તાલિબાનશાસિત અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારતની તેમની ૬ દિવસની મુલાકાત પૂરી કરી હતી
અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી સોમવારે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે સમયની ફાઇલ તસવીર
તાલિબાનશાસિત અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારતની તેમની ૬ દિવસની મુલાકાત પૂરી કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે બન્ને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા માટે એક ભારતીય વાણિજ્યિક અટૅચી અફઘાનિસ્તાનમાં તહેનાત રહેશે, અફઘાનિસ્તાનની સોનાની ખાણોમાં રોકાણ કરતી ભારતીય કંપનીઓ અને રોકાણકારોને પાંચ વર્ષ માટે સંપૂર્ણ કરમુક્તિ મળશે, કાબુલથી દિલ્હી અને અમ્રિતસર વચ્ચે ઍર કાર્ગો કૉરિડોર ખોલવામાં આવશે.
અઝીઝીએ વિદેશપ્રધાન એસ. જયશંકર અને વાણિજ્ય રાજ્યપ્રધાન જિતિન પ્રસાદ સાથે મુલાકાત ઉપરાંત ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. સોમવારે દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં પત્રકારો સાથે વાત કરતાં અઝીઝીએ કહ્યું હતું કે એક અફઘાન વેપારદૂત એક મહિનાની અંદર ભારતની મુલાકાત લેશે અને કાબુલ ઇચ્છે છે કે બન્ને દેશો વચ્ચેનો વેપાર એક અબજ ડૉલરથી વધુ થાય. ખાનગી રોકાણની દૃષ્ટિએ ભારત અને અફઘાનિસ્તાન બન્ને ખૂબ જ મજબૂત છે.
ADVERTISEMENT
અફઘાનિસ્તાનમાં કઈ તકો છે?
ભારતીય કંપનીઓને અફઘાનિસ્તાનમાં રોકાણ કરવાની ઑફર કરતાં અઝીઝીએ કહ્યું હતું કે ‘ખાણકામ, કૃષિ, આરોગ્યસંભાળ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, વીજળી અને કાપડ જેવાં અનેક ક્ષેત્રોમાં વિશાળ તકો છે. નવાં ક્ષેત્રો અને ખાસ કરીને સોનાના ખાણકામમાં રોકાણકારોને પાંચ વર્ષ સુધી કરમુક્તિ આપવામાં આવશે. અફઘાનિસ્તાનમાં અપાર સંભાવના છે, પરંતુ ત્યાં ઘણા સ્પર્ધકો નહીં હોય. ભારતને જમીન, ટૅરિફમાં છૂટ અને પાંચ વર્ષની કરમુક્તિ આપવામાં આવશે જેથી ભારતીય કંપનીઓ ત્યાં સરળતાથી વ્યવસાય શરૂ કરી શકે.’


