હેક્સાવેર ટેક્નૉ બૅક ટુ બૅક નવી ટોચે, બનારસ હોટેલ્સ ૧૨૫૦૦ના શિખરે : આરઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થમાં ઑલટાઇમ બૉટમ, મોબિક્વિક માંડ બે મહિનામાં ૬૯૮ની ટોચથી ૩૧૧ના તળિયે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હેક્સાવેર ટેક્નૉ બૅક ટુ બૅક નવી ટોચે, બનારસ હોટેલ્સ ૧૨૫૦૦ના શિખરે : આરઝેડ ગ્રુપની સ્ટાર હેલ્થમાં ઑલટાઇમ બૉટમ, મોબિક્વિક માંડ બે મહિનામાં ૬૯૮ની ટોચથી ૩૧૧ના તળિયે : ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ વધુ ૧૩૨ રૂપિયા ઊંચકાયો, ગૉડફ્રે ફિલિપ્સ અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝ વધુ ખરડાયા : JSW ઇન્ફ્રાને મોતીલાલ ફળ્યા, બીએસઈ સુધારાની હૅટ-ટ્રિક બાદ નરમ : હૉન્ગકૉન્ગ શૅરબજાર ૯૦૦ પૉઇન્ટની તેજી સાથે ત્રણ વર્ષની ઊંચી સપાટીએ : આગામી મહિને નિફ્ટીમાં સામેલ થવાની શક્યતા વચ્ચે ઝોમાટો અને જિયો ફાઇનૅન્શિયલમાં નબળાઈ : ક્વૉલિટી પાવરનું ગ્રેમાર્કેટમાં ડિસ્કાઉન્ટ વધીને ૧૦ રૂપિયા થયું : સુધારાની હૅટ-ટ્રિક બાદ રોકડું નરમ
ખરડાયેલા માનસની અસરમાં શૅરબજાર શુક્રવારે ૪૨૫ પૉઇન્ટ બગડી ૭૫૩૧૧ તથા નિફ્ટી ૧૧૭ પૉઇન્ટના ઘટાડે ૨૨૭૯૬ બંધ થયો છે. માર્કેટ આરંભથી અંત સુધી લગભગ રેડ ઝોનમાં હતું. શૅરઆંક ઉપરમાં ૭૫૭૪૯ તથા નીચામાં ૭૫૧૧૨ થયો હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ ત્રણેક દિવસના ટેક્નિકલ બાઉન્સબૅક પછી રાબેતા મુજબ નબળાઈમાં સરી પડ્યું છે. ગઈ કાલે સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા ઘટાડા સામે સ્મૉલકૅપ અડધો ટકો, મિડકૅપ સવા ટકો, બ્રૉડર માર્કેટ પોણો ટકો કટ થતાં માર્કેટ બ્રેડ્થ બગડી છે. NSEમાં વધેલા ૧૧૦૦ શૅરની સામે ૧૭૪૪ જાતો ઘટી છે. મેટલ ઇન્ડેક્સના સવા ટકાના સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ માઇનસ હતાં. ઑટો ઇન્ડેક્સ અઢી ટકાથી વધુ, નિફ્ટી ફાર્મા બે ટકા નજીક, હેલ્થકૅર બેન્ચમાર્ક દોઢ ટકાથી વધુ, ઑઇલ-ગૅસ ૧.૪ ટકા, નિફ્ટી મીડિયા તથા ટેલિકૉમ ઇન્ડેક્સ સવા ટકો, આઇટી પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકાથી વધુ સાફ થયા છે. બજારનું માર્કેટ કૅપ ૨.૮૦ લાખ કરોડના ઘટાડામાં ૪૦૨.૦૫ લાખ કરોડ રહ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૦.૮ ટકા કે ૬૨૮ પૉઇન્ટ તથા નિફ્ટી ૦.૬ ટકા જે ૧૩૩ પૉઇન્ટ ઘટ્યા છે. આગામી મહિનાથી નિફ્ટીમાં ઝોમાટો તથા જિયો ફાઇનૅન્શિયલ સામેલ થવાની વાત ચાલે છે. એની સામે બ્રિટાનિયા અને ભારત પેટ્રો પોણાત્રણ ટકા અને બ્રિટાનિયા સાધારણ ઘટી હતી. બૅન્કિંગના ૪૧માંથી ૩૧ શૅર તથા પીએસયુ બૅન્કિંગમાં તમામ ૧૨ શૅર ઘટ્યા છે.
