દુબઈથી દાણચોરીથી સોનાની ડસ્ટ લાવ્યો, પણ પ્લેનમાંથી બહાર કાઢતાં ન આવડ્યું
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવેલી ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં એક પ્રવાસીની સીટ નીચે સંતાડેલું ગોલ્ડ ડસ્ટ ભરેલું પૅકેટ જપ્ત કર્યું છે. જે પ્રવાસી સીટ પર હતો તે ગ્રીન ચૅનલ પાર કર્યા પછી ઓળખાઈ ગયો અને તેને અટકાવવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે પ્રવાસીને ખબર નહોતી કે દાણચોરીથી લવાયેલું સોનું પ્લેનમાંથી કેવી રીતે બહાર લઈ જવું એટલે તે પૅકેટ લીધા વિના જ પ્લેનમાંથી ઊતરી ગયો હતો.
ધરપકડ કરાયેલો યુવક સાંગલીનો રહેવાસી છે. કસ્ટમ્સ અધિકારીઓને મળેલી બાતમીને પગલે તેમણે સિક્યૉરિટી અને એન્જિનિયરિંગ સ્ટાફની હાજરીમાં સીટ નીચેથી પૅકેટ જપ્ત કર્યું હતું. પૅકેટમાંથી ૨૪ કૅરૅટ સોનાની ડસ્ટ મળી હતી જેની અંદાજે કિંમત ૧.૭૭ કરોડ રૂપિયા હોવાનું કસ્ટમ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ મોડસ ઑપરૅન્ડીથી થતી દાણચોરી અન્ય મુસાફરો માટે પણ જોખમી બની શકે એટલે અધિકારીઓએ રૅકેટની વધુ તપાસ હાથ ધરી છે.


