આ વખતની દિવાળી નેવીના જવાનો સાથે ઊજવીને નરેન્દ્ર મોદીએ કહ્યું...
ગઈ કાલે ગોવા પાસે ફાઇટર જેટથી સજ્જ INS વિક્રાન્ત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાના જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળી ઊજવી હતી.
ત્રણેય સેનાઓને સલામ, તેમના જબરદસ્ત સમન્વયથી ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડવા મજબૂર થયું હતું
જવાનોને મીઠાઈ ખવડાવી, તેમનાં હવાઈ કરતબ જોયાં અને જવાનોનાં દેશભક્તિનાં ગીતો પર ઝૂમ્યા ઃ સતત બારમી વખત વડા પ્રધાને સૈનિકો સાથે દિવાળી મનાવી
ADVERTISEMENT
સોમવારે વહેલી સવારે નરેન્દ્ર મોદીએ ગોવામાં INS વિક્રાન્ત પર નૌસેના સાથે દિવાળી મનાવી હતી. જોકે તેઓ રવિવારે રાતે જ આ યુદ્ધજહાજ પર પહોંચી ગયા હતા. રાતના અંધારામાં નેવીના જવાનોએ આકાશમાં રંગો પાથરતાં હવાઈ કરતબો કરીને તેમનું સ્વાગત કર્યું હતું. નેવીના ઑફિસરો સાથે નરેન્દ્ર મોદી INS વિક્રાન્તની કામગીરી સમજ્યા હતા અને યુદ્ધજહાજ પરથી મિગ-29 વિમાનની ઉડાન નિહાળી હતી.
ઇન્ડિયન નેવીના લોગોમાં જે તીર છે એનું ફૉર્મેશન સૈનિકોએ કર્યું હતું જેમાં નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
બડા ખાનામાં સામેલ થયા
સશસ્ત્ર દળોની ગૌરવશાળી પરંપરાનું અભિન્ન અંગ છે બડા ખાના. એમાં માત્ર સામૂહિક ભોજનની જ વાત નથી હોતી; જવાનો અને અધિકારીઓ વચ્ચે સૌહાર્દ, એકતા અને પરસ્પરના સન્માનની ભાવના સુદૃઢ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી પણ નેવીના જવાનો અને અધિકારીઓ સાથે ‘બડા ખાના’માં સામેલ થયા અને ડિનર લીધું હતું.
INS વિક્રાન્ત પરથી મિગ-29ને ટેક-ઑફ કરતું જોઈ રહેલા નરેન્દ્ર મોદી.
ત્રણેય સેનાઓને સલામ
આકાશમાં હવાઈ કરતબના કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદીએ જવાનોને દિવાળીની મીઠાઈ ખવડાવી હતી અને નૌસેનાના જવાનો સાથે વાતચીત કર્યા પછી જવાનોએ દેશભક્તિનાં ગીતો ગાયાં હતાં જેમાં નરેન્દ્ર મોદી તાલ આપતા જોવા મળ્યા હતા. દિવાળીની ઉજવણી પછી વડા પ્રધાને નૌસેનાને સંબોધન કર્યું હતું. એમાં ૪૫ મિનિટનું ભાષણ આપ્યું હતું જેમાં INS વિક્રાન્તની ઑપરેશન સિંદૂરમાંની ભૂમિકાનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘હું આપણી સેનાઓને ખાસ સૅલ્યુટ કરવા માગું છું. ત્રણેય સેનાઓના જબરદસ્ત સમન્વયથી ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ઘૂંટણિયે પડવા મજબૂર બન્યું હતું.’
છેલ્લાં ૧૨ વર્ષમાં ક્યાં દિવાળી ઊજવી હતી
૨૦૨૪ઃ ગુજરાતના કચ્છમાં BSF, આર્મી, નેવી અને ઍરફોર્સના જવાનો સાથે.
૨૦૨૩ઃ હિમાચલ પ્રદેશના લેપચામાં ભારતીય થલસેનાના જવાનો સાથે.
૨૦૨૨ઃ કારગિલમાં આર્મી સાથે.
૨૦૨૧ઃ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં ભારતીય આર્મી સાથે.
૨૦૨૦ ઃ રાજસ્થાનના જેસલમેર પાસે લૉન્ગેવાલા પોસ્ટ પર સૈનિકો સાથે.
૨૦૧૯ઃ જમ્મુ–કાશ્મીરના રાજૌરીમાં LoC પર તહેનાત જવાનો સાથે.
૨૦૧૮ઃ ઉત્તરાખંડમાં ચીનની બૉર્ડર પાસે હર્ષિલ ગામના ભારતીય જવાનો સાથે.
૨૦૧૭ઃ જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે.
૨૦૧૬ઃ હિમાચલ સાથે જોડાયેલી ચીનની બૉર્ડર પાસે સૈનિકો અને ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ સાથે.
૨૦૧૫ઃ અમ્રિતસરમાં જવાનો સાથે.
૨૦૧૪ઃ સિયાચીન બૉર્ડર પાસે તહેનાત જવાનો સાથે.
એ ઉપરાંત શું-શું કહ્યું નરેન્દ્ર મોદીએ?
નૌસેનાના જવાનોએ દેશભક્તિનાં ગીતો ગાયાં અને એના પર પર્ફોર્મ કર્યું હતું.
આપણું વિક્રાન્ત આજે આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાનું બહુ મોટું પ્રતીક છે. મહાસાગરને ચીરતા સ્વદેશી INS વિક્રાન્તે ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડાડી દીધી હતી. એનું નામ છે દુશ્મનનું ચેન છીનવી લેવું અને એ છે INS વિક્રાન્ત.
ભારતીય નૌસેનાએ પેદા કરેલા ભયે, ભારતીય વાયુસેનાએ દેખાડેલા અદ્ભુત કૌશલે અને ભારતીય થલસેનાના જાંબાઝ દેખાવ એટલે કે ત્રણેય સેનાઓના સમન્વયને કારણે ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ખૂબ ઝડપથી તૂટી ગયું હતું.
હું ગઈ કાલથી તમારી વચ્ચે છું. તમારી પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. દિલ્હીથી નીકળ્યો ત્યારે વિચાર્યું હતું કે આ પળને જીવી લઉં. તમારી તપસ્યા, સાધના અને સમર્પણ એટલી ઊંચાઈ પર છે કે હું એ જીવી ન શક્યો, પણ સમજી શક્યો છું.
આજે આપણે સરેરાશ ૪૦ દિવસે એક નવું સ્વદેશી યુદ્ધજહાજ અથવા સબમરીન નેવીમાં સામેલ કરી રહ્યા છીએ. આપણી સ્વદેશી બ્રહ્મોસ અને અને આકાશ મિસાઇલોએ એમની ક્ષમતા સાબિત કરી દીધી છે. બ્રહ્મોસનું નામ સાંભળીને જ કેટલાક લોકોને ચિંતા થવા માંડી છે. આપણી પાસેથી અનેક દેશો આ મિસાઇલો ખરીદવા માગે છે. હવે ભારતની ત્રણેય સેના હથિયારો એક્સપોર્ટ કરવાની ક્ષમતા કેળવી રહી છે. આપણું ડિફેન્સ એક્સપોર્ટ ૩૦ ગણું વધ્યું છે અને આપણી કોશિશ છે કે ભારત ટૉપ એક્સપોર્ટર દેશોમાં સામેલ થાય.

