બુલિયન પાછળ મેટલમાં વિશ્વ સ્તરે ભારે ખરાબી વચ્ચે તમામ અગ્રણી એશિયન બજાર મૂરઝાયાં : બિટકૉઇન ૭૫,૦૦૦ની અંદર જઈને વર્ષના તળિયે જવાની તૈયારીમાં : મેટલના ભાવમાં ખુવારી વચ્ચે ઘરઆંગણે મેટલ ઇન્ડેક્સ તમામ શૅરની મજબૂતીમાં બે ટકા જેવો વધ્યાની નવાઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- IT સિવાય લગભગ તમામ ઇન્ડાઇસિસ વધીને બંધ
- જાન્યુઆરીના વેચાણના આંકડા પાછળ ઑટો શૅરમાં સાર્વત્રિક સુધારો઼
- માઇક્રો ફાઇનૅન્સ કંપની ક્રેડિટ એક્સેસ ગ્રામીણને હસ્તગત કરવા ઍક્સિસ બૅન્કને રસ
એશિયન બજારો માટે નવા મહિના અને સપ્તાહનો આરંભ નબળો રહ્યો છે. ગઈ કાલે સાઉથ કોરિયન માર્કેટ સવાપાંચ ટકા, ઇન્ડોનેશિયા ૪.૯ ટકા, ચાઇના અઢી ટકા, તાઇવાન દોઢેક ટકા, હૉન્ગકૉન્ગ અઢી ટકા, જપાન એક ટકા નજીક, થાઇલૅન્ડ પોણો ટકો, ઑસ્ટ્રેલિયા એક ટકો, સિંગાપોર સાધારણ ઘટ્યું છે. બુલિયન સહિત મેટલ માર્કેટમાં આવેલી ખરાબીની આ અસર કહેવાય છે. સામે યુરોપ રનિંગમાં નહીંવત્થી સાધારણ સુધારો બતાવતું હતું. બ્રૅન્ટક્રૂડ પાંચ ટકા નજીક લપસીને ૬૬ ડૉલરની અંદર ચાલી ગયું છે. બિટકૉઇન ૭૪,૬૮૦ ડૉલર દેખાયો છે. લાગે છે કે ૭૪,૪૩૭ની વર્ષની બૉટમ બહુ નજીકમાં તૂટવાની છે. બુલિયનમાં કરેક્શન આગળ વધ્યું છે. આ લખાય છે ત્યારે MCX સિલ્વર નીચામાં ૨.૨૬ લાખની અંદર જઈને સાડાછ ટકાના ઘટાડે ૨,૪૭,૫૦૦ તથા MCX ગોલ્ડ ૧.૩૭ લાખ થઈ નહીંવત્ સુધારામાં ૧,૪૮,૩૭૫ ચાલતો હતો.
ઘરઆંગણે બજાર બજેટના દિવસે ઇન્ટ્રા-ડેમાં ઉપલા મથાળેથી ૨૮૨૮ પૉઇન્ટના ધબડકા બાદ છેવટે ૧૫૪૭ પૉઇન્ટ કે ૧.૯ ટકાની ખરાબીમાં ૮૦,૮૨૩ બંધ રહ્યા પછી વળતા દિવસે ૧૬૭ પૉઇન્ટના ઘટાડામાં ૮૦,૫૫૬ નજીક ખૂલી છેવટે ૯૪૩ પૉઇન્ટ ક ૧.૨ ટકાના બાઉન્સબૅકમાં ૮૧,૬૬૬ બંધ થયું છે. નિફ્ટી ૨૪,૭૯૬ ખૂલ્યા બાદ ૧.૧ ટકો કે ૨૬૩ પૉઇન્ટ સુધરીને ૨૫,૦૮૮ ઉપર જોવાયો છે. ઢીલી શરૂઆત બાદ બજેટનો હિસાબ બાકી હોય એમ શૅર આંક ઘટીને ૮૦,૩૮૭ તથા નિફ્ટી નીચામાં ૨૪,૬૭૯ થયો હતો. ત્યાર પછી બજાર સતત સુધારામાં આવી ગયું હતું. બજેટનું સેલ-ઑફ્ફ પૂરું થઈ ગયું હોય એમ નીચલા મથાળેથી ૧૩૪૫ પૉઇન્ટ ઊંચકાઈને સેન્સેક્સ ઉપરમાં ૮૧,૭૭૨ દેખાયો હતો. નિફ્ટીમાં ૨૫,૧૦૮ની ઇન્ટ્રા-ડે ટૉપ બની હતી. રસાકસીવાળી માર્કેટ બ્રેડથમાં NSEમાં વધેલા ૧૫૫૧ શૅર સામે ૧૬૩૯ જાતો નરમ હતી. માર્કેટ કૅપ ૪.૪૨ લાખ કરોડ વધીને ૪૫૫.