Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઉપલા મથાળેથી ૫૭૩ પૉઇન્ટ ગબડી બજાર સતત ત્રીજા દિવસે ડાઉન

ઉપલા મથાળેથી ૫૭૩ પૉઇન્ટ ગબડી બજાર સતત ત્રીજા દિવસે ડાઉન

Published : 26 November, 2025 08:04 AM | IST | Mumbai
Anil Patel

કેપિલરી ટેક્નૉલૉજીઝ વૉલ્યુમ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી નવા બેસ્ટ લેવલે : સાડાપાંચ વર્ષમાં તળિયે ગયેલી ઓરિએન્ટ ઇલે​ક્ટ્રિક ચિક્કાર કામકાજમાં ૨૦ ટકા ઊછળી : કર્ણાટક બૅન્ક ભારે વૉલ્યુમ સાથે તેજીની હૅટ-ટ્રિકમાં ૧૧ મહિનાના શિખરે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈમાં હાઉસિંગ ક્ષેત્રે પદાર્પણના પગલે શોભા લિમિટેડ બે ટકા વધી
  2. આગલા દિવસની ખરાબી બાદ નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ નહીંવત્ સુધારામાં બંધ
  3. સ્મૉલકૅપ ઇન્ડેક્સ પાંચ દિવસની નરમાઈ પછી પ્લસ

ઑલટાઇમ હાઈ થવાના આરે આવેલું શૅરબજાર ઍ​ન્ટિ ક્લાઇમેક્સના તાલમાં નરમાઈની હૅટ-ટ્રિકમાં સરી પડ્યું છે. સેન્સેક્સ ગઈ કાલે ૩૧૪ પૉઇન્ટની નબળાઈમાં ૮૨,૫૮૭ તો નિફ્ટી ૭૫ પૉઇન્ટના ઘટાડે ૨૫,૮૮૫ની અંદર ઉતરી ગયો છે. માર્કેટની શરૂઆત થોડીક સારી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૧૦૯ પૉઇન્ટ પ્લસ, ૮૫,૦૦૯ ખૂલ્યો હતો. ત્યાંથી સાંકડી રેન્જમાં અથડાતો રહી ઉપરમાં ૮૫,૧૧૦ વટાવી ગયો હતો. પછી આગલા દિવસનું રીરન હોય એમ બે વાગ્યા પછી બજાર ગગડી નીચામાં ૮૪,૫૩૭ની અંદર જોવાયું હતું. બહુમતી સેક્ટોરલ માઇનસમાં હતા, IT ઇન્ડેક્સ સર્વાધિક પોણો ટકો ઘટ્યો છે. તો સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૭ ટકા અને પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢેક ટકા મજબૂત થયો છે. રોકડામાં પીછેહઠ અટકવાના કારણે માર્કેટ બ્રેડ્થ સાધારણ પૉઝિટિવ બની છે. NSEમાં વધેલા ૧૬૪૨ શૅરની સાથે ૧૪૭૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨૯,૦૦૦ કરોડ ઘટીને ૪૬૯.૩૬ લાખ કરોડ નજીક જોવાયું છે.

ડિસેમ્બરની બેઠકમાં અમેરિકન ફેડ વ્યાજદર ઘટાડશે એવા વરતારા શરૂ થતાં અમેરિકન ડાઉ અડધો ટકો તેમ જ નૅસ્ડૅક પોણાત્રણ ટકા વધીને બંધ આવતાં મોટા ભાગનાં એશિયન બજાર મંગળવારે સુધર્યાં છે. તાઇવાન દોઢ ટકો, થાઇલૅન્ડ સવા ટકો, ચાઇના તથા હૉન્ગકૉન્ગ પોણા ટકાથી વધુ પ્લસ થયાં છે. સામે ઇન્ડોનેશિયા અડધો ટકો તથા સિંગાપોર સાધારણ નરમ હતું. યુરોપ રનિંગમાં બહુધા સામાન્ય સુધારો દર્શાવતું હતું. બિટકૉઇન હાલકડોલક ચાલમાં એકાદ ટકો ઘટી રનિંગમાં ૮૭,૩૬૯ ડૉલર ચાલતો હતો. ક્રૂડના મામલે જેપી મૉર્ગન તરફથી સૌથી બેરિશ વ્યુ જાહેર થયો છે. એના મતે ૨૦૨૬માં બ્રૅન્ટ ક્રૂડ ઘટીને ૬૦ ડૉલર તથા વર્ષાન્તે પણ થઈ શકે છે. ગઈ કાલે બ્રૅન્ટક્રૂડ ૬૩ ડૉલર ઉપર ટકેલું હતું. ફેડ-રેટમાં ઘટાડાની વાતમાં કોમેક્સ ગોલ્ડ પોણો ટકો વધીને ૪૧૬૬ ડૉલર થયું છે.



