તેમનું કહેવું છે કે ફોટોકૉપીની જે દુકાનમાંથી ક્વેશ્ચન પેપરની કૉપી વેચવામાં આવી એના પ્રશ્નો અને ખરા પેપરના ક્વેશ્ચન અલગ હતા
પ્રતીકાત્મક તસવીર
SSCની પરીક્ષા ગઈ કાલથી શરૂ થઈ છે ત્યારે પહેલા જ દિવસે જાલના જિલ્લાના બદનાપુરમાં એક લોકલ ન્યુઝ-ચૅનલે મરાઠી લૅન્ગ્વેજનું પેપર આન્સર સાથે જિલ્લા પરિષદની સ્કૂલ પાસે આવેલી ફોટોકૉપીની દુકાન પર મળતું હોવાનો વિડિયો વાઇરલ કરતાં આ બાબતે હોબાળો મચી ગયો હતો. જોકે સત્તાવાર રીતે આ પેપર લીક થયું હોવાની ઘટનાને સમર્થન આપવામાં આવ્યું નથી એટલું જ નહીં; જાલનાના કલેક્ટરે વિડિયો દ્વારા ચોખવટ કરી છે કે અમે આ બાબતે તપાસ કરી હતી, પેપર લીક થયું નથી.
SSCની ગઈ કાલે ફર્સ્ટ લૅન્ગ્વેજની પરીક્ષા હતી. બદનાપુરમાં પેપર લીક થયું હોવાનું દર્શાવતો વિડિયો સવારે અગિયાર વાગ્યે પરીક્ષા ચાલુ થયાની ગણતરીની મિનિટોમાં બહાર આવ્યો હતો.
SSC બોર્ડે આ સંદર્ભે ખરેખર શું બન્યું એ જાણવા સેન્ટર હેડ અને લોકલ એજ્યુકેશન ઑફિસરને તપાસ કરવા કહ્યું હતું. જાલનાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ પાંચાળે પેપર લીક થવાની વાતને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘ફોટોકૉપીની દુકાને જે પ્રશ્નપત્રની કૉપી વેચાઈ એમાં પરીક્ષાના ઓરિજિનલ પેપર કરતાં અલગ સવાલો હતા એટલે પેપર લીક થયું નથી. એક્ઝામ સેન્ટર પરથી પણ પેપર લીક થયું નથી.’

