પ્રહાર જનશક્તિ પક્ષના બચ્ચુ કડુએ શેતકરી હક પરિષદમાં ખેડૂતોને ઉશ્કેર્યા
પ્રહાર જનશક્તિ પક્ષના બચ્ચુ કડુ
એમ પણ કહ્યું કે વિધાનસભ્યના ઘરની સામે કપડાં કાઢીને બેસી જાઓ અને ત્યાં પેશાબ કરો; મરવા કરતાં તો એ સારું જ છેને?
બુલઢાણા જિલ્લાના પાતુર્ડા ગામમાં રાજ્યવ્યાપી શેતકરી હક પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ખેડૂતોને આત્મહત્યા કરતા રોકવા માટે પ્રહાર જનશક્તિ પક્ષના બચ્ચુ કડુએ એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ કર્યું હતું. તેમણે ખેડૂતોને કહ્યું હતું કે ‘તમે શું કામ આત્મહત્યા કરો છો? એને બદલે એકાદ વિધાનસભ્યને જ કાપી નાખો.’
ADVERTISEMENT
તેમના આ સ્ટેટમેન્ટ બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના વિધાનસભ્ય રોહિત પવાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પ્રવીણ દરેકર અને રાજ્યના ઍગ્રિકલ્ચર મિનિસ્ટર દત્તાત્રય ભરણેએ બચ્ચુ કડુના આ સ્ટેટમેન્ટ બદલ નારાજગી દર્શાવીને વિરોધ કર્યો હતો.
બચ્ચુ કડુએ ખેડૂતોને સંબોધતાં કહ્યું હતું કે ‘તું મરે એના કરતાં એકાદને મારી નાખ, એકાદ વિધાનસભ્યને જો કાપી નાખેને તો હું કહું છું કે આત્મહત્યા કરવાની જરૂર જ નહીં પડે. શા માટે તમે પોતે મરો છો. આત્મહત્યા કરવા કરતાં બધાં કપડાં કાઢીને વિધાનસભ્યના ઘર સામે બેસી જાઓ. શરીર પર કપડાં રાખવાનાં જ નહીં. તેના ઘર સામે પેશાબ કરવાનું, મરવા કરતાં તો આ પરવડે કે નહીં? જો આવી ધમાલ મચાવીને તમે, તો હું કહું છું કે આ સરકાર પડી જશે.’
બચ્ચુ કડુના આ વિધાન બદલ BJPના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ‘બચ્ચુ કડુએ આવું બાલિશ બોલવું ન જોઈએ. તેમણે સામાજિક કામ કરવું જોઈએ. નહીંતર કાપી નાખો, મારી નાખો જેવા બનાવ તેમની સાથે જ થશે. વિવાદ ઊભો કરવામાં બચ્ચુ કડુનું નામ લેવામાં આવશે.’
રાજકીય પક્ષો દ્વારા જ્યારે વિરોધ થવા માંડ્યો ત્યારે બચ્ચુ કડુએ તેમના એ સ્ટેટમેન્ટ બદલ ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘મારા બોલવાને કારણે કેટલાક લોકોને દુ:ખ થયું, પણ રોજના ૧૨ ખેડૂતો આત્મહત્યા કરે છે. તો પછી ખેડૂતે રોજ મરવા કરતાં વિધાનસભ્યને જ કેમ મારી ન નાખવો જોઈએ? ખેતીના પાકને ટેકાના ભાવ નથી આપતા. ખેડૂતનો પાક તો કોડીના ભાવે વેચાય છે. તેમને શરમ નથી આવતી? લોન-માફી બાજુએ રહી, ૨૦ ટકા બોનસ આપવાની જાહેરાત થઈ હતી એનું શું થયું એવા સવાલ બચ્ચુ કડુએ કર્યા હતા.