આજે મેઇન બોર્ડની એક્સેલ સૉફ્ટ ટેક્નૉલૉજીઝ તથા SME કંપની ગૅલાર્ડ સ્ટીલનું લિ​સ્ટિંગ થવાનું છે. અત્યારે એક્સેલ સૉફ્ટમાં સાડાછ રૂપિયા તેમ જ ગૅલાર્ડમાં ૫૯ રૂપિયાનું પ્રીમિયમ ગ્રેમાર્કેટમાં બોલાય છે. ઘરઆંગણે રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગ ૩થી ૫ ડિસેમ્બરના રોજ મળવાની છે. એમાં રેપો-રેટમાં ઘટાડાને અવકાશ હોવાનો નિર્દેશ રિઝર્વ બૅન્કના ગવર્નર મલ્હોત્રાએ આપ્યો છે. બાય ધ વે, ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી માંડી ઑગસ્ટ સુધીમાં રિઝર્વ બૅન્ક તબક્કાવાર ધોરણે રેપો-રેટમાં એક ટકાનો ઘટાડો જાહેર કરી ચુકી છે. બૅન્કરોએ એમાંથી ગ્રાહકોને કેટલો લાભ પહોંચતો કર્યો એ સંશોધનનો વિષય છે. બાય ધ વે, અમેરિકન ફેડની મીટિંગ ૯ અને ૧૦ ડિસેમ્બરે મળવાની છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી કેપિલરી ટેક્નૉલૉજીઝ ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૫૧ના બેસ્ટ લેવલે જઈને સાડાસત્તર ટકા કે ૧૧૦ની તેજીમાં ૭૩૬ નજીક બંધ થઈ છે. વૉલ્યુમ અઢી ગણું હતું. ગ્રો ફેમ બિલિયન બ્રેઇન્સ છ ટકા ઊછળીને ૧૬૧ વટાવી ગઈ છે. MTR ફૂડ્સવાળી ઑર્કલા ઇન્ડિયા ૬૪૨ના વર્સ્ટ લેવલે જઈને એક ટકો સુધરી ૬૫૬ હતી. પાઇન લૅબ્સ સવા પાંચ ટકાની મજબૂતીમાં ૨૪૬ તો ફિઝિક્સવાલા પોણાપાંચ ટકા બાઉન્સ થઈ ૧૩૬ નજીક રહી છે. 


અદાણી એન્ટરપ્રાઇઝનો મેગા રાઇટ ઇશ્યુ શરૂ, શૅર ત્રીજા દિવસે નરમ

HDFC ઍસેટ મૅનેજમેન્ટ કંપની શૅરદીઠ એક બોનસમાં બુધવારે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૫૩૮૫ વટાવી છેવટે અડધો ટકો ઘટી ૫૩૪૦ બંધ થયો છે. થાઇરોકૅર ટેક્નૉલૉજીઝમાં એક શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ-ડેટ ૨૮ નવેમ્બર નજીક છે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૪૫૧ થયા બાદ ૧૫૦૪ બતાવી દોઢ ટકો વધી ૧૪૮૮ રહ્યા છે. ઇંગર સોલ રેન્ડ શૅરદીઠ ૫૫ રૂપિયાના ઇન્ટરિમમાં એક્સ ડિવિડન્ડ થતાં નીચામાં ૩૭૮૦ થઈ દોઢ ટકા કે ૫૯ રૂપિયા ઘટી ૩૮૫૫ બંધ આવ્યો છે.


