મહારાષ્ટ્રની કૅબિનેટે રાજ્યના કિલ્લા, હિલસ્ટેશન અને મંદિરો માટે લીધો મહત્ત્વનો નિર્ણય
કિલ્લો
મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટની બેઠકમાં રાજ્યના દુર્ગમ કિલ્લા, હિલસ્ટેશન અને ઊંચાઈએ આવેલાં મંદિરોમાં નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝનો પણ સરળતાથી જઈ શકે એ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે ૪૫ રોપવે બાંધવાની મંજૂરી આપી છે. પુણે વિભાગમાં સૌથી વધુ ૧૯ અને કોંકણ વિભાગમાં ૧૧ રોપવે બનાવવામાં આવશે. આ રોપવે નૅશનલ હાઇવે લૉજિસ્ટિક્સ મૅનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવશે.
રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગનાં ઍડિશનલ ચીફ સેક્રેટરી મનીષા મ્હઈસકરના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં પહાડી વિસ્તાર, ઊંચાઈએ આવેલાં પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળ અને અનેક કિલ્લા આવેલાં છે જ્યાં પહોંચવા માટે મુશ્કેલી થાય છે. કેન્દ્ર સરકારની પર્વતમાળા યોજના અંતર્ગત આ દુર્ગમ સ્થળોને સુગમ કરવાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ૪૫ સ્થળોને રોપવે અને પહાડો પર અવરજવર કરવા ફનિક્યુલરના નામે ઓળખાતી કેબલ રેલવેથી જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી રાજ્યનાં ધાર્મિક અને પર્યટન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં વધારો થશે જેનાથી રોજગાર ઉપલબ્ધ થવાની સાથે સરકારને આવક થશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે પછાત ગણાતા બિહારમાં રાજગીર ખાતે ૧૯૬૦માં રોપવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારત અને મહારાષ્ટ્રનાં અનેક પર્યટનસ્થળોએ રોપવેની સુવિધા નથી એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પર્વતમાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

