વિક્રમ સંવત ૨૦૮૨ કન્યા (પ, ઠ, ણ)નું કેવું જશે એ વાંચો અહીં
કન્યા
કન્યા (પ, ઠ, ણ)
युवतिगे शशिनि प्रमदाजनप्रबलकेलिविलासकुतूहलैः ।
विमलशीलसुताजननोत्सवैः सुविधिना सहितः पुमान् ।।
ADVERTISEMENT
કન્યા રાશિમાં ચંદ્ર હોય એ સમયે જન્મ લેનારો જાતક સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ચતુર, વિલાસપ્રિય, રમૂજી, સુશીલ, શુદ્ધ મનનો, વધારે કન્યા સંતાનવાળો, સત્કાર્ય કરનાર અને ભાગ્યશાળી હોય છે
ગણેશજીના આશીર્વાદથી આ વિક્રમ સંવત તમારા માટે ખૂબ જ શુભ, મંગલકારી અને પ્રગતિકારક રહે એવી અભ્યર્થના. કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ મધ્યમ ફળદાયી રહેશે. કન્યા રાશિના જાતકોએ આ વર્ષે ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે આ વર્ષની કુંડળી અનુસાર વ્યક્તિગત જીવન, કારકિર્દી અને મિલકત એવાં ક્ષેત્રો છે જેના વિશે તમે આ વર્ષે થોડા ચિંતિત રહેશો. તમારા જીવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં નવી ઘટનાઓ બનશે. આ ફેરફારો તમારા માટે જરૂરી રહેશે અને એકંદરે તમને વિકાસ તરફ દોરી જશે. વાર્ષિક કુંડળી અનુસાર સખત મહેનત એ જ તમારા માટે તમે જે ઇચ્છો છો એ બધું પ્રાપ્ત કરવાની ચાવી છે. આ વર્ષ તમારા માટે ફળદાયી બનવાનું છે. જો તમે એના માટે સખત મહેનત કરતા હો તો ચિંતા છોડી દેવી અને આત્મવિશ્વાસ રાખવો તેમ જ હિંમત રાખવી. જો તમે તમારા ડર અને આળસને દૂર કરી શકો છો તો તમે ખૂબ સારું કરી શકશો. વર્ષના પહેલા ભાગમાં અથવા કદાચ આખા વર્ષ દરમ્યાન તમારે સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. છતાં ઘણા એવા પ્રસંગો આવશે જ્યારે તમે તમારી સિદ્ધિઓથી ખુશ થશો અને સિદ્ધિની મજાને અનુભવશો. આ વર્ષ તમારા માટે ફક્ત વ્યક્તિગત અને વ્યાવસાયિક જ નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ કરાવનારું પણ રહેશે. તમે તમારા ઘરે કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી શકો છો. યાત્રા અથવા કૌટુંબિક મેળાવડો થઈ શકે છે. પરિવારના વરિષ્ઠ સભ્યો તેમના અનુભવો શૅર કરી શકે છે અને તમારા ઘરનું વાતાવરણ વધુ સારું બનાવશે. આ વર્ષે તમે ધાર્મિક હેતુઓ માટે ઘણા પૈસા ખર્ચ કરશો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય માટે તમારે તમારી બચત ખર્ચ કરવી પડી શકે છે. તમારા અચાનક ખર્ચ તમને વ્યથિત કરતા રહેશે. ઘણી વખત તમને લાગશે કે તમે એકલા છો અને તમે બધાનું સાંભળતા હોવા છતાં તમારું સાંભળવા માટે કોઈ નથી, પરંતુ વાસ્તવિકતા એનાથી વિપરીત રહેશે. તમને ક્યારેક એકલા રહેવાનું ગમશે, પરંતુ તમારે બધા સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને ચોક્કસપણે પોતાના માટે સમય આપવો જોઈએ. આ વર્ષે તમે સરકારી યોજના હેઠળ ફ્લૅટ ખરીદવામાં સફળ થઈ શકો છો. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષે ઘણા અવરોધો આવી શકે છે જેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે એ તમારી ધીરજની કસોટી રહેશે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સાવચેત રહેવું. કેટલીક ખોટી પોસ્ટ તમારી છબિ બગાડી શકે છે. આ વર્ષે લોકો સલાહ માટે તમારી પાસે આવશે, કારણ કે તેમને લાગશે કે તમારી સલાહ તેમના માટે ખૂબ ઉપયોગી છે અને તેથી તમારી લોકપ્રિયતા પણ વધશે.
પ્રણય અને સંબંધો
જે લોકો હજી પણ સાચા પ્રેમની શોધમાં છે તેમના માટે એ કહેવું જ જોઈએ કે આ વર્ષે તમારી આશાઓ પૂરી ન થાય, પણ તમારે તમારા તરફથી પ્રયાસ કરતા રહેવું જોઈએ. પ્રેમજીવનને સંભાળવા પર ધ્યાન આપવું જોઈએ. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર છે. એપ્રિલ, મે અને જૂન મહિના પ્રેમજીવન વિતાવી રહેલા લોકો માટે ખાસ મહત્ત્વપૂર્ણ છે. તમારા પ્રિય તમારા માટે પોતાનો સમય ફાળવશે અને તમે આવા પ્રિયને મેળવીને ધન્ય અનુભવશો. પહેલાં ક્યારેય ન જોયેલા રોમૅન્ટિક અનુભવો થશે. તમારા આત્માને તમારા પ્રિય માટે ઉત્સાહિત રાખો અને આ સમયનો સંપૂર્ણ આનંદ માણો. આ વર્ષે પ્રિય સાથે કેટલાક સારા અને રોમાંચક અનુભવો થશે જે તમને ખુશ કરી શકે છે.