અદાણી એન્ટરપ્રાઇઝનો શૅરદીઠ ૧૮૦૦ના ભાવનો ૨૪,૯૩૦ રૂપિયાનો મેગા રાઇટ ઇશ્યુ ગઈ કાલથી શરૂ થયો છે જે ૧૦ ડિસેમ્બરે બંધ થશે. શૅર સતત ત્રીજા દિવસની નરમાઈમાં નીચામાં ૨૩૨૭ થયા બાદ ૨.૭ ટકા ઘટી ૨૩૩૪ રહ્યો છે. AWL ઍગ્રી બિઝનેસ ગણા કામકાજે નીચામાં ૨૬૧ બતાવી ૨.૪ ટકાની પીછેહઠમાં ૨૭૧ બંધ થયો છે. કર્ણાટકા બૅન્ક વૉલ્યુમ સાથે તેજીની હૅટ-ટ્રિકમાં ૨૧૯ ઉપર ૧૧ માસની ટૉપ બનાવી ૮.૫ ટકાની મજબૂતીમાં ૨૧૬ થઈ છે. હાઉસ હોલ્ડ અપ્લાયન્સ કંપની ઓરિએન્ટ ઇલે​ક્ટ્રિક છેલ્લા ૮ દિવસમાં ૨૨ ટકા જેવી ખરાબી બાદ ગઈ કાલે ૧૬૯ ગણા જંગી વૉલ્યુમે ૨૦૧ નજીક જઈ ૨૦ ટકાના ઉછાળામાં ૨૦૧ જેવી થઈ છે. આગલા દિવસે અહીં ૧૫૫ની સાડાપાંચ વર્ષની બૉટમ બની હતી.

ભારતમાંથી એ​ક્ઝિટ લઈ રહેલી વિદેશી બૅન્ક ડ્યુશ બૅન્કના રીટેલ અને વેલ્થ મૅનેજમેન્ટ બિઝનેસને હસ્તગત કરવાની રેસમાં સામેલ ફેડરલ બૅન્ક દોઢા કામકાજે ૨૫૭ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૩ ટકા વધીને ૨૫૬ થઈ છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ આગલા દિવસની અઢી ટકાની ખરાબી બાદ ગઈ કાલે નહીંવત્ સુધર્યો છે. ડિફેન્સ ઉદ્યોગના બાવીસમાંથી ૧૨ શૅર વધ્યા હતા. તનેજા ઍરોસ્પેસ ૩.૪ ટકા, અપોલો માઇક્રો પાંચ ટકા, DCX ઇન્ડિયા સવાત્રણ ટકા, રસેલ ટેક્નો સવા ટકો, ભારત ઇલેક્ટ્રોનિક્સ દોઢ ટકો અપ હતી. 

