ધનશ્રીનાં વકીલ જોકે કહે છે કે છૂટાછેડા ફાઇનલ નથી થયા, પરિવારે ૬૦ કરોડના ભરણપોષણની વાત પણ ખોટી ગણાવી
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર-યુટ્યુબર ધનશ્રી વર્મા
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર-યુટ્યુબર ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. તેઓ છેલ્લા ૧૮ મહિનાથી અલગ રહેતાં હતાં. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ૨૦૨૦ની બાવીસમી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્ન થયાના થોડા સમય બાદ બન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો અને છેલ્લા ૧૮ મહિનાથી તેઓ અલગ રહેતાં હતાં. તેમના ચાર વર્ષના લગ્નનો અંત આવી ગયો છે.
ગુરુવારે બાંદરાની ફૅમિલી કોર્ટમાં ફાઇનલ સુનાવણી વખતે બન્ને ઉપસ્થિત હતાં. સવારે ૧૧ વાગ્યાથી તેઓ કોર્ટમાં હાજર હતાં અને જજે તેમને માટે ૪૫ મિનિટનું કાઉન્સેલિંગ-સેશન રાખ્યું હતું. અમે બન્ને એકબીજાની સહમતીથી છૂટાં પડી રહ્યાં છીએ એવું તેમણે જજને જણાવ્યું હતું. જજે છૂટાં પડવાનું કારણ પૂછતાં બન્નેએ જણાવ્યું હતું કે અમને એકમેક સાથે ફાવતું નથી. બાંદરા ફૅમિલી કોર્ટના જજે બેઉ પક્ષોને સાંભળ્યા બાદ સાંજે ૪.૩૦ વાગ્યે સત્તાવાર રીતે છૂટાછેડા મંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
૬૦ કરોડ રૂપિયા ભરણપોષણ પેટે માગ્યા?
બીજી તરફ ધનશ્રી વર્માના પરિવારે એક નિવેદન બહાર પાડીને એ બધી અફવાઓને રદિયો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધનશ્રીએ ચહલ પાસેથી ભરણપોષણ તરીકે ૬૦ કરોડ રૂપિયા માગ્યા છે. વર્મા પરિવારે ભરણપોષણરૂપે કોઈ પણ રકમ માગી હોવાનો ઇનકાર કર્યો છે. આ મુદ્દે પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘ભરણપોષણના આંકડા વિશે ફેલાવવામાં આવેલા પાયાવિહોણા દાવાથી અમે ખૂબ નારાજ છીએ. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આવી કોઈ રકમ ક્યારેય માગવામાં આવી નથી. આવી રકમ ઑફર પણ કરવામાં આવી નથી. આ અફવામાં કોઈ સત્ય નથી. મીડિયાએ આવી ખોટી માહિતી ફેલાવતાં પહેલાં સંયમ રાખવો જોઈએ.’