નાણાકીય બાબતો
વર્ષની શરૂઆતમાં તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમારે તમારી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે બિનભરોસાપાત્ર માધ્યમોનો આશરો લેવો જોઈએ નહીં. એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને મોટું નુકસાન પણ કરી શકે છે. આ સમય તમારા માટે અનુકૂળ છે, પરંતુ તમારે કેટલીક નવી યોજનાઓ પર પણ કામ કરવું પડશે અને ધ્યાનમાં રાખવું પડશે. જ્યારે પણ નાણાં મળવાની શક્યતા હોય ત્યારે તમારે એનું ક્યાંક રોકાણ કરવું પડશે. શૅરબજારમાં રોકાણ કરીને તમે આ વર્ષે ઘણાં નાણાં કમાઈ શકો છો. સોના-ચાંદીમાં લાંબા ગાળાનું રોકાણ તમારા માટે મોટા પાયે લાભદાયી નીવડશે. પોતાના પર વિશ્વાસ રાખવો અને આવક વધારવાનો પ્રયાસ કરતા રહેવું. પૈતૃક મિલકતોમાંથી લાભ મળવાની શક્યતા છે.
નોકરી અને વ્યવસાય
આ વર્ષ સિદ્ધિની દૃષ્ટિએ ઉત્તમ છે. શરૂઆતમાં જે પરિસ્થિતિઓ નકારાત્મક લાગતી હતી એ તમારી સર્જનાત્મકતા અને કાર્યક્ષમતા દ્વારા તમારા પક્ષમાં આવશે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમે થોડો વધારાનો પ્રયાસ કરશો એટલે સારો પર્ફોર્મન્સ આપી શકશો. તમે આ વર્ષે નવી નોકરી લઈ શકો છો. સરકારી કર્મચારીઓએ આ વર્ષે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે એમાં સફળ થઈ શકો છો. જો તમે યોગ્ય લોકોની પસંદગી કરવામાં સાવધાની રાખશો તો ભાગીદારી ફળદાયી રહેશે. આ વર્ષમાં પ્રોફેશનલ હેતુથી ઘણી મુસાફરી થવાની સંભાવના પણ છે એટલે એ મુજબ પ્લાનિંગ કરવું. જો તમે આયાત-નિકાસના વ્યવસાયમાં છો તો વૃદ્ધિની ઉચ્ચ સંભાવના છે. તમે દેશની બહાર પણ મુસાફરી કરી શકો છો. તમે લાંબા સમયથી તમને વ્યથિત કરતી સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો. કોઈ પણ કોર્ટકેસ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ શકે છે.
અભ્યાસ
વિદ્યાર્થીઓ માટે નક્ષત્રો સારાં પરિણામોનું વચન આપી રહ્યાં છે. જોકે તમારે જાણવું જોઈએ કે સખત મહેનત વિના કોઈ પરિણામ પ્રાપ્ત થઈ શકતું નથી. કોઈ પણ રીતે બેદરકાર ન રહેવું અથવા મહેનત કરવામાં વિલંબ ન કરવો, કારણ કે કામમાં વિલંબ સફળતાને ચોક્કસપણે જોખમમાં મૂકી શકે છે. જો તમે પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો એ તમારા પક્ષમાં આવશે. તમે તમારી પ્રતિભાને ઓળખશો અને તમારા સારા જ્ઞાનનું પ્રદર્શન કરશો. તમને પરિવારના વૃદ્ધ સભ્ય અથવા સારા માર્ગદર્શકનો ટેકો મળશે. આનાથી તમારા અવરોધો દૂર થઈ શકે છે અને પરીક્ષામાં સફળતાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તમારે તમારા પ્રયત્નોમાં સાવચેત તેમ જ પ્રામાણિક રહેવું પડશે. તમે જેટલી મહેનત કરો છો એના પ્રમાણમાં જ સારાં પરિણામો મેળવી શકશો એ વાત યાદ રાખો.
સ્વાસ્થ્ય
આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે વધારે અનુકૂળ રહેશે નહીં. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં વધુ સાચવવું પડશે. તમારા આહારનું ધ્યાન રાખવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી. નિયમિત કસરત કરવી. પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. જો તમે કામને કારણે તનાવમાં હો તો પોતાને આરામ આપે એવી પ્રવૃત્તિઓ કરીને શરીરને રાહત આપવાનો પ્રયાસ કરવો. નોકરિયાત વર્ગમાં ડેસ્ક પર કામ કરતા લોકોએ નિયમિત ચેકઅપ કરાવવું અને થોડી શારીરિક કસરત કરવી મહત્ત્વપૂર્ણ છે. તમે સંભાળી શકો એના કરતાં વધુ કામ કરવું નહીં. માનસિક સ્વાસ્થ્ય પર શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ ધ્યાન આપવાની જરૂર છે. તમારી કિડની અને પેટમાં કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. બધી જરૂરી સાવચેતીઓનું પાલન કરવાની જરૂર છે. ઉપરાંત તમારી માતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું.