લોઅર પરેલની કે. કે. સિલ્ક મિલ્સ ૩૮ના ભાવે આજે ઇશ્યુ કરશે

SME સેગમેન્ટમાં આજે બે ભરણાં ખૂલશે. ગુજરાતના મહુવા ભાવનગર ખાતેની મધર ન્યુટ્રી ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૭ની અપર બૅન્ડમાં ૭૯૨ લાખની ઑફર ફોર સેલ સહિત કુલ ૩૯૫૯ લાખનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની ૧૦ ફ્લેવર્સમાં પાંચ પ્રકારના પીનટ બટર બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૧૨ ટકા વધારામાં ૯૦૪૭ લાખ અને નફો ૫૩૨ લાખ રહ્યો છે. દેવું છ મહિનામાં આઠેક કરોડ વધીને ૩૦૫૩ લાખ થઈ ગયું છે. પ્રમોટર્સની શૅરદીઢ પડતર પાંચ રૂપિયા છે. ઇશ્યુ બાદ ઇ​ક્વિટી વધી ૧૨૫૪ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. બીજી કંપની મુંબઈના લોઅર પરેલ ખાતેની કે. કે. સિલ્કમિલ્સ ૧૦ના શૅરદીઠ ૩૮ની અપરબૅન્ડમાં ૨૮૫૦ લાખનો BSE SME ઇશ્યુ બુધવારે કરી રહી છે. ૧૯૯૧માં સ્થપાયેલી આ કંપની ગાર્મેન્ટ્સ તેમ જ ફેબ્રિકસ બનાવે છે. ગયા વર્ષે ૧૬ ટકા વધારામાં ૨૨૧ કરોડની આવક ઉપર ૧૦૭ ટકા વૃદ્ધિદરથી ૪૬૮ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૫૪૫૧ લાખની આવક ઉપર ૧૫૧ લાખ નફો મેળવ્યો છે. દેવું ૬૩૫૬ લાખનું છે. ઇશ્યુ બાદ ઇક્વીટી ૨૨૪૪ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.

દરમ્યાન બરોડાની સુદીપ ફાર્માનો એકના શૅરદીઠ ૫૯૩ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૮૯૫ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧૫.૫ ગણા સહિત કુલ ૯૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટી હાલ ૮૯ થઈ ગયું છે. નવી દિલ્હીની SSMD ઍગ્રોટેક ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૨૧ના ભાવનો ૩૪૦૯ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ ગઈ કાલે એના પ્રથમ દિવસે રીટેલમાં ૮૫ ટકા સહિત કુલ ૬૫ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ઝીરો બોલાય છે. 

જે. પી. મૉર્ગનના બુલિશ વ્યુમાં રિલાયન્સ સવા વર્ષની ટોચે

બ્રોકરેજ હાઉસ જે. પી. મૉર્ગન તરફથી રિલાયન્સમાં ૧૭૨૭ની અપવર્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનો કૉલ જાહેર થતાં શૅર ગઈ કાલે ૧૫૬૦ની સવા વર્ષની ટૉપ હાંસલ કરીને છેવટે સામાન્ય સુધારે ૧૫૪૧ બંધ થયો છે. ૮ જુલાઈ ૨૪ના રોજ અત્રે ૧૬૦૮ની ઑલટાઇમ હાઈ બની હતી. નિફ્ટી ખાતે હિન્દાલ્કો બે ટકા વધીને ૭૮૯ બંધમાં ટૉપ ગેઇનર બની છે. સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રૉનિક્સ દોઢ ટકો સુધરી ૪૧૦ હતી. સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા વધી ૯૮૪ હતી. ભારતી ઍરટેલ નજીવી પ્લસ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ ૮૪૦ ઉપર નવી વિક્રમી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૭ ટકા ગગડી ૨૩૩૪ બંધમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. સેન્સેક્સ ખાતે ટ્રેન્ટ ૧.૬ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૧.૬ ટકા, ઇન્ફોસિસ સવા ટકો ડૂલ થઈ હતી. અન્યમાં પાવરગ્રીડ એક ટકો, HDFC બૅન્ક એક ટકા નજીક, HCL ટેક્નૉ ૦.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ ૦.૯ ટકા, કોટક બૅન્ક ૦.૮ ટકા, ICICI બૅન્ક પોણો ટકો, આઇશર પોણો ટકો માઇનસ થયા છે. તાતા સ્ટીલ અડધો ટકો સુધરી ૧૬૬ હતી. ડૉ. રેડ્ડીઝ લૅબ પોણો ટકો વધી છે.