ADVERTISEMENT
તમામ અગ્રણી એશિયન બજાર સતત બીજા દિવસે વધ્યા છે. હૉન્ગકૉન્ગ ૯૦૦ પૉઇન્ટ કે પોણાચાર ટકા ઊછળીને ૨૩૪૭૮ની ત્રણ વર્ષની ટોચે બંધ થયું છે. તાઇવાન એક ટકો અને ચાઇના પોણો ટકો પ્લસ હતું. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો ઉપર દેખાયું છે. મહિન્દ્ર ૬ ટકાના કડાકામાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતી, તો તાતા સ્ટીલ પોણાબે ટકા વધી સેન્સેક્સમાં અને હિન્દાલ્કો સવાબે ટકા વધી નિફ્ટીમાં ઝળકી હતી. અદાણી પોર્ટ્સ અઢી ટકાથી વધુ કપાઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝ બે ટકા, અદાણી પાવર તથા અદાણી એનર્જી સવા ટકો, અદાણી ગ્રીન પોણાબે ટકા, અદાણી ટોટલ સવા ટકો, અદાણી વિલ્મર એક ટકો ડાઉન હતી. ગ્રુપના ૧૧ શૅરમાંથી NDTV સવાત્રણ ટકા પ્લસ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અડધા ટકા નજીકના ઘટાડે ૧૨૨૮ રહી છે. લાર્સન એક ટકો પ્લસ હતી. ટીસીએસ નહીંવત્ સુધરી છે. સામે ઇન્ફોસિસ અડધો ટકો નરમ હતી. ICICI બૅન્ક દોઢ ટકો ઘટીને ૧૨૩૨ના બંધમાં બજારને ૧૧૦ પૉઇન્ટ નડી છે, તો સામે HDFC બૅન્ક પાંચેક રૂપિયાના નહીંવત્ સુધારામાં ૧૬૯૧ બંધ હતી. જિન્દલ ડ્રિલિંગ ૪ ગણા કામકાજે સવાબાર ટકા કે ૧૧૬ રૂપિયા લથડી ૮૨૦ રહી છે. બાયોકોન, સ્પાર્ક, ન્યુલૅન્ડ લૅબ, ડિવીઝ લૅબ, પિરામલ ફાર્મા તથા વૉકહાર્ટ સવાચારથી પોણાપાંચ ટકા પટકાઈ હતી.
બર્મનની એન્ટ્રી વધાવતાં રેલિગેર એન્ટરપ્રાઇઝિસ ૧૯ ટકા ઊછળ્યો
સુધારાની હૅટ-ટ્રિક બાદ BSE લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૬૦૪૭ થયા બાદ ભારે પ્રૉફિટ બુકિંગમાં ૫૭૧૨ના તળિયે જઈ ત્રણ ટકા ઘટી ૫૭૭૨ બંધ થયો છે. હરીફ NSDL ઇશ્યુ લાવવા સક્રિય બની છે ત્યારે CDSL ઉપરમાં ૧૨૯૪ થઈ અડધો ટકો સુધરી ૧૨૫૫ હતી. MCX બે ટકા ઘટી છે. CLSA દ્વારા ૨૨૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ અપાતાં બંધન બૅન્ક પોણાબે ગણા વૉલ્યુમે ૧૪૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧.૯ ટકા વધી ૧૩૯ હતી. JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોતીલાલ ઓસવાલે ૩૩૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કરતાં ભાવ દોઢા કામકાજે ઉપરમાં ૨૬૨ થઈ સાત ટકા ઊંચકાઈ ૨૫૫ હતો.