૦૩ લાખ કરોડ થયું છે. જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ સુધર્યાં છે. વિશ્વ બજારમાં મેટલમાં ખરાબી વચ્ચે ઘરઆંગણે મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા વધ્યો એ નવાઈની વાત છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૯ ટકા, એનર્જી બે ટકા, કૅપિટલ ગુડ્સ દોઢ ટકા, પાવર ઇન્ડેક્સ અઢી ટકા, ઑટો બેન્ચમાર્ક બે ટકા, યુટિલિટીઝ ૨.૭ ટકા, રિયલ્ટી દોઢ ટકો, PSU બેન્ચમાર્ક દોઢ ટકો, નિફ્ટી FMCG ૧.૨ ટકા, નિફ્ટી ડિફેન્સ ૧.૧ ટકા અપ હતા.
ADVERTISEMENT
પાવર ગ્રીડ કૉર્પોરેશન સાડાસાત ટકાની તેજીમાં ૨૭૦ બંધ આપી સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. અદાણી પોર્ટ્સ પોણાપાંચ ટકા, અદાણી એન્ટર પોણાત્રણ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર સવાપાંચ ટકા, તાતા કન્ઝ્યુમર સાડાત્રણ ટકા, ભારત ઇલે. સવાત્રણ ટકા, અલ્ટ્રાટેક બે ટકા, ઇન્ડિગો ૨.૧ ટકા, વિન્દાલ્કો અઢી ટકા, નેસ્લે બે ટકા મજબૂત હતી. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સવા ટકો, અદાણી એનર્જી સાડાચાર ટકા, અદાણી ગ્રીન ૪.૬ ટકા, એસીસી એક ટકો, અંબુજા સિમેન્ટ્સ ૨.૭ ટકા, સાંઘી ઇન્ડ. સવાબે ટકા, ઓરિયન્ટ સિમેન્ટ્સ સવાબે ટકા, NDTV બે ટકા પ્લસ હતી.
રિલાયન્સ સવાત્રણ ટકાના જોરમાં ૧૩૯૦ બંધ આપી બજારને ૨૫૩ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્સ ૦.૭ ટકા સુધરીને ૨૪૪ હતી. ICICI બૅન્ક સવા ટકો તથા HDFC બૅન્ક પોણો ટકો વધતાં બજારને કુલ ૧૯૭ પૉઇન્ટ ફાયદો થયો છે. ઍક્સિસ બૅન્ક તરફથી માઇક્રોફાઇનૅન્સ કંપની ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં પ્રમોટર્સનો ૬૬.૩ ટકા હિસ્સો હસ્તગત કરવાની વાટાઘાટ હાથ ધરાઈ હોવાના અહેવાલ છે. શૅર બે ટકા ઘટીને ૧૩૧૧ હતો. ક્રેડિટ એક્સેસ પણ ૧.૭ ટકા ઘટીને ૧૨૫૨ રહી છે. શ્રીરામ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા બગડી ૯૬૨ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતી. ઇન્ફી ૧.૯ ટકા ગગડી બજારને ૯૩ પૉઇન્ટ નડી છે.
હન્નાહ જોસેફ ડિસ્કાઉન્ટમાં, કસ્તૂરી મેટલનું આજે લિસ્ટિંગ
મદુરાઈની હન્નાહ જોસેફ હૉસ્પિટલ ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૬૫ ખૂલી ૬૮ બંધ થતાં અઢી ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે.