સ્મૉલકૅપ ઇન્ડેક્સ સતત પાંચ દિવસની નરમાઈમાં બે મહિનાના તળિયે ગયા બાદ ગઈ કાલે ૧૦૫ પૉઇન્ટ જેવો નહીંવત્ સુધર્યો છે. અહીં ૧૨૨૪માંથી ૬૭૪ શૅર પ્લસ હતા. ઓરિએન્ટ ઇલે. ૨૦ ટકા, ટારસન્સ પ્રોડક્ટ્સ ૧૩ ટકા, લુમેક્સ ઑટો ૧૧ ટકા ઊછળી હતી. મેગલેનિક ક્લાઉડ ખરાબી આગળ ધપાવતાં પાંચ ઘણા વૉલ્યુમે નીચામાં ૪૫ થઈને ૧૦ ટકા તૂટી ૪૬ રહી છે. ચારેક મહિના પહેલાં, ૧૭ જુલાઈએ અહીં ૧૦૫ની ટૉપ બની હતી. આગલા દિવસે કારણ વગર ઝમકમાં રહેલી ખોટ કરતી સરકારી કંપની ITI લિમિટેડ પોણાપાંચ ટકા બગડી ૩૧૦ બંધ થઈ બ્રૉડર ઇન્ડેક્સમાં ટૉપ લૂઝર બની છે.

નૅશનલ હાઇવેના વર્ક-ઑર્ડરમાં મુંબઈની નીરજ સિમેન્ટ ઝળકી

બરોડાની ડાયમન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અદાણી એનર્જી તરફથી ૨૭૬ કરોડનો ઑર્ડર મળ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૫ થઈ અડધો ટકો ઘટી ૧૪૦ રહ્યો છે. બૅરિસ લાઇ સાય​ન્સિસે ​સ્વિસ પેરેન્ટલમાં બાકીનો ૩૦ ટકા હિસ્સો નિષાદ શાહ પાસેથી ૪૨૩ કરોડમાં હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે. આ ટેક ઓવર બદલ એરિસ લાઇફ તરફથી નિષાદ શાહને ૨૩ લાખ શૅર પ્રેફર​ન્શિયલ ધોરણે ઇશ્યુ થશે. ગઈ કાલે ઍરિસનો શૅર નીચામાં ૧૬૩૨ થઈ પોણાબે ટકા ઘટી ૧૬૫૨ હતો. મુંબઈની નીરજ સિમેન્ટ સ્ટ્રક્ચરલને નૅશનલ હાઇવે તરફથી ૨૨૦ કરોડનો વર્ક-ઑર્ડર મળ્યો છે. શૅર ઉપરમાં ૨૭૦ થઈ બે ટકા વધીને ૨૬૪ થયો છે.

દેશનાં ૨૭ શહેરોમાં કાર્યરત રિયલ્ટી કંપની શોભા લિમિટેડે મુંબઈ ખાતે પદાર્પણ કરતાં શિવરી ખાતે ૩૧૦ અપાર્ટમેન્ટસનો હાઉસિંગ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. શૅર ગઈ કાલે બે ટકા વધીને ૧૫૪૫ રહ્યો છે. સિમેન્સ એનર્જી ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૭ ટકા વધારામાં ૨૬૪૬ કરોડની આવક ઉપર ૩૧ ટકા વૃદ્ધિદરથી ૩૬૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૩૦૩ થઈ બે ટકા ઘટી ૩૦૯૮ બંધ આવ્યો છે. પાવના ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉતર પ્રદેશ સરકાર સાથે ૩ વર્ષમાં કુલ ૨૫૦ કરોડનું રોકાણ કરવાનાં MOU થયાં છે. આ અહેવાલમાં સતત ૩ દિવસથી ઘટતો શૅર ગઈ કાલે પ્રારંભિક તેજીમાં સવાતેર ટકા ઊછળી ૩૫ થઈ ગયો હતો, ભાવ પાછળથી ગગડી ૩૦ થઈ અડધો ટકો સુધરી ૩૧ રહ્યા છે. યાત્રા ઑનલાઇનમાં CEO તરીકે કંપનીના ફાઉન્ડર ધ્રુવ શ્રુંગીએ રાજીનામું આપતાં સિદ્ધાર્થ ગુપ્તાને CEO બનાવાયા છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૬૦ બતાવીને ૦.૯ ટકાની ખરાબીમાં ૧૭૨ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2025 08:04 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK