધોરણમાં પહેલું કમર્શિયલ નાટક કરનાર જાણીતા ઍક્ટર કમલેશ ઓઝાએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ રંગમંચને તેઓ સર્વોપરી ગણે છે. કમલેશ ઓઝાનું હાલમાં જિજ્ઞેશભાઈ જોરદાર નામનું નાટક ચાલી રહ્યું છે
ટીવી-સિરિયલ માલિની ઐયરમાં શ્રીદેવી સાથે કમલેશ ઓઝા.
જાન્યુઆરી, ૨૦૦૪નો સમય. બોની કપૂરના પ્રોડક્શન અને સતીશ કૌશિકના નિર્દેશન હેઠળ શ્રીદેવીની પહેલી ટીવી-સિરિયલનું શૂટિંગ ચાલુ થયું હતું. સિરિયલનું નામ હતું ‘માલિની ઐયર’. આ સિરિયલમાં શ્રીદેવીના દિયર તરીકે એક થિયેટર અને ટીવી-ઍક્ટર કમલેશ ઓઝાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. કમલેશભાઈને આ વાતનો ખૂબ જ આનંદ હતો કે તેમને મહાન ઍક્ટ્રેસ શ્રીદેવી સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે, પરંતુ ચાપલૂસી કે ખુશામત તેમને ક્યારેય ગમતી નહીં. સેટ પર શ્રીદેવીને મળ્યા ત્યારે કામ પૂરતી વાત કરીને પોતાના મેકઅપ રૂમમાં જતા રહેતા.
એ સમયે કમલેશભાઈનું નાટક પણ ચાલતું હતું. એક દિવસ તેમણે પ્રોડક્શનમાં કહીને રાખેલું કે આજે મારો શો છે, મારે કોઈ પણ કાળે સાત વાગ્યે નીકળી જ જવું પડશે. સેટ પરથી નીકળીને તેઓ સીધા નાટકના શો માટે બોરીવલી જવા નીકળવાના હતા. જોકે થયું એવું કે એક સીન લાંબો ચાલ્યો જેમાં તે શ્રીદેવીની પાછળ જ ઊભા હતા અને એકદમ ફ્રેમમાં હતા. ૬.૩૦ વાગ્યા પણ સીન તો હજી ખતમ થવાનું નામ લે એવું નહોતું લાગતું. દરેક સેકન્ડે કમલેશભાઈના ધબકારા વધી રહ્યા હતા. પોણાસાતે ડિરેક્ટરે કહ્યું હજી થોડું કામ બાકી છે. આ સાંભળીને કમલેશભાઈનો પરસેવો છૂટી ગયો. તે પાણી-પાણી થઈ ગયા. બીજા કોઈ પૂછે એ પહેલાં શ્રીદેવીએ પૂછ્યું, શું થઈ ગયું? આર યુ ઓકે? કમલેશભાઈએ કહ્યું, ‘મારો શો છે. મેં સવારે જ કહી દીધેલું કે મારે ૭ વાગ્યે જવું જ પડશે. નાટક મિસ ન કરી શકાય. આ લોકો છોડતા જ નથી.’
ADVERTISEMENT
શ્રીદેવીએ તેમને શાંત પાડ્યા. ખુરસી મગાવી. પાણી પીવડાવ્યું, પણ કમલેશભાઈની ઍન્ગ્ઝાયટી બે જ મિનિટમાં ખૂબ વધી ગઈ. તેઓ રિપીટમાં એ જ બોલ્યે જતા હતા, ‘મારે જવું પડશે, મારો શો છે. મારે જવું પડશે, મારો શો છે.’ શ્રીદેવી ડિરેક્ટર સાથે વાત કરવા લાગ્યાં. કમલેશભાઈએ આ જોયું. તેમને થયું નક્કી કહેતાં હશે કે ક્યાંથી લઈ આવ્યા આને? તેમને સમજાઈ ગયું હતું કે આ સિરિયલ તો ગઈ. ત્યાં તેમણે જોયું કે શ્રીદેવી તેમની તરફ આવી રહ્યાં છે. અને તેમણે કહ્યું, ‘તમે જઈ શકો છો.’ કમલેશભાઈને લાગ્યું કે તેમને સિરિયલમાંથી જવાનું કહી રહ્યા છે. શ્રીદેવીએ કહ્યું, ‘કમલેશ, ૭ વાગી ગયા છે. નીકળો, મોડું થઈ જશે. હા, જતાં પહેલાં કાલનો કૉલ-ટાઇમ લેતા જજો.’ કમલેશભાઈ હજી પણ કન્ફર્મ કરવા માગતા હતા. તેમણે કહ્યું, ‘સીન બાકી રહી ગયો છે. એમ છતાં હું જાઉં?’ શ્રીદેવીએ કહ્યું. ‘હા, શો છેને! જવું તો પડશે.’
કમલેશભાઈ આ બનાવને યાદ કરતાં કહે છે, ‘આ પરિસ્થિતિમાં હાથમાંથી સિરિયલ જતી જ રહે. શ્રીદેવીએ મને બચાવ્યો. એટલું જ નહીં, તેમણે મને શીખ આપી કે આવું કંઈ હોય તો બે કલાકનું માર્જિન રાખીને ચાલવાનું. ૭ વાગ્યે નીકળવાનું હોય તો પાંચ વાગ્યાનું કહીને રાખવાનું. આ ખૂબ નાની બાબત છે પણ મને એક આર્ટિસ્ટ તરીકે તેમણે એ શીખવી. લગભગ પોણાંબે વર્ષ મેં તેમની સાથે કામ કર્યું જેમાં હું અઢળક શીખ્યો. હું હંમેશાં બધાને કહું છું કે મારા જીવનની પૂંજી આ પોણાંબે વર્ષનો અનુભવ છે જે હું શ્રીદેવી સાથે કામ કરીને કમાયો.’
કરીઅર
કમલેશ ઓઝા ‘ખિચડી’ના ભાવેશકુમારના નામે ઘરે-ઘરે જાણીતા છે. લગભગ ૨૫ જેટલાં નાટકો કરનાર કમલેશ ઓઝાની ટેલિવિઝન જર્ની ઝી ટીવીની એ સમયની પ્રખ્યાત સિરિયલ ‘હસરતેં’થી શરૂ થઈ. ‘બા, બહૂ ઔર બેબી’, ‘શ્રીમતી તેન્ડુલકર’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘સાવધાન ઇન્ડિયા’ જેવી ટીવી-સિરિયલોમાં તેમણે કામ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં ‘ગુલામ’, ‘ઘાટ’, ‘દિલ માંગે મોરે’, ‘બ્રેક કે બાદ’, ‘દિલ તો બચ્ચા હૈ જી’ અને છેલ્લે ‘મહારાજ’ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેમણે ‘ધ લાયન ઑફ પંજાબ’ નામની પંજાબી ફિલ્મ પણ કરી છે અને ‘બુશર્ટ-ટીશર્ટ’ તથા ‘ગુલામ ચોર’ નામની બે ગુજરાતી ફિલ્મો પણ કરી છે. કમલેશ ઓઝાએ ‘2 ઇડિયટ્સ’ નામના પ્લેથી પોતાનું પ્રોડક્શન ચાલુ કર્યું હતું. આ પ્લેનું ડિરેક્શન પણ તેમણે જ કર્યું છે. એ ઉપરાંત ‘થપ્પો’ નામના નાટકનું ડિરેક્શન પણ તેમણે જ કર્યું છે. ગયા મે મહિનામાં તેમનું નવું નાટક ‘જિજ્ઞેશભાઈ જોરદાર’ ઓપન થયું છે જેના હાલમાં ૪૦ જેટલા શો થઈ ચૂક્યા છે.
બાળપણ
મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં વડગાદી ખાતે જન્મેલા અને મોટા થયેલા કમલેશ ઓઝા ત્યાંની જ એક મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણ્યા હતા. પિતા અકાઉન્ટન્ટ અને માતા હાઉસવાઇફ હતાં. કમલેશથી મોટી પાંચ બહેનો હતી. કાકાની બીજી બે દીકરીઓ થઈને કુલ ૭ બહેનોનું જબરદસ્ત પીઠબળ કમલેશને મળ્યું. તેમની સ્કૂલમાં પાંડુરંગ શાસ્ત્રીનો સ્વાધ્યાય ચાલતો હતો. એ દિવસો યાદ કરતાં તેઓ કહે છે, ‘હું એ સ્વાધ્યાયમાં જતો. એ સમયે માધવબાગમાં વસંતોત્સવ ઊજવાતો જેમાં મેં ભાગ લીધો. એ મારા જીવનનું પહેલું સ્ટેજ હતું. હું લગભગ ચોથા ધોરણમાં હોઈશ. મારી બહેનો ખૂબ ટૅલન્ટેડ હતી. ખૂબ હોશિયાર. તેમને જોઈ-જોઈને તેમની પાસેથી જ હું બધું શીખતો. મારી મોટી બહેન મને એક બાળનાટકના ઑડિશનમાં લઈ ગઈ. મને તો કશી ખબર જ નહોતી. એ સમયે ૪૦૦ છોકરાઓ ઑડિશન આપતા. એમાંથી ૩૫ સિલેક્ટ થતા. આમ પહેલું કમર્શિયલ બાળનાટક મને મળ્યું. વિષ્ણુકુમાર વ્યાસનું ‘નિયતિ’ મારું પહેલું નાટક હતું. ત્યારે હું દસમામાં હોઈશ કદાચ. એ પછી પ્રાગજી ડોસાનાં ઘણાં નાટકો મેં કર્યાં. હું જે કંઈ પણ છું એમાં મારી બહેનોનો ખૂબ મોટો હાથ છે. ઘરમાંથી મને પૂરો સપોર્ટ હતો. કોઈએ ક્યારેય નાટકો કરતાં રોક્યો નહીં. તેઓ મારા કામથી ખુશ હતા.’
નાટકો
ભણવામાં કમલેશ હોશિયાર પણ નાટકો સાથે બાળપણથી જોડાયા એટલે એક અલગ આકર્ષણ રહ્યું. કરીઅર વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એવું નહોતું કે મેં ખૂબ સમજી-વિચારીને રંગમંચ પસંદ કરેલું, મને એમાં ખૂબ મજા પડવા લાગી હતી અને બસ હું કરતો ગયો. સિદ્ધાર્થ કૉલેજમાંથી મેં કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યું પણ રંગમંચ છોડી કંઈ બીજું કરવાનું વિચાર્યું જ નહોતું. હું નાનપણથી બૅકસ્ટેજ પર કામ કરવા લાગેલો. મ્યુઝિક ઑપરેટ કરતો. આ રીતે મને ઍક્ટિંગનો ચાન્સ પણ મળતો ગયો. ૨૧ વર્ષે મેં મારું પહેલું મોટું નાટક કર્યું રાજેન્દ્ર બુટાલાનું, પ્રવીણ સોલંકી લિખિત અને કાન્તિ મડિયાના નિર્દેશનમાં એ નાટક હતું ‘અઢી અક્ષર પ્રેમના’. એ નાટકે મને સારી ખ્યાતિ અપાવી. એ રોલ પછી મને લાગ્યું કે હું ટાઇપકાસ્ટ તો નહીં થઈ જાઉંને, પરંતુ ઈશ્વરની દયાથી મેં મડિયાનું જ ‘સ્નેહાધીન’ કર્યું અને અરવિંદ જોશીનું ‘ધર્મયુદ્ધ’, જેના પછી લોકોમાં એ છાપ પડી કે આ છોકરો બધું જ કરી શકે એમ છે; તેને તમે જે રોલ આપો, તે કરી બતાવશે.’
પરિવાર
‘હસરતેં’ સિરિયલ આવી ગઈ એ પછી એક પાર્ટીમાં કમલેશ ઓઝાને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. એ યાદ કરતાં તેઓ કહે છે, ‘તેની આંખો અને ગાલનાં ખંજનો એટલાં સુંદર હતાં કે હું તેને જોતો જ રહી ગયો. થોડી વાતચીત થઈ. તેનું નામ રુખસાના હતું. એ પછી સતત તેને મળતો રહ્યો, તેના પ્રેમમાં પડતો રહ્યો. તેને કોઈ અંદાજ નહોતો કે હું ઍક્ટર છું. નાટકો કે ટીવી તે જોતી નહોતી. ૪ મહિના પછી મેં તેને કહ્યું કે હું આ કામ કરું છું. તે એ સમયે સિટી બૅન્કમાં ક્વૉલિટી મૅનેજર હતી. એક ખોજા મુસ્લિમ છોકરી અને એક બ્રાહ્મણ છોકરાનાં લગ્ન સરળ કઈ રીતે હોઈ શકે? પણ એક વસ્તુ નક્કી હતી કે બન્ને પક્ષે મનાવીને જ લગ્ન કરવાં છે, ભાગીને લગ્ન નથી કરવાં. અમે ધીરજ રાખી. મારા પપ્પાને મનાવવામાં ખાસ્સી વાર લાગી. તેમનો ખાસ્સો વિરોધ હતો, પણ ૩૧ વર્ષની ઉંમરે હું બન્ને પક્ષની સંમતિથી પરણી ગયો. રુખસાનાએ ખુદ પોતાનું નામ ઋતુ પસંદ કર્યું અને આજે ‘ઋતુ ઓઝા પ્રોડક્શન્સ’ની માલકિન છે. તેણે મને એવો સાથ આપ્યો છે જીવનમાં કે તેનો જેટલો આભાર માનું એટલો ઓછો. અમારે બે બાળકો છે. એક દીકરો દક્ષ, જે ૨૨ વર્ષનો છે અને કમ્પ્યુટર એન્જિનિયર છે અને એક દીકરી ક્લાઇલા, આ એક ગ્રીક નામ છે જેનો અર્થ લાડલી થાય, તે કલિનરીનું ભણે છે.’
પત્ની ઋતુ, પુત્ર દક્ષ અને પુત્રી ક્લાઇલા સાથે કમલેશ ઓઝા.
ફિલ્મ
આમિર ખાનની ફિલ્મ ‘ગુલામ’માં તેમને કામ કરવાનો મોકો કઈ રીતે મળ્યો એ વિશેની રસપ્રદ વાત જણાવતાં કમલેશ ઓઝા કહે છે, ‘એક વખત નાટક દરમિયાન નીરજ વોરાએ ઓપનમાં બધાને આમંત્રણ આપ્યું કે એક ફિલ્મ બની રહી છે, જેને રસ હોય તે બધા આવી જાઓ. એ સમયે કામ કરતાં-કરતાં શર્મન જોશી મારો સારો મિત્ર બની ગયેલો અને તેણે કહ્યું કમલેશ, તું ઑડિશન આપતો આવ. મેં કહ્યું કે અહીં ક્યાં ચાન્સ લાગશે આપણો? તેણે કહ્યું, તું જા, નીરજભાઈનું કે મારું નામ આપજે, ઑડિશન તો આપી જો. ઑડિશન થયાં. ફોનની રાહ જોતાં-જોતાં મેં એક નાટક હાથમાં લઈ લીધું. મારી લંડન ટૂર ફિક્સ થઈ અને ફોન આવ્યો કે તમને સિલેક્ટ કર્યા છે, મુકેશ ભટ્ટનું આ મોટું પિક્ચર છે, ખૂબ સારી તક છે, લઈ લો. મેં કહ્યું, કેવી રીતે? હું તો લંડન જાઉં છું. અમારા કામમાં એથિક્સનું મહત્ત્વ ઘણું છે. તક સારી હોય એટલે જૂનાં કમિટમેન્ટ છોડી થોડાં દેવાય? એટલે મેં એ ફિલ્મ છોડી. નાટકની ટૂર કરીને લંડનથી પાછો આવ્યો તો ખબર પડી કે ‘ગુલામ’ હજી બની જ નથી, બધું બદલાઈ ગયું છે, હવે વિક્રમ ભટ્ટ ડિરેક્ટ કરી રહ્યા છે, પૂજા ભટ્ટને બદલે રાની મુખરજી આવી ગઈ છે, બસ મારા રોલવાળું કાસ્ટિંગ થયું નથી. એ તક મને ફરીથી મળી. મારા ૬-૭ સીન હતા. હું ખૂબ આશામાં હતો કે અહીંથી જીવન જુદી દિશા તરફ લઈ જશે, પણ એવું થયું નહીં. ફિલ્મમાં મારા ૨-૩ સીન જ રાખ્યા, બાકી કાપી નાખ્યા.’
જલદી ફાઇવ
હૉબી - સંગીત સાંભળવું ખૂબ ગમે છે. હું શિવ મહિમ્ન સ્તોત્ર ખાસ સાંભળું છું.
પૅશન - ટ્રાવેલ કરવું ખૂબ ગમે છે. મને એવું હતું કે હું મારા પરિવારને મારા ખર્ચે દુનિયા બતાવીશ. એટલે હું તેમને લઈને ઘણું ફર્યો.
પ્રથમ પ્રેમ – રંગભૂમિ.
ફોબિયા - ડ્રાઇવિંગનો છે. નવી ગાડી પહેલી વાર બહાર કાઢી અને મારા વાંક વગર એક જણે ઠોકી દીધી. બીજી વાર ઑબેરૉય મૉલમાં રિવર્સ લેતો હતો અને મારી ભૂલથી જ ત્યાંના કાચમાં જઈને ભટકાઈ. જે અવાજ આવ્યો જોરથી. એમાં હું ખાસ્સો ગભરાઈ ગયો. એટલે હવે ડ્રાઇવિંગ કરતો નથી.
જીવનમંત્ર - મને જીવનભર કામે કામ અપાવ્યું છે. એક કામ સારું કર્યું એના આધારે બીજું મળ્યું છે. આમ કામે જ કામ અપાવ્યું છે. બીજું એ કે કોઈ કામને હું ના નથી પાડતો, જે મળ્યું એ બધું જ કામ મેં કર્યું. જીવનમંત્ર મારો એ જ છે કે કામ કરતા રહેવું. કેટલીયે વાર મેં પૈસા નહીં માગ્યા હોય, પણ કામ કર્યા કર્યું; કારણ કે કામ સર્વોપરી છે.