ઔરંગાબાદની કસ્તૂરી મેટલ ૧૦ના શૅરદીઠ ૬૪ની ઇશ્યુ પ્રાઇસ અને હાલના બેના પ્રીમિયમ સામે આજે લિસ્ટેડ થશે. દરમ્યાન મુંબઈના વરલી ખાતેની CKK રીટેલમાર્ટનો ૧૦ના શૅરદીઠ ૧૬૩ના ભાવનો ૮૮ કરોડનો NSE SME IPO બીજા દિવસના અંતે કુલ ૭૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. મુંબઈના અંધેરી-વેસ્ટની ઓમેગા ઇન્ટરઍક્ટિવ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ એક રૂપિયામાં વિભાજનમાં ૬ ફેબ્રુઆરીએ રોજ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૫૪૫ થઈ પોણો ટકો ઘટીને ૫૧૬ બંધ હતો. ૧૭ જુલાઈના રોજ ભાવ ૬૮ નીચેના તળિયે હતો. મૂળ તીર્થંકર ઇન્ફ્રા ત્યાર પછી સમભાવ ઇન્ફ્રા અને હાલ PVV ઇન્ફ્રા તરીકે ઓળખાતી વિજ્યવાડાની કંપની ૭ શૅરદીઠ ૬ના પ્રમાણમાં પાંચનો શૅર ભાવોભાવ રાઇટથી આપવાની છે. રેકૉર્ડ ડેટ પાંચ ફેબ્રુઆરી છે. શૅર ગઈ કાલે ૪.૩ ટકા ગગડીને ૫.૩૦ હતો. જુલાઈ ૨૦૧૪માં ભાવ ૧૦.૪૧ના બેસ્ટ લેવલે ગયો હતો. એપ્રિલ ૨૦૨૦માં ૪૫ પૈસાનું વર્સ્ટ બૉટમ બનેલું છે.
સરકારે ડિફેન્સ બજેટ ૧૯ ટકા વધારીને ૫.૯ લાખ કરોડ આગામી વર્ષ માટે નક્કી કર્યું છે. એમાંથી ડિફેન્સમાં કૅપેક્સ પેટે ૨.૨ લાખ કરોડ ખર્ચાશે જે ચાલુ વર્ષના મુકાબલે બાવીસ ટકા વૃદ્ધિ બતાવે છે. આમ છતાં બજેટના દિવસે નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૫.૧ ટકા તૂટ્યો હતો. એના ૧૮માંથી ૧૭ શૅર બગડ્યા હતા. ગઈ કાલે આ બેન્ચમાર્ક એક ટકો સુધર્યો છે. ૧૦ શૅર વધ્યા હતા. ભારત ફોર્જ ૪.૭ ટકા, ભારત અર્થમૂવર્સ ૩.૩ ટકા, ભારત ઇલે. ૩.૬ ટકા વધી હતી. એમટાર ટેક્નૉલૉજીઝ ૩૧૯૦ના શિખરે જઈને બે ટકા ગગડી ૩૦૨૫ થઈ છે. ભારત ડાયનૅમિક્સ ૪.૫ ટકા કે ૬૨ રૂપિયા, હિન્દુસ્તાન ઍરોનોટિક્સ એક ટકા, એસ્ટ્રામાઇક્રો સાધારણ, સિએન્ટ ડીએલએમ અડધો ટકો, CFF ફ્લુઇડ ૩.૮ ટકા, DCX ઇન્ડિયા બે ટકા, આઇડિયા ફોર્જ બે ટકા, સિકા ઇન્ટર ૩ ટકા ગગડી હતી.
