સોમવારે ધર્મેન્દ્રના નિધન અને અંતિમ સંસ્કાર પછી ગઈ કાલે તેમના જુહુના ઘરે બૉલીવુડના સહકલાકારો અને મિત્રોએ મુલાકાત લીધી હતી અને શોકમગ્ન દેઓલ-પરિવારને સધિયારો આપીને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી.
દાદા ધર્મેન્દ્રનાં અસ્થિ લેવા પહોંચ્યો કરણ દેઓલ
ધર્મેન્દ્રના સોમવારે વિલે પાર્લેની પવનહંસ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર થયા હતા. ગઈ કાલે સવારે સની દેઓલનો પુત્ર અને ધર્મેન્દ્રનો પૌત્ર કરણ દેઓલ દાદાનાં અસ્થિ લેવા માટે સ્મશાનભૂમિએ પહોંચ્યો હતો અને કારમાં લાલ કપડામાં ઢંકાયેલો અસ્થિકળશ લઈને રવાના થયો હતો. એ સમયે દાદાના વિયોગનું દુઃખ તેના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
દેઓલ-પરિવારને સાંત્વન આપવા ઘરે આવ્યા બૉલીવુડના મિત્રો
ADVERTISEMENT
સોમવારે ધર્મેન્દ્રના નિધન અને અંતિમ સંસ્કાર પછી ગઈ કાલે તેમના જુહુના ઘરે બૉલીવુડના સહકલાકારો અને મિત્રોએ મુલાકાત લીધી હતી અને શોકમગ્ન દેઓલ-પરિવારને સધિયારો આપીને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી હતી. ગઈ કાલે ધર્મેન્દ્રના ઘરે શોક વ્યક્ત કરવા માટે પહોંચનારાઓમાં સૌથી પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હતાં. બન્ને શાંતિપૂર્વક ઘરે પ્રવેશ્યાં અને અડધો કલાક પરિવારજનો સાથે વાતો કરી હતી. બન્નેએ સની અને બૉબી દેઓલ સાથે લાંબી ચર્ચા કરી હતી અને તેમને હિંમત આપી હતી.
એ સિવાય અભય દેઓલ પણ આવી પહોંચ્યો હતો અને તેણે સનીને ગળે વળગાડીને સાંત્વન આપ્યું હતું. એ પછી અજય દેવગન, ફારાહ ખાન, અનન્યા પાંડે, ભાવના પાંડે, શનાયા કપૂર અને ચંકી પાંડેએ પરિવારજનોને મળીને તેમની સાથે થોડો સમય પસાર કર્યો હતો. એ ઉપરાંત સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને કુણાલ ખેમુ એકસાથે આવ્યાં હતાં. તેમણે સનીને દુઃખમાં સધિયારો આપ્યો હતો અને પરિવારના અન્ય સભ્યોને પણ સાંત્વન આપ્યું હતું. આ સ્ટાર્સ સિવાય બૉબીનો ખાસ મિત્ર સેલિબ્રિટી હેરડ્રેસર આલિમ હકીમ અને કમ્પોઝર અનુ મલિક પણ દેઓલ-પરિવારને મળ્યા હતા.