જીએસટી વધવાની ધાકમાં આગલા દિવસે ખરડાયેલી સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ ગઈ કાલે ત્રણેક ટકા વધુ ઘટી ૫૭૮૯ રહી છે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ પણ સવાત્રણ ટકા બગડી ૨૭૯ હતી. આઇટીસી નહીંવત્ ઘટાડે ૪૦૧ હતી. દોઢ વર્ષની ખેંચતાણ પછી રેલિગેરના ટેકઓવરમાં બર્મન ગ્રુપ સફળ થયું છે. એમાં રેલિગેર એન્ટરપ્રાઇઝિસનો શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટ મારી ૨૬૭ વટાવી અંતે ૧૯ ટકા ઊછળી ૨૬૫ થયો છે. વૉલ્યુમ સાડાપાંચ ગણું હતું. વૅલ્યુ બાઇંગની ગેમમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ તેજીને આગળ વધારતાં ૧૭ ગણા કામકાજે ઉપરમાં ૧૧૯૩ બનાવી ૧૩.૨ ટકા ઊછળી ૧૧૩૩ હતો. તાતાની બનારસ હોટેલ્સ ૧૨૫૦૦ની નવી વિક્રમી સપાટી દેખાડી ૧.૭ ટકાની આગેકૂચમાં ૧૧૯૭૫ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ડેન્ટાવૉટર ૩૭૭ના શિખરે જઈ નજીવા સુધારે ૩૫૬ રહી છે. એલકેપી ફાઇનૅન્સ ૩૪૦ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી ત્રણ ટકા વધી ૩૨૪ બંધ આવી છે. મોબિક્વિક ૩૦૯ની અંદર વર્સ્ટ લેવલ બતાવી ૩.૭ ટકા તૂટી ૩૧૧ રહી છે. ૨૬ ડિસેમ્બરે ભાવ ૬૯૮ની ટોચે હતો. પ્રોક્ટર ગેમ્બલ હાઇજીન સવાબે ટકા કે ૩૧૩ રૂપિયા ખરડાઈ ૧૩૬૫૫ના વર્ષના તળિયે બંધ થઈ છે. ક્વિકહિલ જે ૧૧ ઑક્ટાબરે ૮૨૬ના શિખરે હતી એ ૪ ટકા ગગડી ૩૫૮ની મલ્ટિયર બૉટમે આવી ગઈ છે. સ્ટાર હેલ્થકૅર ૩૮૩ના ઑલટાઇમ તળિયે જઈ સવા ટકો ઘટીને ૩૮૫ હતી.
મહિન્દ્ર ૭ મહિનાના મોટા કડાકા સાથે બન્ને બજારમાં ટૉપ લૂઝર
મહિન્દ્રનો શૅર સાત મહિનાના મોટા કડાકામાં નીચામાં ૨૬૫૩ થઈ ૬ ટકા કે ૧૭૨ રૂપિયા ગગડી ૨૬૬૮ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. એને કારણે બજારને ૧૩૧ પૉઇન્ટનો માર પડ્યો હતો. ટ્રમ્પની રેસિપ્રોકલ ટૅરિફ પૉલિસીની મોટી ઘાત તોળાઈ રહી છે જે ઑટો, ઍગ્રિકલ્ચર, ફાર્મા, જેમ સ્ટોન, આઇટી ઇત્યાદિ સહિતની સંખ્યાબંધ કંપનીઓને ભારે પડવાની છે. ટ્રમ્પમ શરણ્ ગચ્છામિના મૂડમાં સરકારે આયાત-જકાત ઘટાડવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકન કંપનીઓ માટે દેશના દરવાજા એકદમ બંધ થઈ જવાના છે. આ માહોલમાં મહિન્દ્રની સબસિડિયરી મહિન્દ્ર ફાઇનૅન્સે ૩૦૦૦ કરોડનો તથા મહિન્દ્ર લાઇફસ્પેસ દ્વારા ૧૫૦૦ કરોડનો રાઇટ લાવવાની જાહેરાત થઈ છે. બન્ને કંપનીમાં મહિન્દ્ર પ્રમોટર તરીકે ૫૧ ટકા પ્લસનું હોલ્ડિંગ ધરાવે છે. આ ધોરણે રાઇટ ઇશ્યુમાં એણે આશરે ૨૩૦૦ કરોડથી વધુનું રોકાણ કરવું પડશે અને ઇશ્યુ પૂરો ભરાય નહીં તો એ અન-સબ્સ્ક્રાઇબ્ડ પોર્શન પેટે કરવી પડશે એ જોગવાઈ અલગ. મહિન્દ્રનો શૅર ગઈ કાલે આ કારણસર ખરડાયો છે. મહિન્દ્ર ફાઇનૅન્સ ૩.૭ ટકા ગગડી ૨૭૦ તથા મહિન્દ્ર લાઇફ નહીંવત્ ઘટી ૩૫૫ બંધ હતી.
ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ અઢી ટકા કે ૧૨૮૪ પૉઇન્ટ લથડ્યો હતો. એમાં મહિન્દ્રનો ફાળો ૬૯૫ પૉઇન્ટ હતો. ઇન્ડેક્સના ૧૮માંથી ૧૭ શૅર માઇનસ હતા. ટીવીએસ મોટર્સ ૩.૮ ટકા, તાતા મોટર્સ અઢી ટકા, અશોક લેલૅન્ડ બે ટકા, હીરો મોટોકૉર્પ દોઢ ટકો, બજાજ ઑટો ૧.૪ ટકા, મારુતિ એક ટકો નરમ હતી. હ્યુન્દાઇ મોટર્સ ત્રણ ટકા, ઓલા ઇલેક્ટ્રિક દોઢ ટકો, એસ્કોર્ટ્સ સવા ટકો, અતુલ ઑટો બે ટકા ઘટી છે. આઇશર મોટર્સ નિફ્ટીમાંથી બાકાત થવાની ઘાતમાંથી બહાર આવી ગઈ હોવાના પગલે શૅર દોઢ ટકો વધીને ૪૯૬૫ રહ્યો છે. ઑટો એન્સિલિયરીમાં સિમોન્ડ માર્શલ, પ્રતીક ઑટો, સુબ્રોસ, ઑટોમોટિવ સ્ટૅમ્પિંગ, રાણે બ્રેક, સાંઈ ઑટોમોટિવ, હિટાચી ગિયર્સ, ડેક્કન એન્જિનિયરિંગ પાંચથી ૧૧ ટકા મજબૂત હતા. અહીં ૧૨૮માંથી ૭૩ જાતો માઇનસ હતી. ઑટો કૉર્પોરેશન ઑફ ગોવા, સંધાર ટેક્નૉ, અસાહી ઇન્ડિયા પાંચથી છ ટકા જેવા તૂટ્યા છે.
એલકે મહેતા તથા ષણ્મુગા હૉસ્પિટલનું લિસ્ટિંગ નબળું ગયું
બજારની હાલત સાનુકૂળ રહે તો NSDLનો ૩૦૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ આગામી મહિને આવશે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો હશે. કંપનીમાં IDBI બૅન્ક ૨૬ ટકાથી વધુ, NSE ઇન્ડિયા ૨૪ ટકા તથા HDFC બૅન્ક નવ ટકા નજીકના હોલ્ડિંગ સાથે મુખ્ય શૅરધારક છે. યુનિટ ટ્રસ્ટ ફેમ સુટી પાસે પોણાસાત ટકા માલ છે. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. અન-લિસ્ટેડ માર્કેટમાં હાલ ભાવ ૧૧૬૬ બોલાય છે, વર્ષ પહેલાં રેટ ૬૭૫ હતો. દરમ્યાન મેઇન બોર્ડની ક્વૉલિટી પાવરનું લિસ્ટિંગ સોમવારે કરાવવાનું નક્કી થયું છે. શૅરદીઠ ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રેમાર્કેટમાં હાલ ૧૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાય છે. SME કંપની રૉયલ આર્ક ઇલેક્ટ્રોડ્સ તથા તેજસ કાર્ગો પણ સોમવારે લિસ્ટિંગમાં જશે. બન્નેમાં પ્રીમિયમ નથી.
રતલામની એલકે મહેતા પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૭૧ની ઇશ્યુ પ્રાઇસ તથા પાંચના પ્રીમિયમ સામે ગઈ કાલે ૭૧ ખૂલી નીચલી સર્કિટમાં ૬૭.૫૪ થઈ ૬૮ બંધ થતાં એમાં ચાર ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. ષણ્મુગા હૉસ્પિટલ શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ત્રણના પ્રીમિયમ સામે ભાવોભાવ ૫૪ ખૂલી નીચલી સર્કિટમાં ૫૧.૩૦ થઈ ત્યાં બધ રહેતાં એમાં પણ પાંચ ટકા લૉસ મળી છે. સ્વસ્થ ફૂડટેકનો શૅરદીઠ ૯૪ના ભાવનો૧ ૪૯૨ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪ ગણો તથા એચ. પી. ટેલિકૉમનો શૅરદીઠ ૧૦૮ના ભાવનો ૩૪૨૩ લાખનો NSE SME IPO કુલ સવા ગણો ભરાયો છે. સ્વસ્થ ફૂડમાં ૩નું પ્રીમિયમ છે; જ્યારે ગાંધીનગર, ગુજરાતની બિઝાસણ એક્સ્પ્લોટેકનો ૧૦ના શૅરદીઠ ૧૭૫ની લૂંટમાર પ્રાઇસવાળો ૫૯૯૩ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે ૪૩ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ૪ રૂપિયાથી કામકાજ શરૂ થયું હોવાનું સંભળાય છે.
દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી હેક્સાવેર ટેક્નૉ ૮૨૪ની નવી ટૉપ બનાવી અઢી ટકા વધી ૮૧૭ રહી છે. એજેક્સ એન્જિનિયરિંગ નજીવી ઘટી ૬૦૦ હતી. સોમવારે નવી દિલ્હીની ન્યુક્લિયસ ઑફિસ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૨૩૪ના મારફાડ ભાવથી ૩૧૭૦ લાખનો BSE SME ઇશ્યુ લાવશે. ગ્રેમાર્કેટમાં કામકાજ શરૂ થયું નથી.