બૅન્કિંગ તથા ફાઇનૅન્સમાં મિશ્ર વલણ સાથે હળવો સુધારો
પીએસયુ બૅન્ક નિફ્ટી આગલા દિવસની સાડાપાંચ ટકાની ખુવારી બાદ ગઈ કાલે પોણા ટકા જેવો સુધારામાં હતો. એના ૧૨માંથી ૪ શૅર ડાઉન હતા. કૅનરા બૅન્ક ૩.૮ ટકા વધીને અહીં ઝળકી છે. બે ટકા ગગડેલો બૅન્ક નિફ્ટી સોમવારે ૨૦૨ પૉઇન્ટ સુધર્યો હતો. એના ૧૪માંથી ૯ શૅર વધ્યા છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૧ શૅર માઇનસ હતા. જનાસ્મૉલ બૅન્ક ૩.૪ ટકા, ઇસફ બૅન્ક ૨.૩ ટકા, CSB બૅન્ક ૧.૭ ટકા, કર્ણાટકા બૅન્ક પોણો ટકો, ઇન્ડિયન બૅન્ક અડધો ટકો, યુકો બૅન્ક એક ટકા, ફેડરલ બૅન્ક એક ટકાના ઘટાડામાં હતી. કરૂર વૈશ્ય બૅન્ક ૩.૪ ટકા તથા ડીસીબી બૅન્ક પાંચ ટકા બાઉન્સ થઈ છે.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક બજેટના દિવસે ૧૮૩માંથી ૩૦ શૅરના સુધારા વચ્ચે સવાબે ટકા ગગડ્યો હતો એ ગઈ કાલે અડધો ટકો ૬૬ પૉઇન્ટના સુધારામાં બંધ થયો છે, પરંતુ અત્રે ૧૮૩માંથી ૯૭ જાતો માઇનસ હતી. MCX સાડાઅગિયાર ટકા આગલા દિવસની ખરાબી પછી ગઈ કાલે નીચામાં ૨૧૪૫ થઈ ચાર ટકા વધીને ૨૩૨૨ રહ્યો છે. બીએસઈ લિમિટેડ પોણાઆઠ ટકા ખરડાઈ હતી. એ ગઈ કાલે ૪.૮ ટકા બાઉન્સ થઈ ૨૭૦૧ રહી છે. મોનાર્ક નેટવર્થ ૪ ટકા, મોતીલાલ ઓસવાલ ૩.૪ ટકા, એન્જલવન ૪ ટકા, આઇઆઇએફએલ ૪.૧ ટકા પ્લસ હતી. ગ્રોફેમ બિલિયન્સબ્રેઇન ૨.૩ ટકા, સેન્ટ્રમ કૅપિટલ ૪.૭ ટકા, માસ્ટર ટ્રસ્ટ ૮.૮ ટકા, પ્રાઇમ સિક્યૉરિટીઝ ૩ ટકા, SMC ગ્લોબલ બે ટકા, દામ કૅપિટલ ૨.૩ ટકા, પૉલિસી બાઝાર ૩.૪ ટકા, NSDL ૧.૨ ટકા, ઇન્ડોસ્ટાર ૩.૫ ટકા ઘટી છે. વર્ધમાન હોલ્ડિંગ્સ ૪ ટકા, પિલાની ઇન્વેસ્ટમેન્ટ ૦.૭ ટકા, કામા હોલ્ડિંગ ૦.૭ ટકા, નલવા સન્સ નજીવી, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ પોણો ટકા ઘટી છે. હાઉસિંગ ફાઇનૅન્સ સેગમેન્ટના ૧૭માંથી ૧૪ શૅર નરમ હતા. ઇન્ડબૅન્ક હાઉસિંગ ૭.૯ ટકા, એલઆઇસી હાઉસિંગ બે ટકા, ઇન્ડિયા શેલ્ટર ૨.૮ ટકા, જીઆઇસી હાઉસિંગ સવા ટકા, રેપ્કો હોમ ૨.૪ ટકા, આવાસ ફાઇનૅન્સર્સ ૦.૪ ટકા, સ્ટાર હાઉસિંગ ચાર ટકા, એપ્ટસવૅલ્યુ અડધો ટકો, હુડકો અઢી ટકા ડૂલ થઈ છે. પીએનબી હાઉસિંગ ૮૦૫માં ફ્લૅટ હતી.
અનંતરાજ ૪.૯ ટકા, લોઢા ડેવલપર્સ ૪.૮ ટકા, શોભા લિમિટેડ ૨.૬ ટકા, ગોદરેજ પૉપર્ટીઝ ૩.૪ ટકા, DLF ૨.૪ ટકા સહિત ૧૦માંથી ૭ શૅરના સુધારામાં રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો સુધર્યો છે. એમ્બેસી ડેવલપમેન્ટ્સ ૩.૮ ટકા તૂટીને ૬૩ રહી છે. પ્રેસ્ટિજ એસ્ટેટ સવા ટકો નરમ હતી.
વિશ્વબજારને અવગણી તમામ શૅરના જોરમાં મેટલ ઇન્ડેક્સ મજબૂત
વાહનઉત્પાદક કંપનીઓ તરફથી જાન્યુઆરી મહિનાના વેચાણના આંકડા જાહેર થવા માંડ્યા છે. મહિન્દ્રનું વેચાણ ગયા મહિને ૨૪ ટકા, તાતા મોટર્સ પૅસેન્જરનું વેચાણ ૪૭ ટકા, હ્યુન્દાઇ મોટર્સનું વેચાણ સાડાઅગિયાર ટકા, SML મહિન્દ્રનું વેચાણ ૩૦ ટકા, એસ્કૉર્ટ્સનાં ટ્રૅક્ટર્સનું વેચાણ ૪૬.૯ ટકા, તાતા મોટર્સનું વેચાણ ત્રીસેક ટકા, હીરો મોટોકૉર્પનું વેચાણ ૨૬ ટકા વધ્યું છે. ગઈ કાલે મહિન્દ્રનો શૅર ૩ ટકા વધીને ૩૪૬૩, હીરો મોટોકૉર્પ બે ટકા વધીને ૫૬૨૨, તાતા મોટર્સ પૅસેન્જર ૫.૩ ટકા વધીને ૩૬૩, તાતા મોટર્સ ૦.૪ ટકા સુધરીને ૪૪૩, SML મહિન્દ્ર ૩ ટકા વધીને ૩૫૯૯, એસ્કૉર્ટ્સ નજીવો વધીને ૩૪૯૭, હ્યુન્દાઇ મોટર્સ અડધો ટકો સુધરીને ૨૧૯૬ બંધ થયો છે. અશોક લેલૅન્ડનું વેચાણ ૨૭ ટકા વધ્યું છે, શૅર ૨.૮ ટકા વધીને ૧૯૪ છે. TVS મોટરનું કુલ વેચાણ ૨૯ ટકા વધ્યું છે. શૅર પોણાબે ટકા વધીને ૩૬૪૮ હતો. આઇશરનું વેચાણ ૧૪ ટકા વધ્યું છે. શૅર ૧.૪ ટકા વધીને ૬૯૮૪ થયો છે. ઑટો જાયન્ટ મારુતિ સુઝુકીનું વેચાણ ૧૨ ટકા વધ્યું છે. શૅર નીચામાં ૧૪,૦૫૦ થઈ સવા ટકો વધીને ૧૪,૩૮૭ હતો.
વિશ્વ બજારમાં સોનું હાજર ૪૪૦૨ ડૉલર નીચામાં થઈ વધુ ૬ ટકા ગગડી ૪૫૭૭ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ ૪૪૨૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ રનિંગમાં ત્રણેક ટકા ખરડાઈને ૪૬૦૯ દેખાયું છે. ચાંદી-વાયદો નીચામાં ૭૧ ડૉલરે જઈને ૧.૪ ટકા ઘટીને ૭૭.૫ ડૉલર હતો. પ્લૅટિનમ ૯ ટકા તૂટી ૧૯૯૮ ડૉલર હતી. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા અઢીથી પોણાછ ટકા ખરડાયેલા હતા. જોકે ઘરઆંગણે મેટલ શૅરોમાં ખાસ ખરાબી જોવાઈ નથી. મેટલ ઇન્ડેક્સ ૧૩માંથી ૧૩ શૅર પ્લસમાં આપી ૭૦૯ પૉઇન્ટ વધીને બંધ હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૭.૧ ટકા, નાલ્કો ૪.૫ ટકા, હિન્દાલ્કો ૨.૭ ટકા સુધરી હતી. હિન્દુસ્તાન કૉપર બે ટકા વધીને ૬૧૧ તો તાતા સ્ટીલ દોઢ ટકા વધીને ૧૮૮ હતી. સેઇલ નજીવી, જિન્દલ સ્ટેનલેસ દોઢ ટકા, વેદાન્તા એક ટકો સુધરી છે. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક ૧૫માંથી ૧૫ શૅરની હૂંફ વચ્ચે ૨૧૩ પૉઇન્ટ કે ૧.૯ ટકા વધ્યો છે. મિનરલ્સમાં MOIL ૫.૭ ટકા, આશાપુરા માઇન દોઢ ટકા, ૨૦ માઇક્રોન્સ ૧.૬ ટકા નાઇલ ૨.૩ ટકા, ગોવાકાર્બન ૪ ટકા, GMDC નજીવી નરમ હતી.
ITમાં નબળાઈ, લેટેન્ટ વ્યુ રિઝલ્ટ પાછળ ૯ ટકાની તેજીમાં
આગલા દિવસે ૦.૭ ટકાના સુધારામાં સામા પ્રવાહે રહેવાનો હાંફ ચડ્યો હોય એમ IT બેન્ચમાર્ક ગઈ કાલે ૦.૭ ટકા ઘટીને બંધ થયો છે. એમાં ૭૭માંથી ૪૨ શૅર ડાઉન હતા. એલાઇડ ડિજિટલ સર્વિસિસનાં પરિણામ ચોથીએ છે. શૅર ચારગણા કામકાજે નીચામાં ૧૨૪ બતાવી ૮.૯ ટકાના ધબડકામાં ૧૩૦ હતો. ઑનવર્ડ ટેક્નો ૫.૯ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૫.૭ ટકા, ASM ટેક્નૉલૉજીઝ પાંચ ટકા કે ૧૪૨ રૂપિયા, કેલ્ટોન ટેક્નૉલૉજીઝ ૪ ટકા, રાશી પેરિફેરલ્સ ૩.૮ ટકા, સવાત્રણ ટકા, સિલ્વર ટચ ટેક્નો બે ટકા, ઓરિયન પ્રો દોઢ ટકા, મૅપ માય ઇન્ડિયા અઢી ટકા, તાન્લા પ્લૅટફૉર્મ દોઢ ટકા, લાર્સન ટેક્નો પોણા બે ટકા બગડી છે. સામે લેટેન્ટ વ્યુ તરફથી ૧૯ ટકા વધારામાં ૫૦૮૦ લાખના નેટ નફા સાથે સ્ટ્રૉન્ગ રિઝલ્ટ જારી થતાં શૅર ૬૯ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૪૬૯ બતાવી ૯.૨ ટકા, ડિજિટાઇડ સૉલ્યુશન્સ ૩.૩ ટકા, મોસ્ચિપ ૩.૭ ટકા પ્લસ હતી. NSE લિસ્ટેડ E2E નેટવર્કસ ઉપરમાં ૨૫૨૬ થઈ સવાછ ટકા ઊંચકાઈને ૨૪૩૯ રહી છે. હેવી વેઇટ્સ ઇન્ફોસિસ ૧.૯ ટકા બગડી ૧૫૨૯ તથા TCS અડધો ટકો ઘટીને ૩૧૬૮ બંધ થઈ છે. લાટિમ પોણો ટકો નરમ તો HCL ટેક્નો અડધો ટકો પ્લસ હતી. વિપ્રો ૨૪૨ના લેવલે ફ્લૅટ રહી છે.
ટેલિકૉમ સેક્ટરમાં સ્ટરલાઇટ ટેક્નો ૨.૮ ટકા, MTNL ૩.૩ ટકા, તાતા કૉમ્યુનિકેશન ૩ ટકા, તાતા ટેલી ૨.૪ ટકા, ઑપ્ટિમસ સવા ટકા, રાઉટ મોબાઇલ પોણો ટકા, તેજસ નેટ ૦.૮ ટકા, ભારતી હેક્સા કૉમ સવા ટકા, વોડાફોન અડધો ટકો ઘટી છે. ભારતી ઍરટેલ ઇન્ડિયા અઢી ટકા અપ હતી. કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક તાજેતરની કમજોરી બાદ ગઈ કાલે ૩૪માંથી ૨૪ શૅરના સથવારે ૧૦૦૪ પૉઇન્ટ કે ૧.૬ ટકા પ્લસ થયો છે. એમાં ભારત ઇલે.નો સિંહફાળો હતો. પ્રીમિયર એનર્જીસ ૬.૩ ટકા, વારિ એનર્જી ૫.૬ ટકા, હિટાચી એનર્જી ૫.૧ ટકા કે ૯૩૧ રૂપિયા, સિમેન્ટ ૩.૭ ટકા, સુપ્રીમ ઇન્ડ. ૩.૩ ટકા, ભેલ અઢી ટકા, હનીવેલ ઑટોમેશન ૨.૯ ટકા કે ૯૪૦ રૂપિયા મજબૂત બની છે. લાર્સન ૨.૯ ટકા વધીને ૩૯૨૨ રહી છે.


